Saturday, November 2, 2024
More
    હોમપેજદેશમધ્ય પ્રદેશમાં ધાર્મિક-મઝહબી અને જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ, ખુલ્લામાં...

    મધ્ય પ્રદેશમાં ધાર્મિક-મઝહબી અને જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ, ખુલ્લામાં નહીં વેચી શકાય માંસ: મુખ્યમંત્રી બનતાંની સાથે જ એક્શનમાં મોહન યાદવ

    રાજ્ય સરકાર દ્વારા લાઉડસ્પીકર વગેરેના ઉપયોગની તપાસ માટે તમામ જિલ્લાઓમાં ટીમોની રચના કરવામાં આવી છે, જેઓ વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરીને સંબંધિત ઓથોરિટીને 3 દિવસમાં રિપોર્ટ સોંપશે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનતાંની સાથે જ મોહન યાદવ એક્શનમાં આવી ગયા છે. તેમણે રાજ્યમાં તમામ ધાર્મિક-મઝહબી સ્થળો અને સાર્વજનિક સ્થળોએ લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો આ પહેલો મોટો નિર્ણય છે. આ સિવાય જાહેરમાં માંસના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

    એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું કે, પ્રદૂષણ નિયંત્રણ એક્ટની જોગવાઈઓ અને કોર્ટના આદેશાનુસાર નિર્ણય લેવામાં આવ્યો છે કે , મધ્ય પ્રદેશમાં ધાર્મિક સ્થળો અને અન્ય સ્થાનો પર નિર્ધારિત માપદંડો અનુરૂપ જ લાઉડસ્પીકર અને ડીજે વગેરેનો ઉપયોગ થઈ શકશે. લાઉડસ્પીકર અને અન્ય વધુ અવાજ ઉત્પન્ન કરતાં ઉપકરણોના નિયમ વિરુદ્ધ અને પરવાનગી વગર ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

    આગળ જણાવાયું કે, રાજ્ય સરકાર દ્વારા લાઉડસ્પીકર વગેરેના ઉપયોગની તપાસ માટે તમામ જિલ્લાઓમાં ટીમોની રચના કરવામાં આવી છે, જેઓ વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરીને સંબંધિત ઓથોરિટીને 3 દિવસમાં રિપોર્ટ સોંપશે. આ દરમિયાન, ધર્મગુરુઓ સાથે સંવાદ કરીને તેમના સમન્વયથી લાઉડસ્પીકરો હટાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આવા ધાર્મિક સ્થળોની યાદી બનાવવામાં આવશે જ્યાં નિયમોનું પાલન નથી થઈ રહ્યું. 31 ડિસેમ્બર સુધીમાં ગૃહ વિભાગને તેની જાણકારી આપવાની રહેશે. 

    - Advertisement -

    સરકાર અનુસાર, ધ્વનિ પ્રદૂષણના કેસની સતત દેખરેખ માટે એડિશનલ પોલીસ ડાયરેક્ટર જનરલને નોડલ અધિકારી નિમવામાં આવ્યા છે. તેઓ સમયે-સમયે લાઉડસ્પીકરો, ડીજે વગેરેના અનિયંત્રિત ઉપયોગ મામલે કાર્યવાહી કરશે. 

    ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મધ્ય પ્રદેશ CM મોહન યાદવે ખુલ્લામાં માંસના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 

    ઉલ્લેખનીય છે કે મોહન યાદવ હજુ આજે જ મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે ભોપાલ ખાતે સીએમ પદના શપથ લીધા હતા. જે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. તેઓ MPના 19મા મુખ્યમંત્રી બન્યા છે. 

    મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ ચર્ચા ચાલતી હતી કે મુખ્યમંત્રી કોને બનાવવામાં આવશે. આખરે સોમવારે (11 ડિસેમ્બર) એક સપ્તાહ બાદ પાર્ટીએ મોહન યાદવના નામની ઘોષણા કરી હતી. તેઓ ઉજ્જૈન દક્ષિણથી સાંસદ છે અને અગાઉની શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. હવે પાંચ વર્ષ માટે તેઓ MPના સીએમ હશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં