Saturday, July 27, 2024
More
    હોમપેજમંતવ્યવિશ્વમાં જ્યાં પણ આવ્યું સંકટ, ભારતીયો માટે PM મોદી બન્યા સંકટમોચક: યમનથી...

    વિશ્વમાં જ્યાં પણ આવ્યું સંકટ, ભારતીયો માટે PM મોદી બન્યા સંકટમોચક: યમનથી લઈને ઇઝરાયેલ સુધી ચાલેલા તમામ ઓપરેશન વિશે જાણવા જેવું બધું

    મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી માત્ર ભારતીયો જ નહીં પરંતુ આસપાસના દેશોના લોકોને પણ ભારતે સંકટમાંથી ઉગાર્યા છે અને સંકટમોચક બનીને ઉભરી આવ્યા છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં સતત અસ્થિરતા દેખાઈ રહી છે. કોઈને કોઈ ખૂણેથી યુદ્ધ ફાટી નીકળવાના સમાચારો સતત સામે આવી રહ્યા છે. આ યુદ્ધ માત્ર જે-તે દેશ નહીં, પરંતુ ત્યાં વસતા વિદેશી નાગરિકો પર પણ માઠી અસર કરે છે, ખાસ કરીને ભારતીયો પર. કારણ કે કરોડો ભારતીયો વિશ્વના ખૂણે-ખૂણે વસે છે. વિશ્વના અનેક દેશોમાં વસતા ભારતીયોને ખબર છે કે ગમે તેવી કપરી સ્થિતિઓમાંથી દેશની મોદી સરકાર તેમને પરત માતૃભૂમિ લઈ આવશે. પાછલા 10 વર્ષોમાં મોદી સરકારે તે સાબિત કર્યું છે કે તે વિશ્વના કોઈ પણ ખૂણેથી ભારતીયોને બચાવીને લાવી શકે છે અને પાછલા કેટલાક વર્ષોમાં ચાલેલા મોદી સરકારના રેસ્ક્યુ ઓપરેશનો તેની સાબિતી છે.

    મોદી સરકારના રેસ્ક્યુ ઓપરેશનો વિશે વાત કરીએ તો વર્ષ 2020માં આવેલી કોરોના મહામારી દરમિયાન દુનિયાના અનેક દેશોમાંથી લાખો ભારતીયોને આ કપરી પરિસ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યા હતા. યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન ભારત સરકારના મંત્રીઓ ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લેવા ગયા હતા. ભારતીય સેનાએ સુદાનમાંથી અનેક લોકોને બહાર કાઢ્યા. મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી માત્ર ભારતીયો જ નહીં પરંતુ આસપાસના દેશોના લોકોને પણ ભારતે સંકટમાંથી ઉગાર્યા છે અને સંકટમોચક બનીને ઉભરી આવ્યા છે. આવી સ્થિતિમાં જો આપણે મોદી સરકારના આ મોટા ઓપરેશન પર એક નજર કરીએ તો ખબર પડે છે કે આ મોદી સરકારની મોટી ઉપલબ્ધિ છે.

    નેપાળમાં વિનાશક ભૂકંપ અને ભારતે વધાર્યો ‘મૈત્રી’નો હાથ

    નેપાળમાં એપ્રિલ 2015માં ભીષણ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપથી નેપાળના મોટા ભાગ અને ભારતનો પણ એક મોટો હિસ્સો હચમચી ગયો હતો. આ ભૂકંપે પહેલાથી જ આર્થિક રીતે નબળા નેપાળની કમર તોડી નાખી હતી. હજારો મકાનો ધરાશાયી થયા, લાખો લોકોના માથેથી છત જતી રહી. નેપાળ અને ભારત વચ્ચે રોટી-બેટીના વ્યવહારો રહ્યા છે. આવી સ્થિતિમાં નેપાળમાં આવેલા આ ભૂકંપમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હતા. નેપાળના મોટા ભાઈની ફરજ નિભાવીને મોદી સરકારે તાત્કાલિક રાહત બચાવ માટે ભારતીય દળોને નેપાળ મોકલ્યા હતા.

