Wednesday, November 13, 2024
More
    હોમપેજદેશસરેન્ડર કરવા પહેલાં લલિત ઝાએ નષ્ટ કરી દીધા હતા મોબાઇલ, પ્લાન B...

    સરેન્ડર કરવા પહેલાં લલિત ઝાએ નષ્ટ કરી દીધા હતા મોબાઇલ, પ્લાન B પણ રાખ્યો હતો તૈયાર: કોણ છે સંસદ સુરક્ષા ઉલ્લંઘન કેસનો માસ્ટરમાઇન્ડ, કોલકત્તા કનેક્શન પણ જાણો

    શરૂઆતની યોજના પ્રમાણે આ તમામ સંસદ ભવનમાં ઘૂસીને હોબાળો મચાવવાના હતા, પરંતુ તેમને પાસ જ મળી શક્યા ન હતા. આખરે માત્ર સાગર અને મનોરંજનને જ પાસ મળ્યા હતા.

    - Advertisement -

    સંસદ ભવનમાં ઘૂસી જઈને હોબાળો મચાવવા મામલે દિલ્હી પોલીસે અમુક આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે માસ્ટરમાઈન્ડ પણ પકડાઇ ગયો છે. ગુરુવારે (14 ડિસેમ્બર) તે પોલીસ મથકે જઈને હાજર થઈ ગયો હતો. આ વ્યક્તિની ઓળખ લલિત ઝા તરીકે થઈ છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં 7 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. 

    જાણવા મળ્યા અનુસાર, જ્યારે ઘટના બની ત્યારે લલિત ઝા દિલ્હીમાં સંસદ ભવન નજીક જ હતો અને જે હોબાળો થયો તેનો વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. રાત્રે તે પોતાના એક સાથી મહેશને મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ કાવતરામાં મહેશ પણ જોડાવાનો હતો, પરંતુ તેની માતાએ તેને રોકતાં જોડ્યો ન હતો. મહેશ પણ લલિત અને તેના સાથીઓના ગ્રૂપનો સભ્ય હતો. 

    મહેશ અને તેનો પિતરાઈ ભાઈ કૈલાશ લલિતને એક ધાબામાં લઇ ગયા હતા, જ્યાં રૂમ લીધો હતો.  ધાબાનો માલિક મહેશને ઓળખતો હોવાથી તેમને રૂમ આપી દીધો હતો. ગુરુવારે સવારે બંનેની મદદથી લલિતે પોતાની પાસે રહેલા મોબાઈલ ફોન નષ્ટ કરી દીધા હતા અને ત્યારબાદ મહેશ અને લલિત ત્યાંથી નીકળી ગયા હતા અને કૈલાશને કહ્યું હતું કે તેઓ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છે. જ્યાંથી દિલ્હી આવીને બંનેએ સરેન્ડર કરી દીધું હતું. પોલીસે બંનેને કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટ સ્પેશિયલ સેલને સોંપી દીધા છે, જે હાલ મામલાની તપાસ કરે છે.  

    - Advertisement -

    કોણ લલિત ઝા?

    લલિત ઝા મૂળ બિહારનો વતની છે અને અગાઉ કોલકત્તામાં શિક્ષક તરીકે કામ કરી ચૂક્યો છે. એક સ્થાનિકે મીડિયાને કહ્યું કે, તે અહીં શિક્ષક તરીકે ઓળખાતો હતો અને સ્થાનિક બાળકોને ભણાવતો. થોડાં વર્ષો પહેલાં આવ્યો હતો અને એકલો જ રહેતો હતો. કોઇ સાથે વધુ ભળતો નહીં કે વધુ બહાર પણ નીકળતો નહીં. બે વર્ષ પહેલાં અચાનક તે વિસ્તાર છોડીને જતો રહ્યો અને પછી ક્યારેય આવ્યો નહીં. 

    રિપોર્ટ અનુસાર, તે એવું કાંઈ કરવા માંગતો હતો, જેનાથી દેશનું ધ્યાન તેની તરફ ખેંચાય. જેના માટે તેણે બાકીના તેના સાથીઓ સાગર શર્મા, ડી મનોરંજન, નીલમ કૌર, અમોલ શિંદે અને વિકી શર્માનો સંપર્ક કર્યો હતો અને ઘટનાના આગલા દિવસે તમામને ગુરૂગ્રામ સ્થિત વિકીના ઘરે બોલાવ્યા હતા. જ્યાં તેમણે પ્લાનિંગ કર્યું હતું. 

    શરૂઆતની યોજના પ્રમાણે બધા જ સંસદ ભવનમાં ઘૂસવાના હતા

    શરૂઆતની યોજના પ્રમાણે આ તમામ સંસદ ભવનમાં ઘૂસીને હોબાળો મચાવવાના હતા, પરંતુ તેમને પાસ જ મળી શક્યા ન હતા. આખરે માત્ર સાગર અને મનોરંજનને જ પાસ મળ્યા હતા. જેમણે કર્ણાટકના ભાજપ સાંસદના નામે ઇસ્યુ કરાવ્યા હતા પરંતુ સાંસદે પોતાને આ વિશે કોઇ પણ પ્રકારની જાણ હોવાનો ઇનકાર કર્યો છે. સાગર અને મનોરંજન એ જ વ્યક્તિઓ છે જેમણે લોકસભામાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો અને જેમના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

    ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, ધરપકડ બાદ લલિતે જણાવ્યું હતું કે તેની પાસે પ્લાન B પણ હતો અને જો કોઇક કારણોસર નીલમ અને અમોલ પહોંચી શક્યાં ન હોત તો કૈલાશ અને મહેશે સંસદના બીજા ગેટ પાસેથી જઈને કલર બૉમ્બ ફેંકીને હોબાળો મચાવ્યો હોત. પરંતુ મહેશ અને કૈલાશ આગલા દિવસે ગુરૂગ્રામ ન પહોંચતાં નીલમ અને અમોલને કોઇ પણ રીતે આ કામ પૂરું કરવા માટે કહેવામાં આવ્યું હતું. એવું પણ નક્કી થયું હતું કે ઘટના બાદ મહેશ લલિતને સંતાવા માટે રાજસ્થાનમાં મદદ કરશે. 

    પોલીસ આરોપીને મદદ કરવા બદલ અને પુરાવાઓ નષ્ટ કરવા બદલ મહેશ અને કૈલાસને પણ પકડવા માટે વિચારી રહી છે. બીજી તરફ, આ કેસમાં નીલમ, અમોલ, સાગર, મનોરંજન અને વિકી પહેલેથી જ પકડાઈ ગયાં હતાં. લલિત પણ હવે પકડાઈ ગયો છે. પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવી શકશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં