NEET-UG પેપર લીક મામલે તપાસ ખૂબ ઝડપથી ચાલી રહી છે. મામલાની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી CBI દ્વારા એક પછી એક ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે ઝારખંડની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અહેસાનુલ અને ઇમ્તિયાઝ આલમ બાદ હવે પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જમાલુદ્દીન ઝારખંડના હજારીબાગ ખાતે સ્થાનિક હિન્દી અખબાર ‘પ્રભાત ખબર’નો પત્રકાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ઓએસિસ સ્કૂલના પ્રિન્સીપાલની મદદ કરી રહ્યો હતો તેવા આરોપ છે, ત્યારે પેપર લીક મામલે તેની શું ભૂમિકા રહી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, જમાલુદ્દીનનો સગો ભાઈ સલાઉદ્દીન પણ પત્રકાર છે અને તે સ્થાનિક અખબારના બ્યુરો ચીફ છે. શુક્રવારે (28 જૂન, 2024) CBIએ બંને ભાઈઓને ઘરેથી ઉઠાવી લીધા હતા. જોકે થોડી પૂછપરછ બાદ એજન્સીએ સલાઉદ્દીનને છોડી મૂક્યો હતો, જ્યારે પત્રકાર અને માર્કેટિંગ હેડ તરીકે કામ કરતા જમાલુદ્દીનની એજન્સીએ ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે NEET-UG પેપર લીક મામલામાં CBI દ્વારા કરવામાં આવેલી આ પાંચમી ધરપકડ છે.
CBIએ આ પહેલાં ઝારખંડના હજારી બાગથી જ ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. અહેસાનુલ હક અને વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પત્રકાર સલાઉદ્દીન અને તેના ભાઈ જમાલુદ્દીનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછરપછ બાદ એજન્સીએ જમાલુદ્દીનની ધરપકડ કરી લીધી હતી.
ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
ઉલ્લેખનીય છે કે એક તરફ એજન્સી દ્વારા ધરપકડ પર ધરપકડ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ એજન્સી તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. રિપોર્ટ અનુસાર CBI ગુજરાતના ગોધરા, અમદાવાદ, આણંદ અને ખેડા સહિત અલગ-અલગ 7 સ્થળોએ તપાસ કરી રહી છે. આરોપ છે કે પરીક્ષામાં ઉમેદવારો માટે સુરક્ષિત સ્થળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં, જ્યાં લીક થયેલાં પેપર અને આન્સર-કી વિતરીત કરવામાં આવી હતી. CBIએ NEET પેપર લીક મામલે 6 FIR નોંધી છે. પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાની મંત્રાલયની ઘોષણા બાદ રવિવારે પહેલી FIR નોંધવામાં આવી હતી.
CBIએ સોમવારે પરીક્ષાની કથિત ગેરરીતિઓની તપાસ શરૂ કરવા બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સીસ યુનિટ (EOU)ની ઓફિસની મુલાકાત લઈને કેસ સંભાળ્યો હતો. નોંધનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત NEET-UG સમગ્ર ભારતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા છે. આ વર્ષની પરીક્ષા 5 મેના રોજ 571 શહેરોના 4,750 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં વિદેશના 14 સહિત 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.