    - Advertisement -

    ભારતીય વાયુસેના અને સેના સહિત ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓ નેપાળ પહોંચી હતી અને મોરચો સંભાળ્યો હતો. આ દરમિયાન ભારતે નેપાળની મદદ કરી અને 30 એપ્રિલ સુધીમાં જમીન માર્ગે ત્યાં ફસાયેલા 43,000થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. એરફોર્સ અને આર્મીના વિમાનોએ 2200થી વધુ ઉડાનો ભરીને 11,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ સમય દરમિયાન, ભારતીય દળોએ 1700 ટનથી વધુની સહાયતા સામાન નેપાળ પહોંચાડ્યો હતો. ભારતીય સેનાએ મોટી સંખ્યામાં નેપાળીઓને પણ બચાવ્યા હતા.

    યમનમાં ફાટી પડ્યું ગૃહ યુદ્ધ, ભારતે પહોંચાડી રાહત

    વિશ્વના નકશાની મધ્યમાં આવેલો અરબી ભાષી પ્રદેશ ઘણા લાંબા સમયથી વિવાદો અને આંતરવિગ્રહોનું કેન્દ્ર બન્યો છે. આફ્રિકાના હિંદ મહાસાગરના ખૂણે આવેલો દેશ યમન પણ 2015માં ગૃહયુદ્ધમાં સપડાયો હતો. ‘હુથી બળવાખોરો’ અને સરકાર વચ્ચે ભીષણ લડાઈ શરૂ થઈ. અહીં મોટી સંખ્યામાં ભારતીયો પણ સંકટમાં ફસાઈ ગયા હતા. ભારતીયોને આ સંકટમાંથી બહાર કાઢવા માટે મોદી સરકાર તરત જ આગળ આવી હતી. ભારતે પોતાના નાગરિકોને અહીંથી બહાર કાઢવા માટે ‘ઓપરેશન રાહત’ શરૂ કર્યું હતું.

    ભારતે અહીં નેવી અને એરફોર્સ મોકલીને પોતાના નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ભારતે 1 એપ્રિલ, 2015ના રોજ આ ઓપરેશન શરૂ કર્યું હતું અને 11 એપ્રિલના રોજ પૂર્ણ થયું હતું. ભારતે આ સમયગાળા દરમિયાન 5600થી વધુ લોકોને બચાવ્યા હતા. જેમાં 4600થી વધુ ભારતીયો અને 900થી વધુ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. ભારતે અમેરિકા અને યુકે જેવા દેશોના નાગરિકોને પણ બચાવ્યા હતા. ભારતે આ ઓપરેશનમાં વિશ્વના 41 દેશોના નાગરિકોને બચાવ્યા હતા. આ ઓપરેશન માટે પીએમ મોદીએ કેન્દ્રીય રાજ્યમંત્રી જનરલ વીકે સિંહને મોકલ્યા હતા.

    દક્ષિણી સુદાનમાં વિદ્રોહી-સરકાર બાખડ્યા, સંકટ મોચન બન્યું ભારત

    દુનિયાના સહુથી નવા દેશ દક્ષિણ સુદાનમાં વર્ષ 2016માં ભીષણ લડાઈ શરૂ થઈ ગઈ હતી. સરકાર અને બળવાખોરો વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. દક્ષિણ સુદાનના તત્કાલીન રાષ્ટ્રપતિએ તેમના જૂના સાથીદાર પર બળવો કરવાનો આરોપ લગાવ્યો હતો. પહેલેથી જ સમસ્યાઓમાં ફસાયેલા દક્ષિણ સુદાનની હાલત વધુ કથળી ગઈ હતી. ભારતના કેટલાક નાગરિકો પણ આ સમસ્યામાં ફસાઈ ગયા. જુલાઈ 2016માં મોદી સરકારે પોતાના નાગરિકોને અહીંથી બચાવવા માટે ‘ઓપરેશન સંકટ મોચન’ શરૂ કર્યું હતું.

    મોદી સરકારે વિદેશ મંત્રાલયની ટીમ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી વીકે સિંહને અહીં પણ મોકલ્યા હતા. અહીં હાથ ધરવામાં આવેલા સફળ ઓપરેશનમાં, ભારતે 153 ભારતીયો અને 2 નેપાળી નાગરિકો સહિત 155 લોકોને બચાવ્યા હતા, જે તેમના દેશમાં સલામત રીતે પરત ફર્યા હતા. આ ઓપરેશનમાં પણ ભારતે વાયુસેનાનું વિમાન મોકલ્યું હતું, જેણે અહીંથી લોકોને બચાવ્યા હતા. આ ઓપરેશનથી સાબિત થયું કે, કોઈ પણ દેશમાં ભારતીયો ભારતની ભૂમિથી ગમે તેટલા દૂર હોય, પણ જો તેઓ મુશ્કેલીમાં હશે તો સરકાર તેમની મદદે આવશે જ.

    ઓપરેશન સમુદ્ર સેતુ અને ઓપરેશન વંદે ભારત: કોરોના મહામારી વચ્ચે સ્વદેશ આવ્યા દેશવાસીઓ

    વર્ષ 2020માં દુનિયાભરમાં કોરોના મહામારી ફાટી નીકળી હતી. આ કારણે આખી દુનિયા જાણે જ્યાં હતી, ત્યા જ થંભી ગઈ હતી. મોટી સંખ્યામાં ભારતીયો વિદેશમાં ફસાયેલા હતા. કોરોનાના સમયમાં ભારતીયોને સ્વદેશ પાછા લાવવા માટે પણ સરકારે કમર કસી હતી. મોદી સરકારે દુનિયાભરના ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન સમુદ્ર સેતુ અને વંદે ભારત મિશન શરૂ કર્યું હતું. નેવીએ પોતાના જહાજો જલાશ્વ, મગર, એરાવત અને શાર્દુલને સાબદા કર્યા હતા. આ દરમિયાન નેવીએ જુદા જુદા દેશોમાંથી 3992 લોકોને બચાવીને સુરક્ષિત પરત લાવ્યા હતા.

    કોરોના દરમિયાન દુનિયાભરમાં ફ્લાઈટો બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે મોદી સરકારે આ સમયગાળા દરમિયાન વંદે ભારત મિશન શરૂ કરીને 100થી વધુ દેશોમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢ્યા હતા. માર્ચ 2022માં સંસદને આપેલા જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેણે 29.7 મિલિયન લોકોને સહાય પૂરી પાડી હતી. આ સમય દરમિયાન ચીન, અમેરિકા, રશિયા સહિત તમામ દેશોમાંથી ભારતીયો પાછા આવ્યા હતા.

    અફઘાનિસ્તાનમાં આવ્યું તાલિબાન, ઓપરેશન દેવી શક્તિથી પરત આવ્યા ભારતીયો

    15 ઓગસ્ટ, 2021 ના રોજ, જ્યારે ભારત પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું હતું, ત્યારે પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ઉથલપાથલ મચી ગઈ હતી. આતંકી સંગઠન તાલિબાન કાબુલના દરવાજા સુધી પહોંચી ગયું હતું. અફઘાનિસ્તાનની સરકાર પડી ભાંગી હતી. કાબુલ ધરાશાયી થઈ ગયું હતું. અફઘાનિસ્તાનની સુરક્ષાની સ્થિતિ લગભગ 4 દાયકાથી ખરાબ છે, પરંતુ જ્યાં સુધી અમેરિકા હતું ત્યા સુધી ત્યાં થોડી સ્થિરતા હતી. જો કે, તાલિબાને કાબુલ પર કબજો કર્યા પછી બધું જ બદલાઈ જવાનું હતું. આ કબજા બાદ ભારતીયોની સલામતી અંગેની ચિંતામાં વધારો થયો હતો.

    મોદી સરકારે પોતાના નાગરિકોને અહીંથી બહાર કાઢવા માટે ‘ઓપરેશન દેવી શક્તિ’ શરૂ કર્યું હતું અને 500થી વધુ નાગરિકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા. મોદી સરકારે શીખો સહિત મોટી સંખ્યામાં અફઘાન નાગરિકોને પણ બહાર કાઢ્યા હતા. એવી તસવીરો પણ સામે આવી હતી જેમાં શીખો ગુરુ ગ્રંથ સાહિબને તેમના માથા પર લઈને ભારત લઈ આવ્યા હતા. ભારતે અફઘાનોને પણ આશ્રય આપ્યો હતો.

    રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે ચલાવ્યું ઓપરેશન ગંગા

    ફેબ્રુઆરી 2022 માં, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. રશિયાએ યુક્રેનના મોટા પ્રદેશ પર બોમ્બવર્ષા શરૂ કરી હતી. આ કારણે મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા. આ ભારતીયોમાં સૌથી વધુ સંખ્યા યુક્રેનમાં મેડિકલના વિદ્યાર્થીઓની હતી. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે યુક્રેનમાં 20,000થી વધુ ભારતીયો હાજર હતા. તેમને હટાવવા માટે ભારત સરકાર પર પણ દબાણ કરવામાં આવ્યું હતું. ભારતે તેની રાજદ્વારી શક્તિનો ઉપયોગ યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કર્યો હતો.

    મોદી સરકારે રશિયા અને યુક્રેન સાથે વાટાઘાટો કરી હતી અને ભારતીય નાગરિકો માટે સેફ કોરિડોર બનાવ્યો. આ સમયગાળા દરમિયાન, મોદી સરકારે ઓપરેશન ગંગા હેઠળ 90થી વધુ ફ્લાઇટ્સ દ્વારા 18,282 ભારતીય નાગરિકોને પાછા લાવ્યા હતા. ભારત સરકારના મંત્રીઓ પણ આ સમગ્ર મિશનમાં લાગેલા હતા. ભારતે યુક્રેનમાંથી અનેક નેપાળી નાગરિકોને પણ બહાર કાઢ્યા હતા.

    વાત ઓપરેશન કાવેરી અને ઓપરેશન અજયની

    મોદી સરકારના રેસ્ક્યુ ઓપરેશનો માટેનું લીસ્ટ આટલે જ નથી પૂરું થતું, સરકારે વર્ષ 2023માં આફ્રિકાના સુદાન અને ઇઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢ્યા હતા. એપ્રિલ 2023માં, સુદાનમાં બે સૈન્ય જૂથો વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જે હજી પણ ચાલુ છે. સુદાનમાં 3500થી વધુ ભારતીયો ફસાયા હતા. તેમાંથી મોટી સંખ્યામાં કર્ણાટકના હતા. તેમને બચાવવા માટે ભારતે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હતું. ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતે સુદાનમાંથી 3961 ભારતીયો અને 136 વિદેશી નાગરિકોને બહાર કાઢ્યા હતા.

    આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ રાત્રે એક જગ્યાએ ઘણું જોખમ ઉઠાવીને ભારતીયોને બચાવ્યા હતા. ઓક્ટોબર 2023 માં, જ્યારે ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારે અહીંથી માંગ કરવામાં આવી હતી કે ભારતીયોને બચાવવામાં આવે. ઇઝરાયેલની ખતરનાક સ્થિતિને જોતા મોદી સરકારે ઓપરેશન અજયની શરૂઆત કરી હતી. ભારતે ઇઝરાયેલમાંથી 1300થી વધુ નાગરિકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.

    છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના નાગરિકો તેમની સરકારમાં વિશ્વાસ કરવા લાગ્યા છે કે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં હશે, સરકાર ઢાલ બનીને ઉભી છે. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક વખત કહ્યું હતું કે જો કોઈ ભારતીય નાગરિક ચંદ્ર પર પણ ફસાયેલો હશે, તો ભારતીય દૂતાવાસ તેની પણ મદદ કરશે. મોદી સરકારના સફળ રેસ્ક્યુ ઓપરેશનો તેમના તે શબ્દોને સાર્થક કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં