Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ સહિત 4 વ્યક્તિઓને મરણોપરાંત ‘ભારત રત્ન’...

    ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ સહિત 4 વ્યક્તિઓને મરણોપરાંત ‘ભારત રત્ન’ એનાયત, પરિજનોએ સ્વીકાર્યું સન્માન: LK અડવાણીને ઘરે જઈને સન્માનિત કરશે રાષ્ટ્રપતિ

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચાર વિભૂતિઓ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત થઈ છે. નોંધનીય છે કે, ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી.

    - Advertisement -

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવાર (30 માર્ચ, 2024)ના રોજ ચાર વિભૂતિઓને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરી છે. સન્માન મેળવનાર વ્યક્તિઓમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંઘ, પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના જનક વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનો સમાવેશ થાય છે. આ તમામને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ 31 માર્ચે ભારત રત્ન અર્પણ કરવામાં આવશે.

    રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિતના અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચાર વિભૂતિઓ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત થઈ છે. નોંધનીય છે કે, ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને 5 વિભૂતિઓને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ છે.

    અડવાણી તેમના સ્વાસ્થ્ય કારણોસર રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. જેથી હવે રવિવારે (31 માર્ચ) રાષ્ટ્રપતિ સ્વયં તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરશે.

    - Advertisement -

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને (મરણોપરાંત) ભારત રત્નથી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર તેમના પુત્ર પીવી પ્રભાકર રાવે સ્વીકાર્યો. આ ઉપરાંત ચૌધરી ચરણ સિંઘનો પુરસ્કાર પણ તેમના પ્રપૌત્ર જયંત સિંઘને આપવામાં આવ્યો છે. કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનો ‘ભારત રત્ન’ પુરસ્કાર તેમના પુત્રી નિત્યા રાવે સ્વીકાર્યો હતો. આ સાથે જ કર્પૂરી ઠાકુર તરફથી તેમના પુત્ર રામનાથ ઠાકુરને એવોર્ડ એનાયત ક્રવામાં આવ્યો.

    પીવી નરસિમ્હા રાવના પ્રપૌત્ર એનવી સુભાષે મીડિયા સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, નરસિમ્હા રાવ બહુવિધ પ્રતિભાના ધની હતા. આ સાથે તેમણે પોતાના દાદાના કાર્યકાળ દરમિયાનની સ્થિતિ વિશે પણ વાત કરી હતી. તેમણે આ પ્રસંગે વડાપ્રધાન મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “જ્યારે કોંગ્રેસ 2004થી 2014 સુધી સત્તામાં રહી ત્યારે ન તો પાર્ટીએ અને ન તો ગાંધી પરિવારે તેમના (નરસિમ્હા રાવ) યોગદાનોને ક્યારેય યાદ કર્યા. PM મોદીએ તેમના યોગદાનને યાદ રાખ્યું અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં