તાજેતરમાં ચર્ચામાં આવેલી સટ્ટાબાજી એપ મહાદેવ બેટિંગ એપ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. તેની સાથે અન્ય 21 એપ્લિકેશન પણ સામેલ છે, જેઓ ગેરકાયદેસર સટ્ટાબાજીમાં સંડોવાયેલી હતી. કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલયે રવિવારે (5 નવેમ્બર) આ આદેશ જારી કર્યા હતા.
મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, મહાદેવ બુક અને Reddyannaprestopro સહિત 22 ગેરકાયદેસર બેટિંગ એપ્લિકેશન અને વેબસાઈટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી ED દ્વારા ગેરકાયદેસર બેટિંગ એપ સિંડિકેટ વિરુદ્ધ કરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ છત્તીસગઢમાં મહાદેવ એપ વિરુદ્ધ પાડવામાં આવેલા દરોડા બાદ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ કાર્યવાહીને લઈને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, IT એક્ટની કલમ 69A હેઠળ છત્તીસગઢ સરકાર પાસે વેબસાઈટ/એપ પર પ્રતિબંધ મૂકવાની પૂરતી સત્તા છે, પરંતુ તેમણે તેવું ન કર્યું અને રાજ્ય સરકાર છેલ્લાં 1.5 વર્ષથી તપાસ કરી રહી હોવા છતાં તેમના તરફથી (મંત્રાલયને) આ પ્રકારની કોઇ વિનંતી કરવામાં આવી ન હતી.
Ministry of Electronics and Information Technology (MeitY) has issued blocking orders against 22 illegal betting apps & websites, including Mahadev Book and Reddyannaprestopro. The action follows investigations conducted by ED against illegal betting app syndicate and subsequent… pic.twitter.com/WpnxS6u3Be
— ANI (@ANI) November 5, 2023
આઈટી રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ED દ્વારા જ આ મામલે સૌપ્રથમ વિનંતી કરવામાં આવી હતી અને જેને પગલે આખરે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રકારની વિનંતી છત્તીસગઢ સરકાર પણ કરી શકતી હતી.
શું છે એપ અને તેને લગતો કેસ?
મહાદેવ બેટિંગ એપ એ સટ્ટાબાજી માટેની વિવિધ એપ્લિકેશનનું એક સિંડિકેટ છે. જે પોકર અને અન્ય કાર્ડ ગેમ, ચાંસ ગેમ, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ, ‘તીન પત્તી’, પોકર, ‘ડ્રેગન ટાઈગર’, વર્ચ્યુઅલ ક્રિકેટ ગેમ સહિત અન્ય વિવિધ લાઈવ ગેમમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. આ એપનું હેડક્વાર્ટર UAEમાં આવેલું છે, પરંતુ તે દેશના 30 થી વધુ સેન્ટરોથી ઓપરેટ કરવામાં આવી રહી હતી.
તાજેતરમાં જ આ કૌભાંડમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ પણ સામે આવ્યું હતું. EDએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની પાસેથી રોકડા પૈસા મળી આવ્યા હતા. તેણે કબૂલાત કરી હતી કે એપના પ્રમોટરોએ છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રીને કરોડો રૂપિયા પહોંચાડ્યા છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયા બાદ ભાજપે કોંગ્રેસ પર ભ્રષ્ટાચારમાં સામેલ થવાના અને સત્તામાં બેસીને સટ્ટાના ખેલ કરવાના આરોપ પણ લગાવ્યા હતા.