Monday, April 22, 2024
More
  હોમપેજરાજકારણ'ભારત, ભારતવર્ષ અને ભારત ભૂમિ...' બંધારણ સભામાં અનેક નામો થયાં હતાં પ્રસ્તાવિત,...

  ‘ભારત, ભારતવર્ષ અને ભારત ભૂમિ…’ બંધારણ સભામાં અનેક નામો થયાં હતાં પ્રસ્તાવિત, અંતે નક્કી થયું હતું- ‘India, that is Bharat’: કેટલીક અજાણી અને રસપ્રદ વાતો

  વાસ્તવમાં, આ દેશને ચક્રવર્તી સમ્રાટ ભરત, પુરુવંશી મહારાજા દુષ્યંતના પુત્ર અને વિશ્વામિત્રની પુત્રી શકુંતલાના નામ પર ભારત અથવા ભારતવર્ષ કહેવામાં આવે છે. સનાતન ધર્મના ઘણા પુસ્તકોમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાંથી એક ઐતરેય બ્રાહ્મણ અગ્રણી છે.

  - Advertisement -

  તાજેતરમાં દેશમાં India અને ભારત નામની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. દેશ જયારે આઝાદ થયો તે સમયના તમામ નેતાઓએ દેશના નામ પર પોતપોતાનો અભિપ્રાય આપ્યો હતો. જો કે, તે સમયે India અને ભારત એમ બંને નામ રાખવામાં આવ્યા હતા. બંધારણની કલમ 1માં કહેવાયું છે કે, India કે જે ભારત છે, તે રાજ્યોનું સંઘ છે. જો કે, જયારે બંધારણ ઘડવામાં આવ્યું હતું ત્યારે તેમાં ક્યાંય ‘ભારત’ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

  વાસ્તવમાં બંધારણનો મુસદ્દો ડૉ. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં નક્કી કરાયેલ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેને 4 નવેમ્બર, 1948ના દિવસે બંધારણ સભામાં રજુ કરાયું હતું. ત્યારપછી એક વર્ષ બાદ 17 સપ્ટેમ્બર 1949ના દિવસે બંધારણીય સુધારાનો પ્રસ્તાવ મુકતા કહ્યું કે, બંધારણના પ્રથમ પેટા વિભાગમાં ‘ભારત’ શબ્દ ઉમેરવામાં આવે. તેમણે ‘India, that is Bharat’ રાખવા માટે પ્રસ્તાવ મુક્યો.

  ડૉ. આંબેડકરના આ પ્રસ્તાવ બાદ ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકના નેતા એચ. વી. કામથે પહેલો સુધારો રજુ કર્યો. જેમાં તેમણે બંધારણના પ્રથમ પેટા વિભાગના સંબંધિત ભાગને ‘ભારત અથવા અંગ્રેજી ભાષામાં India’માં બદલાવવા માટેનો પ્રસ્તાવ મુક્યો. ત્યારબાદ તેમણે ઉદાહરણ આપ્યું હતું કે, ‘ધ ફાયરીશ ફ્રી સ્ટેટ’ પણ એ દેશ છે કે જેણે સ્વતંત્રતા બાદ તેનું નામ બદલ્યું હતું.

  - Advertisement -

  આ દરમિયાન કેટલાક લોકોએ India શબ્દ અંગ્રેજી હોવા પર વાંધો ઉઠાવ્યો હતો. કામથે કહ્યું કે, ઈન્ડિયા શબ્દને અંગ્રેજીમાં લખો કે જર્મનમાં તે અંગ્રેજી શબ્દ ઈન્ડિયા જ રહે. “ભારતને હિંદુસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના નાગરિકોને પણ હિંદુ તરીકે ઓળખવામાં આવે છે.” તેવું કામથે ઉમેર્યું હતું. આખરે ચર્ચાના અંતે કામથેએ દેશનું નામ ‘ભારત’ રાખવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તેમને ખાસ સમર્થન મળ્યું નહીં.

  લાઈવ લૉમાં અવસ્તિકા દાસે લખ્યું છે કે, કામથ પછી કોંગ્રેસ નેતા શેઠ ગોવિંદ દાસે જણાવ્યું હતું કે, ‘India’ નામને સ્પષ્ટપણે માત્ર વિદેશોમાં પ્રચલિત નામ તરીકે દર્શાવવું જોઈએ. દાસે કહ્યું કે, ‘ભારત’ નામ સિવાય, કોઈ ગ્રંથમાં ‘India’ નામનો ઉલ્લેખ કરાયો નથી.

  તેમણે ઉમેર્યું કે, ‘India કે જે ભારત છે’ તે અંગ્રેજી શબ્દ દેશના નામ માટે યોગ્ય શબ્દ નથી. તેના બદલે આપણે એવું લખવું જોઈએ કે, “ભારત, કે જે વિદેશમાં ઈન્ડિયા નામથી ઓળખાય છે.” આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગ્રીક લોકોએ સિંધુ નદીને ઈન્ડસ નામ આપ્યું અને તે પરથી ભારતને India કહ્યું. જયારે મહાભારતમાં પણ ભારતનો ઉલ્લેખ કરાયો છે.

  આ જ રીતે કોંગ્રેસના જ કમલાપતિ ત્રિપાઠીએ કહ્યું હતું કે, India, that is Bharatને સ્થાને Bharat, that is India વધુ યોગ્ય રહેશે. “એક હજાર વર્ષની ગુલામી દરમિયાન ભારતે પોતાની સંસ્કૃતિ સહિત આત્મ-સમ્માન પણ ગુમાવ્યું છે.” તેવું તેમણે ઉમેર્યું હતું. એવામાં જયારે દેશ આઝાદ થવા જઈ રહ્યો છે ત્યારે દેશનું ઐતિહાસિક નામ ‘ભારત‘ રાખવું જોઈએ. આ બાબતનો વેદો અને પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  કોંગ્રેસ નેતા ગોવિંદ વલ્લભ પંતે દેશનું નામ ભારતવર્ષ રાખવાનું કહ્યું હતું. તેમણે ભારતવર્ષ સિવાય અન્ય કોઈ નામ ન રાખવા માટે કહ્યું હતું. સદીઓથી દેશનું નામ ભારત અથવા ભારતવર્ષ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું કે જો આ વાતનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તે દેશવાસીઓ માટે ખુબ શરમજનક હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

  બીજી બાજુ બંગાળનું પ્રતિનિધિત્વ કરનાર નઝીરુદીન અહેમદે પણ આ બાબતે સૂચન કર્યું હતું. તેમણે દેશનું નામ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઈન્ડિયા’ રાખવા પ્રસ્તાવ મુક્યો હતો. જો કે, આ પ્રસ્તાવને પણ યોગ્ય સમર્થન મળ્યું ન હતું. ત્યારબાદ દેશનું નામ ‘ભારત’ રાખવા માટેના પ્રસ્તાવ પર મતદાન થયું હતું. જે ગૃહમાં નિષ્ફળ ગયું હતું.

  જો કે, ગૃહ દ્વારા ડૉ. આંબેડકરે રજુ કરેલ પ્રસ્તાવ સિવાયના તમામ પ્રસ્તાવોને ડ્રાફ્ટ બંધારણની કલમ 1ના તમામ સુધારાઓને નકારી કઢાયા હતા. અંતે 18 સપ્ટેમ્બર, 1949ના દિવસે ડૉ. આંબેડકરના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. આ રીતે ભારતના બંધારણની કલમ 1 મુજબ ‘India, that is Bharat’ એવું કહેવાયું છે.

  સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

  વર્ષ 2016માં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં India શબ્દને દૂર કરી દેશનું નામ માત્ર ‘ભારત’ રાખવામાં આવે તેવું જણાવાયું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુર અને જસ્ટિસ યુયુ લલિતે આ અરજીને ફગાવી દીધી હતી.

  બેંચે કહ્યું હતું કે, “ભારત કે India? જો તમે ભારત કહેવા ઈચ્છો છો તો એમ કહો. અને જો કોઈએ India કહેવું છે તો તેને India કહેવા દો.” આ PIL મહારાષ્ટ્રના નિરંજન ભટવાલ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

  શાસ્ત્રોમાં ‘ભારત’ નામનો ઉલ્લેખ

  વાસ્તવમાં પુરુવંશી મહારાજ દુષ્યંત અને વિશ્વામિત્રની પુત્રી શકુન્તલાના પુત્ર ચક્રવર્તી સમ્રાટ ભરતના નામ પરથી આ દેશને ‘ભારત’ અથવા ‘ભારતવર્ષ’ તરીકે ઓળખવામાં આવે છે. ભારતને સર્વદમન પણ કહેવામાં આવે છે અને તેવું માનવામાં આવે છે કે ભારત એ ચારેય દિશાઓમાં ફેલાયેલું છે. તેનો ઉલ્લેખ સનાતન ધર્મના અનેક પુસ્તકોમાં કરાયો છે. તેમાંના એક એતરેય બ્રાહ્મણ અગ્રણી છે.

  બીજી બાજુ જૈન ધર્મ અનુસાર મહારાજા નાભિરાજ અને મહારાણી મરુદેવીના પુત્ર ભગવાન ઋષભદેવ કે જેને આદિનાથ તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાન ઋષભદેવના મોટાપુત્ર ભરતના નામ પરથી દેશનું નામ ભારતવર્ષ રાખવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં