દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના ઉપ-મુખ્યમંત્રી અને શરાબ કૌભાંડ કેસમાં આરોપી મનિષ સિસોદિયાને તપાસ એજન્સી CBIએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સમાં અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું કે, દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યાના ત્રણ મહિના બાદ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
જોકે, એજન્સીએ જણાવ્યું કે ચાર્જશીટમાં હજુ સુધી મનિષ સિસોદિયાને આરોપી બનાવવામાં આવ્યા નથી કારણ કે હજુ તેમની અને અન્ય સંદિગ્ધો સામેની તપાસ ચાલી રહી છે. એજન્સીએ જણાવ્યું કે, તપાસમાં તેઓ દારૂ નીતિ ઘડવામાં અને તેના અમલીકરણમાં રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની એક ‘સાઉથ લૉબી’ના પ્રભાવ અંગે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે ગત નવેમ્બરમાં CBIએ આમ આદમી પાર્ટીના વિજય નાયર સહિત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપ છે કે દિલ્હીની કેજરીવાલ સરકારની નવી એક્સાઇઝ પોલિસી દ્વારા લાંચ આપનારા લિકર વેપારીઓ અને અમુક ડીલરોને લાભ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, એક્સાઇઝ પોલિસીમ સંશોધન કરીને લાયસન્સધારકોને અયોગ્ય લાભ આપવા, લાયસન્સ શુલ્કમાં છૂટછાટ આપવી અને પરવાનગી વગર લાયસન્સના એક્સ્ટેન્શન વગેરે સહિતની અનિયમિતતાઓ દાખવવામાં આવી હતી.
આ કેસમાં તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર રાવની પુત્રી કવિતાનું નામ પણ સામે આવ્યું હતું. તાજેતરમાં જ આ મામલે સીબીઆઈએ કવિતાના પૂર્વ ચાર્ટડ અકાઉન્ટન્ટની ધરપકડ કરી હતી. તેની ઉપર આરોપ છે કે તેણે FIRમાં સામેલ ઘણા આરોપીઓ સાથે દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈમાં મુલાકાત કરી હતી અને સાઉથ લૉબીની સંડોવણી માટે વાટાઘાટો કરવામાં તેણે મોટો ભાગ ભજવ્યો હતો. આ મામલે CBIએ ડિસેમ્બર, 2022માં કવિતાની પણ પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એક્સાઇઝ પોલિસી મામલે સીબીઆઈએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં મનિષ સિસોદિયાના ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી અને તેમની પૂછપરછ પણ કરી હતી. મનિષ સિસોદિયા દિલ્હી સરકારમાં એક્સાઇઝ વિભાગ સંભાળે છે.
सीबीआई ने कल फिर बुलाया है. मेरे ख़िलाफ़ इन्होंने CBI, ED की पूरी ताक़त लगा रखी है, घर पर रेड, बैंक लॉकर तलाशी, कहीं मेरे ख़िलाफ़ कुछ नहीं मिला
— Manish Sisodia (@msisodia) February 18, 2023
मैंने दिल्ली के बच्चों के लिए अच्छी शिक्षा का इंतज़ाम किया है। ये उसे रोकना चाहते हैं।
मैंने जाँच में हमेशा सहयोग किया है और करूँगा.
મનિષ સિસોદિયાને CBIનું સમન્સ પાઠવ્યા બાદ તેમણે ટ્વિટ કર્યું હતું અને કહ્યું કે તેઓ તપાસમાં સહયોગ આપશે. જોકે સાથે તેમણે એમ પણ દાવો કર્યો કે તેમણે દિલ્હીનાં બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી હોવાના કારણે તેમને રોકવામાં આવી રહ્યા છે. અહીં નોંધવું જોઈએ કે આ મામલો શિક્ષણને લગતો નહીં પરંતુ દારૂ નીતિમાં કરવામાં આવેલા કૌભાંડને લગતો છે.