પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ફરી ચર્ચામાં આવ્યું છે. અહીં શુક્રવારે (26 એપ્રિલ) તપાસ દરમિયાન CBIને એક ઘર્મનથી મોટી સંખ્યામાં હથિયારો અને ગોળા-બારૂદ મળી આવ્યા છે. ત્યારબાદ સ્થળ પર NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ની એક ટીમ પણ પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. બીજી તરફ સંદેશખાલીમાં ચાલતી આ કાર્યવાહી વચ્ચે મમતા બેનર્જી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે.
CBIની ટીમે સંદેશખાલીમાં તપાસ દરમિયાન એક ઘરમાંથી હથિયારો, એમ્યુનેશન તેમજ વિદેશી બનાવટની રાઇફલો વગેરે શોધી કાઢ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં સંદેશખાલીમાં EDની ટીમ પર થયેલા હુમલા મામલે આ તપાસ ચાલી રહી હતી, તે દરમિયાન એજન્સીની ટીમને આ હથિયારો હાથ લાગ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
#BREAKING | A large box full of foreign firearms and explosives seized from Shahjahan Sheikh's close aide Abu Taleb Mollah's house
— Republic (@republic) April 26, 2024
Tune in here for all the #LIVE updates from Sandeshkhali as the NSG teams conduct raids – https://t.co/CRfjubcuSf… #NSG #Sandeshkhali #CBI… pic.twitter.com/0oJRLtMXbr
વધુ જાણકારી અનુસાર, શુક્રવારે CBIના અધિકારીઓ કેન્દ્રીય બળો સાથે સંદેશખાલીના સરબેરિયા વિસ્તારમાં તપાસ કરવા માટે પહોંચ્યા હતા. અહીં બાતમીના આધારે તેમણે એક ઘરે દરોડા પાડ્યા. આ ઘરના માલિકની ઓળખ અબુ તાલેબ તરીકે થઈ છે. એક રિપોર્ટમાં CBI અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે તે TMCના પૂર્વ નેતા શેખ શાહજહાંનો સંબંધી છે.
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેના ઘરમાંથી બૉમ્બ પણ મળી આવ્યા છે. મોટા પ્રમાણમાં હથિયારો અને બૉમ્બ મળી આવ્યા બાદ અધિકારીઓએ આ બાબતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપી હતી, જેમણે પછીથી NSGની મદદ લીધી અને સર્ચ ઑપરેશન ચલાવ્યું હતું. હાલ પણ એજન્સીઓ વિસ્તારમાં તહેનાત છે.
Watch: After foreign weapons were discovered in CBI's raid, NSG teams are now conducting search operations in West Bengal's Sandeshkhali. A close aide of Shahjahan Sheikh is also under NSG scrutiny. https://t.co/7rauuI1dMP pic.twitter.com/e5CxnAsfK5
— IANS (@ians_india) April 26, 2024
એજન્સીના અહેવાલો જણાવી રહ્યા છે કે હથિયારો મળી આવ્યા બાદ NSG કમાન્ડોની એક ટીમ સંદેશખાલી પહોંચી ગઈ હતી. બીજી તરફ, આ કાર્યવાહીની સામે મમતા બેનર્જી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને એ આદેશને પડકારવામાં આવ્યો છે, જેમાં કલકત્તા હાઈકોર્ટે CBIને તપાસણી પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટ આગામી 29 એપ્રિલના રોજ આ મામલે સુનાવણી હાથ ધરશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ CBIએ સંદેશખાલી મામલે એક FIR દાખલ કરીને 5 લોકો સામે નામજોગ અને બાકીના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. એજન્સી મહિલાઓ સાથે અત્યાચાર, શોષણ અને જામીન હડપી લેવાના આરોપોની તપાસ કરી રહી છે. એ પણ નોંધનીય છે કે ગત 10 એપ્રિલના રોજ જ કલકત્તા હાઈકોર્ટે એક ચુકાદો આપીને સંદેશખાલીની મહિલાઓએ શેખ શાહજહાં અને તેના માણસો વિરુદ્ધ લગાવેલા આરોપોની તપાસ CBIને સોંપી હતી. ત્યારબાદ એજન્સી એક્શનમાં આવી.