જાણીતા યુ-ટ્યુબર એલ્વિશ યાદવ સામે નોઇડા પોલીસે ગુનો દાખલ કર્યા બાદથી તેઓ ચર્ચામાં છે. દરમ્યાન શનિવારે (4 નવેમ્બર) મોડી સાંજે સમાચાર મળ્યા હતા કે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, પછીથી સ્પષ્ટ થયું કે તેમની ધરપકડ કે અટકાયત થઈ ન હતી પરંતુ રાજસ્થાન પોલીસે રૂટીન ચેકઅપ દરમિયાન અટકાવ્યા હતા અને નોઇડા પોલીસ સાથે સંપર્ક કર્યા બાદ છોડી દેવામાં આવ્યા હતા.
યાદવ સામે એક સંસ્થાએ રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપસર FIR દાખલ કરાવી હતી. જેમાં અન્ય પણ અમુક વ્યક્તિઓનાં નામ છે. જેમની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ એલ્વિશ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ તેમણે કોઇ પણ પ્રકારની સંડોવણીનો ઇનકાર કર્યો છે અને તમામ આરોપો ફગાવી દીધા છે.
Rajasthan | YouTuber and Bigg Boss winner Elvish Yadav was stopped by police during routine checking in Kota
— ANI (@ANI) November 4, 2023
Yesterday an FIR was registered against him and five others in Noida for allegedly supplying snake venom to rave parties.
(Pics source: Kota Police) pic.twitter.com/rY8fpMNGDn
દરમ્યાન શનિવારે તેમની અટકાયતના સમાચાર વહેતા થયા હતા. પરંતુ પછીથી રાજસ્થાન પોલીસે સ્થિતિ સ્પષ્ટ કરી. બન્યું હતું એવું કે એક ચેક પોઈન્ટ પાસે તેમની કાર અટકાવવામાં આવી હતી. જ્યાં તેમની ઓળખ થતાં પોલીસે પૂછપરછ કરી હતી. તેમની સામે નોઇડામાં કેસ દાખલ થયો હોવાનું જાણવા મળતાં કોટા પોલીસે નોઇડા પોલીસનો સંપર્ક કર્યો હતો.
નોઇડા પોલીસે જણાવ્યું હતું કે હાલ એલ્વિશ યાદવ ન તો વૉન્ટેડ છે કે ન ફરાર ચાલી રહ્યા છે. બંને રાજ્યની પોલીસ વચ્ચે આ બાબતની પુષ્ટિ થતાં જ એલ્વિશ યાદવને છોડી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે યાદવ હાલ પોતાના આગામી પ્રોજેક્ટ્સના શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત છે.
પોલીસ અધિકારીએ એક મીડિયા બાઈટમાં જણાવ્યું હતું કે, “વિધાનસભા ચૂંટણી 2023ને જોતાં રૂટીન નાકાબંધી દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ વખતે એક ગાડી આવી હતી, જેમાં ત્રણ-ચાર જણા સવાર હતા. તેમની સાથેની વાતચીતમાં એક વ્યક્તિએ પોતાનું નામ એલ્વિશ યાદવ જણાવ્યું હતું. જાણવા મળ્યું કે તેમની સામે નોઇડામાં કોઇ કેસ દાખલ થયો છે. જેથી અમે સંબંધિત પોલીસ મથકે સંપર્ક કર્યો, જેમાં જાણવા મળ્યું હતું કે તેમની સામેનો કેસ તપાસ હેઠળ છે અને તેઓ વૉન્ટેડ નથી અને હાલ તેમની કોઈ જરૂર નથી, જેથી અમે એલ્વિશને છોડી મૂક્યા હતા.”
VIDEO | "During routine checking in view of the Assembly polls (in five states), Elvish Yadav, along with his friends, was stopped at a check post on his way to Kota. After interrogation and confirmation from Noida police that he isn't wanted and the case against him is under… pic.twitter.com/IhOo4DrSnA
— Press Trust of India (@PTI_News) November 4, 2023
ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ નવભારત સાથે વાતચીત કરતાં અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એલ્વિશ યાદવની ન તો ધરપકડ થઈ હતી કે ન અટકાયત. મીડિયા રિપોર્ટ્સને નકારતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે નોઇડા પોલીસનો સંપર્ક કર્યો અને તેમાં જાણવા મળ્યું કે એલ્વિશની હાલ કોઇ જરૂર નથી જેથી તેમને જવા દેવામાં આવ્યા હતા. રાજસ્થાન પોલીસ અનુસાર, નોઇડા પોલીસે તેમને એ પણ જણાવ્યું હતું કે જ્યારે પણ એલ્વિશ યાદવની તપાસમાં જરૂર પડશે ત્યારે તેમને બોલાવવામાં આવશે. સાથે રાજસ્થાન પોલીસે સ્પષ્ટ કર્યું કે તેમણે નોઇડામાં દાખલ કેસને લઈને એલ્વિશની કોઇ પૂછપરછ કરી ન હતી, કારણ કે કેસ તેમની પાસે નથી.