પંજાબના અમૃતસરમાં આવેલા સ્વર્ણ મંદિરમાં એક યુવતીએ ઇન્ટરનેશનલ યોગ દિવસ પર યોગ કરતાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રસિદ્ધ ગુરુદ્વારાની પ્રબંધક કમિટી (SGPC) અનુસાર સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર દ્વારા કરવામાં આવેલા યોગ એ શીખ મર્યાદાનું ઉલ્લંઘન છે અને તેની આ હરકતથી શીખ સમાજની લાગણી દુભાઈ છે. અમૃતસરના સ્વર્ણ મંદિરમાં યોગ કરનાર આ યુવતી સામે ફરિયાદ દાખલ કરવા ઉપરાંત કમિટીએ મંજૂરી આપવા બદલ ગુરુદ્વારામાં કામ કરતા 3 કર્મચારીઓ પર કાર્યવાહી કરીને તેમને પણ દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી અનુસાર, અર્ચના મકવાણા નામની ફેશન ડિઝાઈનર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સરે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં પંજાબના અમૃતસર ખાતે આવેલા પ્રખ્યાત સ્વર્ણ મંદિર પરિસરમાં યોગાસન (Yoga In Golden Temple) કર્યા હતા. ત્યારબાદ તેણે તેના યોગના કેટલાક ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા હતા. બીજી તરફ અર્ચનાના યોગથી સ્વર્ણ મંદિરની પ્રબંધક કમિટી નારાજ થઈ હતી.
શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ હરજિંદર ધામીએ આ મામલે વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે, સચખંડ શ્રી હરમંદિર સાહિબ અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને અહીં અનેક લોકો માથું ટેકવા આવે છે. સુવર્ણ મંદિરમાં કોઈને પણ શીખોના આચરણ વિરુદ્ધ કાર્ય કરવાની પરવાનગી નથી. કેટલાક લોકો જાણીજોઈને આ પવિત્ર સ્થાનની પવિત્રતા અને મહત્વતાને નજરઅંદાજ કરે છે અને આપત્તિજનક કાર્યો કરે છે. યુવતીએ યોગ કરીને શીખોની મર્યાદા અને ભાવનાને ઠેસ પહોંચાડી છે માટે તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. હરજિંદર ધામીનો આક્ષેપ છે કે યુવતીએ માત્ર 5 સેકન્ડ પોઝ આપીને ફોટા જ પડાવ્યા છે.
ਸ਼੍ਰੋਮਣੀ ਕਮੇਟੀ ਨੇ ਸ੍ਰੀ ਦਰਬਾਰ ਸਾਹਿਬ ਵਿਖੇ ਯੋਗਾ ਕਰਨ ਵਾਲੀ ਲੜਕੀ ਖਿਲਾਫ ਪੁਲਿਸ ਸ਼ਿਕਾਇਤ ਕਰਵਾਈ ਦਰਜ, ਅਣਗਹਿਲੀ ਵਰਤਣ ਵਾਲੇ ਤਿੰਨ ਮੁਲਾਜ਼ਮਾਂ ਖਿਲਾਫ ਕੀਤੀ ਕਾਰਵਾਈ#SriDarbarSahib #SriHarmandirSahib #SriAmrritsar #SGPC pic.twitter.com/sTdez7U401
— Shiromani Gurdwara Parbandhak Committee (@SGPCAmritsar) June 22, 2024
બીજી તરફ પ્રબંધક કમિટીએ ઘટનાને લઈને પોતાના 2 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. તેમની ઉપર ફરજનું પાલન ન કરીને યુવતીને યોગ કરવાની મંજૂરી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક સેવાદારને ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
અર્ચનાએ માફી માંગી, કહ્યું- આશય કોઇની લાગણી દુભાવવાનો ન હતો
બીજી તરફ અમૃતસરના સ્વર્ણ મંદિરમાં યોગ કરનાર યુવતીએ પણ આ મામલે પોસ્ટ કરીને માફી માંગી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને કહ્યું છે કે, “મેં કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા આમ નથી કર્યું. મને નહોતી ખબર કે ગુરુદ્વારા સાહિબના પરિસરમાં યોગ કરવા કેટલાક લોકો માટે અપમાનજનક હોઈ શકે છે. હું તો બસ સન્માન દર્શાવવા માંગતી હતી, મારો આશય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહતો.”
પોતાની પોસ્ટમાં અર્ચનાએ કહ્યું છે કે તેમના આ કાર્ય બદલ ઈમાનદારીથી માફી માંગે છે અને ફરી આવું ન કરવાની બાહેંધરી આપે છે. નોંધનીય છે કે વિવાદ થયા બાદ અર્ચનાએ પોતાના એકાઉન્ટ પરથી યોગ કરતા ફોટા અને વિડીયો પણ હટાવી દીધા છે. અર્ચનાએ કહ્યું કે માફી માંગ્યા બાદ પણ તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે.