નવી શિક્ષણ નીતિ 2020 (National Education Policy – 2020) આવ્યા બાદ યુનિવર્સિટી, શાળા, કોલેજ સહિતની શિક્ષણ સંસ્થાઓના અભ્યાસક્રમોમાં બદલાવ આવી રહ્યા છે. અભ્યાસક્રમમાં બદલાવ આવવો એ કોઈ મોટી બાબત નથી. વિદ્યાર્થીઓને નવીન બાબતોનું શિક્ષણ આપવા માટે સમયાંતરે અભ્યાસક્રમમાં બદલાવ થતો જ હોય છે. ત્યારે પાછલા કેટલાક સમયમાં NCERT દ્વારા અભ્યાસક્રમોમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે, જેના કારણે NCERT (National Council of Educational Research and Training) વિવાદોમાં ઘેરાતી રહી છે. ત્યારે કોંગ્રેસે NCERT પર એવા આરોપ લગાવ્યા હતા કે તેણે પાઠ્યપુસ્તકોમાંથી બંધારણની પ્રસ્તાવના (આમુખ) હટાવી દીધી છે. ત્યારે આજે NCERT અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને આ દાવાને નકારી કાઢ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે (Congress) NCERT પર એવા આરોપ લગાવ્યા હતા કે સંસ્થાએ ધોરણ 3 અને 6ના પાઠ્યપુસ્તકમાંથી સંવિધાનના ‘આમુખ’ને કાઢી નાખ્યું છે. તેથી દરેક બાળકના માતા-પિતાએ આ અંગે વિરોધ કરવો જોઈએ. કોંગ્રેસ પ્રવકતા ડો. શમા મહોમ્મદ દ્વારા X પર પોસ્ટ કરીને આવા આરોપ લગાવવામાં આવ્યા હતા.
6 ઓગસ્ટના રોજ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ NCERTએ પાઠ્યપુસ્તકોમાં ભારતના બંધારણના વિવિધ પાસાઓ – પ્રસ્તાવના, મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો, રાષ્ટ્રગીત – ને યોગ્ય મહત્વ અને આદર આપવાનું કામ કર્યું છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે NEPની દૂરંદેશીતાને અનુસરીને, આ તમામ પાસાઓને વય અનુસાર વિવિધ પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવી રહ્યા છે.”
NCERT पाठ्यपुस्तकों से संविधान की प्रस्तावना को हटाने के आरोपों का कोई आधार नहीं है।
— Dharmendra Pradhan (@dpradhanbjp) August 6, 2024
राष्ट्रीय शिक्षा नीति के अंतर्गत पहली बार @ncert ने पाठ्यपुस्तकों में भारत के संविधान के विभिन्न पहलुओं— प्रस्तावना, मौलिक कर्तव्य, मौलिक अधिकार, राष्ट्रगान, को उचित महत्व और सम्मान देने का काम…
વધુમાં તેમણે કહ્યું હતું કે, “શિક્ષણ જેવા વિષયનો પણ પોતાની જૂઠ આધારિત રાજનીતિ ચલાવવા માટે ઉપયોગ કરવો, બાળકોનો આશરો લેવો એ કોંગ્રેસ પાર્ટીની ઘૃણાસ્પદ માનસિકતા દર્શાવે છે. બાળકોના ભવિષ્ય સાથે રમી રહેલા અને ભારતીય શિક્ષણ પ્રણાલીને બકવાસ ગણાવી રહેલા, જૂઠ ફેલાવતા લોકોએ પહેલા સત્ય જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.”
ઉલ્લેખનીય છે કે NCERTએ પણ બંધારણની પ્રસ્તાવના પાઠ્યપુસ્તકમાંથી હટાવી દેવાના દાવાને નકારતા X પર પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું હતું કે, “માત્ર પ્રસ્તાવના જ બંધારણ અને બંધારણીય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે તે સમજણ ખામીયુક્ત અને સંકુચિત છે. બાળકોએ પ્રસ્તાવનાની સાથે મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો અને રાષ્ટ્રગીતમાંથી બંધારણીય મૂલ્યો શા માટે પ્રાપ્ત ન કરવા જોઈએ? અમે NEP – 2020ના વિઝનને અનુસરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે આ બધાને સમાન મહત્વ આપીએ છીએ.”
The allegations regarding the removal of the Preamble from the NCERT textbooks do not have a sound basis.
— NCERT (@ncert) August 5, 2024
For the first time NCERT is giving great importance to various facets of the Indian Constitution- Preamble, Fundamental Duties, Fundamental Rights and the National Anthem.…
ઉલ્લેખનીય છે કે NCERT NEP આવ્યા બાદ તે અનુસાર અભ્યાસક્રમોમાં બદલાવ કરી રહી છે. અભ્યાસક્રમને વધુ સારી માત્રામાં ભારતીય શિક્ષણ પદ્ધતિ અનુસાર કેવી રીતે કરી શકાય તેના પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસો અંતર્ગત જ્યારે પણ તે અભ્યાસક્રમમાં બદલાવ લાવે છે ત્યારે વિપક્ષ કોઈક ને કોઈક રીતે તેનો વિરોધ કરે જ છે.