ખેડૂતોના પ્રશ્નોને ન્યાય આપવા માટે કેન્દ્ર સરકારે રવિવારે (18 ફેબ્રુઆરી 2024) ચોથી વારની બેઠકમાં ખેડૂતો સામે MSPનો (લઘુત્તમ ટેકાના ભાવ) પ્રસ્તાવ મૂક્યો હતો, જે પછી ખેડૂતોએ સરકાર પાસે વિચારવા માટે સમય માંગ્યો હતો. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે, ખેડૂત આગેવાનોએ સરકારના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે, અને આંદોલન શરૂ રાખવાની જીદ પકડી છે. સરકારનો ખેડૂત પ્રશ્નોના નિરાકરણ લાવવાનો ચોથો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે.
આ વિષયે રાજસ્થાનના ગ્રામીણ કિસાન મજદૂર સમિતિના મીડિયા પ્રભારી રણજીત રાજુએ કહ્યું કે, ખેડૂતો સરકારના પ્રસ્તાવ પર સહમત નથી થઈ શક્યા. તમામ મંચ પર વાત કર્યા બાદ હવે ખેડૂત નેતાઓએ નિર્ણય લીધો છે કે તેઓ 21મી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે. ખેડૂત આગેવાનોએ કહ્યું કે, સરકાર આ પ્રસ્તાવમાં દ્વારા માત્ર હરિયાણા અને પંજાબના ખેડૂતોને જોઈ રહી છે, જ્યારે આંદોલન દેશભરના ખેડૂતોના વિવિધ પાક માટે છે. સરકાર ડાંગર પર એમએસપી આપવા માટે સંમત થઈ ગઈ છે પરંતુ ઉપજ પોતાના હિસાબે કરવા માંગે છે. ખેડૂતોને આ સ્વીકાર્ય નથી.
BKU શહીદ ભગતસિંહના ખેડૂત નેતા જયસિંઘ જલબેડાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ખેડૂતોએ સરકારને 20મી ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. બીજા એક BKU નેતા ગુરનામ સિંઘ ચદુનીએ કહ્યું કે, 21 ફેબ્રુઆરી સુધીનો સમય છે. સરકારે વિચારવું અને સમજવું જોઈએ કે તેલીબિયાં અને બાજરી ખરીદી માટે ખૂબ જ મહત્વના છે. જેમ સરકારે કઠોળ, મકાઈ અને કપાસનો ઉલ્લેખ કર્યો છે તેમ તેમણે આ બે પાકોનો પણ સમાવેશ કરવો જોઈએ. જો આ બંનેને સામેલ કરવામાં નહીં આવે તો અમારે તેના વિશે ફરીથી વિચારવું પડશે. વધુમાં કહ્યું કે, “ગઈકાલે અમે નિર્ણય કર્યો હતો કે જો સરકાર 21મી ફેબ્રુઆરી સુધીમાં સંમત નહીં થાય તો હરિયાણા પણ આંદોલનમાં જોડાશે.”
ઉલ્લેખનીય છે કે, સરકારે ખેડૂતોને MSPનો પ્રસ્તાવ મુક્યો હતો, જે મુજબ એમએસપી પર પાક ખરીદવા માટે 5 વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર NCCF, NAFED અને CCI જેવી સહકારી મંડળીઓ સાથે થશે. આમાં ખરીદીની કોઈ મર્યાદા રહેશે નહીં. જે પાક માટે આ દરખાસ્ત કરવામાં આવી છે તેમાં અડદની દાળ, મસૂર દાળ, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે.