Monday, November 25, 2024
More
    હોમપેજદેશવિવાદિત ઢાંચા જ્ઞાનવાપીના પરિસરમાં પૂજા કરવાનો હિંદુઓને મળ્યો અધિકાર, વધુ એક મોટી...

    વિવાદિત ઢાંચા જ્ઞાનવાપીના પરિસરમાં પૂજા કરવાનો હિંદુઓને મળ્યો અધિકાર, વધુ એક મોટી જીત: 7 દિવસમાં વ્યવસ્થા કરવા જિલ્લા કોર્ટનો તંત્રને આદેશ

    હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને આ ચુકાદાને 1986માં આપવામાં આવેલા બાબરીનાં તાળાં ખોલવાના આદેશ સાથે સરખાવ્યો હતો અને કહ્યું કે, આ આદેશ ઐતિહાસિક છે અને કેસનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.

    - Advertisement -

    જ્ઞાનવાપીના એક ભોંયરા ‘વ્યાસ તહેખાના’માં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. વારાણસીની જિલ્લા કોર્ટે બુધવારે (31 જાન્યુઆરી, 2024) આ આદેશ સંભળાવ્યો હતો. કોર્ટે આગામી 7 દિવસની અંદર જિલ્લા તંત્રને આ માટે વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. 

    જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને મીડિયાને જણાવ્યું કે, “7 દિવસ જિલ્લા તંત્રને આપવામાં આવ્યા છે. તેઓ જેવી વ્યવસ્થા તૈયાર કરે કે પૂજા-પાઠ શરૂ કરી દેવામાં આવશે.” તેમને પૂછવામાં આવ્યું કે, જેઓ પણ કાશી વિશ્વનાથ જશે તેઓ ભોંયરામાં પૂજા માટે જઈ શકશે કે કેમ? જેનો જવાબ તેમણે હકારમાં આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભક્તો-પૂજારીઓ સૌને જવાની અનુમતિ આપવામાં આવશે.

    જૈને આ ચુકાદાને 1986માં આપવામાં આવેલા બાબરીનાં તાળાં ખોલવાના આદેશ સાથે સરખાવ્યો હતો અને કહ્યું કે, આ આદેશ ઐતિહાસિક છે અને કેસનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમણે કહ્યું કે, તેમણે લીગલ બાબતોનો નિકાલ લાવી દીધો છે અને હવે પૂજાપાઠ શરૂ કરવાનું કામ કાશી-વિશ્વનાથ ટ્રસ્ટ કરશે. 

    - Advertisement -

    નોંધનીય છે કે, આ ‘વ્યાસ તહેખાના’ એ જ્ઞાનવાપી ઢાંચાની નીચે આવેલું એક ભોંયરૂ છે. નવેમ્બર, 1993 સુધી અહીં પૂજાપાઠ કરવામાં આવતા હતા, પરંતુ તે સમયની મુલાયમ યાદવ સરકારે રોક લગાવી દીધી હતી. જોકે, હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈનનું કહેવું છે કે આ માટેનો કોઇ લેખિત આદેશ નથી. આ આદેશને હિંદુ પક્ષે કોર્ટમાં પડકાર્યો હતો અને પૂજાની અનુમતિ માંગી હતી. 

    બીજી તરફ, મુસ્લિમ પક્ષે ‘પ્લેસ ઑફ વર્શિપ એક્ટ’ને ટાંકીને અરજી રદ કરવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તે ફગાવીને હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ તહેખાનામાં પૂજાપાઠ કરવાનો અધિકાર આપી દીધો છે. મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો છે અને કહ્યું કે, તેઓ તેની વિરુદ્ધ હાઇકોર્ટમાં જશે.

    અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ગત 17 જાન્યુઆરીના રોજ આ સ્થળને જિલ્લા તંત્રે કોર્ટના આદેશથી પોતાના નિયંત્રણમાં લઇ લીધું હતું. ASI સરવે દરમિયાન તેની સાફસફાઈ પણ કરવામાં આવી હતી. હવે કોર્ટે આદેશ આપ્યો છે કે ત્યાં પૂજા કરાવવામાં આવે અને બેરિકેડિંગ હટાવવામાં આવે. આ વ્યાસ તહેખાનાના માલિક હવે જિલ્લા મેજિસ્ટ્રેટ છે. તેઓ ત્યાં પૂજા કરવા માટે કાશી વિશ્વનાથ મંદિરને પરવાનગી આપી શકશે. કોર્ટે માર્ગ મોકળો કરી આપ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં