શનિવારે (9 ડિસેમ્બર, 2023) NIAએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાડેલા દરોડામાં ISIS સાથે સંકળાયેલા 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. NIAના આ દરોડામાં ઝડપાયેલો સાકિબ નાચન આ પહેલાં પણ આતંકવાદી હુમલાના આરોપમાં સજા ભોગવી ચૂક્યો છે. સાકિબ નાચનને વર્ષ 2003માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વર્ષ 2016માં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે, બાદમાં વર્ષ 2017માં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
સાકિબ નાચન મૂળ મુંબઈના બોરીવલીનો રહેવાસી છે. તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન SIMIનો પ્રમુખ પણ રહી ચૂક્યો છે. કહેવામાં આવે છે કે ભાગેડુ ઝાકીર નાઈક સાથે પણ તેના ગાઢ સંબંધ છે. સાકિબનાં કુલ ત્રણ બાળકો છે જેમાં 2 પુત્ર અને 1 પુત્રીનો સમાવેશ થાય છે. NIAના જણાવ્યા અનુસાર સાકિબ સહિતના સંદિગ્ધો દેશની શાંતિ ડહોળવા અને ભારત વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા હતા.
બૉમ્બ બનાવવામાં પાવરધો છે સાકિબ
કહેવામાં આવે છે કે NIAના દરોડામાં ઝડપાયેલો સાકિબ નાચન બોમ્બ બનાવવામાં એક્સપર્ટ છે. તે અન્ય કટ્ટરપંથી યુવકોને બોમ્બ બનાવવાથી માંડીને ભીડવાળી જગ્યાએ બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ પણ આપતો હતો. સાકિબનો છોકરો શામિલ નાચન પણ તેના અબ્બુની જેમ જ આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છે. આ વર્ષે જ NIAએ તેની પણ ધરપકડ કરી હતી. શામિલ અને તેનો અબ્બુ સાકિબ બોરીવલી સ્થિત પોતાના ઘરમાં આતંકવાદીઓ માટે ટ્રેનિંગ સેન્ટર ચલાવતા હતા.
સાકિબનો દીકરો શામિલ નાચન ઝુલ્ફિકાર અલી બડોદાવાલા, મોહમ્મદ ઇમરાન ખાન. મોહમ્મદ યૂનુસ સાકી, સિમાબ નસરુદ્દીન કાઝી અને અબ્દુલ કાદર પઠાણ સહિત અન્ય કેટલાક આતંકવાદીઓ સાથે મળીને ISIS મોડ્યુલ ઉભું કરી રહ્યા હતા. આ પૈકીના ઇમરાન ખાન અને મોહમ્મદ યૂનુસ સાકી ‘અલ સૂફા’ નામના આતંકવાદી સંગઠનના સભ્યો છે.
મહારાષ્ટ્રના ગામને ઘોષિત કર્યું ‘ગ્રેટર સીરીયા’
મળતી માહિતી અનુસાર સાકિબે મહારાષ્ટ્રના ‘પડઘા’ નામના એક ગામને ‘અલ-શામ’ ઘોષિત કરી દીધું હતું. અલ-શામનો અર્થ ‘ગ્રેટર સીરીયા, સ્વતંત્ર ક્ષેત્ર’ તેવો થાય છે. સાકિબની આ ગામ પર એટલી પકડ હતી કે તે અહીં શરિયા કાનૂન ચલાવતો હતો. તે આ ગામના કટ્ટરપંથી માનસિકતા ધરાવતા મુસ્લિમ યુવકોને બોરીવલી લાવીને તેમને વધુ કટ્ટર બનાવતો હતો.
ઉલ્લેખનીય છે કે ISISના ત્રણ આતંકવાદીઓ શાહનવાઝ આલમ, મોહમ્મદ રિઝવાન અશરફ અને મોહમ્મદ અરશદ વારસીની ધરપકડ બાદ વર્તમાન કેસની શરૂઆતમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો પર NIAએ નવેમ્બર 2023માં IPC, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ પોતાના હાથમાં લીધો હતો.
41 ઠેકાણે દરોડા અને 15 લોકોની ધરપકડ
ઉલ્લેખનીય છે કે 9 ડિસેમ્બર 2023ના રોજ NIAએ વહેલી સવારે મોટી કાર્યવાહી કરતા દેશમાં 41 ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં અમુક ઠેકાણે દરોડા પાડ્યા હતા જેમાં મહારાષ્ટ્રના થાણેનાં 31 સ્થળો, થાણે શહેરમાં 9, ભાયંદરમાં 1 અને કર્ણાટકમાં 1 સ્થળ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ દરોડામાં ઝડપાયેલા લોકો ISIS સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું.
આ દરોડામાં NIAએ ઝડપેલા સંદિગ્ધોમાં સાકિબ નાચન ઉપરાંત હાસીબ ઝુબેર મુલ્લા, કાશિફ અબ્દુલ સતાર, સૈફ અતિક નાચન, રેહાન અશફાક સુસે, શાગફ શફી દીવાકર, ફિરોઝ દસ્તગીર કુવારી, આદીલ ઇલ્યાસ ખોટ, મુસાબ હસીબ મુલ્લા, રફીલ અબ્દુલ લતીફ નાચન, યાહ્યા રવિશ ખોટ, રાઝીલ અબ્દુલ લતીફ નાચન, ફરહાન અન્સુર સુસે, મુખલીસ મકબુલ નાચન અને મુઝેર અબુબકરનો સમાવેશ થાય છે.