Friday, November 22, 2024
More
    હોમપેજદેશજમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારો હવે ભૂતકાળ બન્યો, 2023માં એકેય ઘટના ન નોંધાઈ: મોદી સરકારે...

    જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારો હવે ભૂતકાળ બન્યો, 2023માં એકેય ઘટના ન નોંધાઈ: મોદી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું, કહ્યું- કલમ 370 હટાવવાથી પ્રદેશમાં શાંતિ સ્થપાઈ

    ત્રણ દાયકાની ઉથલપાથલ બાદ આખરે લોકોનાં જીવન સામાન્ય થઇ શક્યા છે અને શાળા, કોલેજો, યુનિવર્સીટીઓ, હોસ્પિટલો વગેરે નિયમિત રીતે ચાલે છે અને ક્યાંય કોઈ હડતાળ કે અન્ય પ્રકારની અનિયમિતતાઓનો સામનો કરવો પડતો નથી: સરકાર

    - Advertisement -

    વર્ષ 2019માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતો આર્ટિકલ 370 નાબૂદ કરી દીધો હતો, જેની વિરુદ્ધ થયેલી અરજી પર તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આ મામલે જવાબ માંગ્યા બાદ સરકારે એક સોગંદનામું દાખલ કરીને પોતાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો અને તે પાછળનાં કારણો આપ્યાં હતાં. સરકારે એ પણ જણાવ્યું કે કાશ્મીરમાં પથ્થરમારો હવે ભૂતકાળની બાબત બની ગઈ છે.

    સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એફિડેવિટ દાખલ કરીને કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કેમ કલમ 370 હટાવવી એ જમ્મુ-કાશ્મીરના હિતમાં હતું અને કઈ રીતે તેના કારણે પ્રદેશમાં શાંતિ સ્થપાઈ છે. સરકારે એ પણ જણાવ્યું છે કે કાશ્મીરમાં હવે પથ્થરમારો ભૂતકાળ બની ગયો છે અને આ વર્ષે આવી એક પણ ઘટના નોંધાઈ નથી. સરકારે એ પણ જણાવ્યું કે, 370 હટાવવાના કારણે આતંકવાદની ઇકોસિસ્ટમ તોડવામાં મહદ અંશે સફળતા મળી છે. 

    કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 2019થી આ સમગ્ર પ્રદેશમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનો સમય શરૂ થયો છે. ત્રણ દાયકાની ઉથલપાથલ બાદ આખરે લોકોનાં જીવન સામાન્ય થઇ શક્યા છે અને શાળા, કોલેજો, યુનિવર્સીટીઓ, હોસ્પિટલો વગેરે નિયમિત રીતે ચાલે છે અને ક્યાંય કોઈ હડતાળ કે અન્ય પ્રકારની અનિયમિતતાઓનો સામનો કરવો પડતો નથી. સરકારે જણાવ્યું કે, આગળ જેમ હડતાળ પડતી, પથ્થરમારો થતો, આંદોલનો થતાં અને દિવસો સુધી બંધ પાળવામાં આવતા, આ તમામ બાબતો હવે ભૂતકાળ બની ગઈ છે. 

    - Advertisement -

    એક રિપોર્ટ અનુસાર, સરકારે જણાવ્યું કે વર્ષ 2017માં જમ્મુ-કાશ્મીરમાં 1767 જેટલા પથ્થરમારાના બનાવો નોંધાયા હતા, જે કલમ 370 હટવાના કારણે 2023માં શૂન્ય પર આવી ગયા છે. ઉપરાંત, 2018માં હડતાળ અને બંધન કુલ 52 બનાવ નોંધવામાં આવ્યા હતા, જ્યાં દિવસો સુધી બધું ઠપ રહેતું હતું, પરંતુ 2023માં તેની પણ સંખ્યા ઘટીને 0 થઇ ગઈ છે. કેન્દ્રે એ પણ જણાવ્યું કે કઈ રીતે 2019ના આ નિર્ણય બાદ આતંકની ઈકોસિસ્ટમ પર એક મોટો પ્રહાર થઇ શક્યો છે અને તેમની ગતિવિધિઓ પર લગામ લગાવી શકાઈ છે. 

    સરકારે એ પણ જણાવ્યું કે, બંધારણીય ફેરફારો આવવાના કારણે પાયાગત લોકશાહીને મજબૂત કરવામાં પણ નોંધપાત્ર સફળતા મળી છે. એમ પણ જણાવવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ઇતિહાસમાં પ્રથમ વખત ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી શકી છે અને નવેમ્બર-ડિસેમ્બર 2020માં જિલ્લા વિકાસ પરિષદના સભ્ય માટે ચૂંટણી પણ યોજવામાં આવી હતી. 

    કેન્દ્રે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે હવે સરકાર જમ્મુ-કાશ્મીરમાં અમુક સકારાત્મક બદલાવ લાવી રહી છે અને આ માટે યોજનો અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય લોકોનાં જીવનસ્તરમાં સુધારો આવશે. જણાવ્યા અનુસાર, સરકારે જમ્મુ-કાશ્મીર માટે 28,400 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે અને ખીણમાં 78,000 કરોડનું રોકાણ કરવા માટેના પ્રસ્તાવ મળી ચૂક્યા છે. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની પાંચમી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે બિલ રજૂ કર્યું હતું. જે ત્યાંથી અને ત્યારબાદ લોકસભામાંથી પણ પસાર થયા બાદ અધિકારીક રીતે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી. 31 ઓક્ટોબર, 2019થી જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો સમાપ્ત કરીને જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. જોકે, સરકારે કહ્યું હતું કે આ વ્યવસ્થા વૈકલ્પિક છે અને શાંતિ બહાલ થયા બાદ ફરીથી રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં