Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલ માટે આફત બન્યું શરાબ નીતિ કૌભાંડ, EDના રિમાન્ડ પૂર્ણ થાય એટલે...

    કેજરીવાલ માટે આફત બન્યું શરાબ નીતિ કૌભાંડ, EDના રિમાન્ડ પૂર્ણ થાય એટલે CBI કસ્ટડી માંગશે- રિપોર્ટમાં દાવો; એજન્સી અગાઉ કરી ચૂકી છે પૂછપરછ

    CBI ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાની તપાસ કરી રહી છે. એજન્સી આ કેસમાં જ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેટલાક અન્ય લોકોની ધરપકડ કરી ચૂકી છે. હવે કેજરીવાલ પણ CBIના રડાર પર છે.

    - Advertisement -

    દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલી વધી શકે છે. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, EDની કાર્યવાહી બાદ હવે CBI પણ કેજરીવાલ સામે ઝડપી કાર્યવાહી કરી શકે છે. EDના રિમાન્ડ પૂર્ણ થયા બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) પણ અરવિંદ કેજરીવાલની કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં જઈ શકે છે. નોંધનીય છે કે, દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટે શુક્રવારે (22 માર્ચ) મની લોન્ડરિંગ કેસ મામલે કેજરીવાલને 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલ્યા છે.

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રિમાન્ડ પૂર્ણ થયા બાદ CBI પણ કેજરીવાલની કસ્ટડી મેળવવા માટે કોર્ટ જઈ શકે છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ED મની લોન્ડરિંગની તપાસ કરે છે તો CBI પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાની તપાસ કરી રહી છે. એજન્સી આ કેસમાં જ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેટલાક અન્ય લોકોની ધરપકડ કરી ચૂકી છે. હવે કેજરીવાલ પણ CBIના રડાર પર છે. નોંધવું જોઈએ કે CBIએ તાજેતરમાં જ મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતી વખતે કોર્ટને કહ્યું હતું કે, દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં કેટલીક હાઈ-પ્રોફાઇલ ધરપકડ પણ થઈ શકે છે.

    દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે પ્રથમ ઑગસ્ટ, 2022માં CBIએ મનીષ સિસોદિયા સહિત 15 વ્યક્તિઓ સામે FIR નોંધીને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી, 2023માં સિસોદિયાની ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારથી તેઓ જેલમાં બંધ છે અને સુપ્રીમ કોર્ટ પણ જામીન અરજી નકારી ચૂકી છે. CBIએ કેસ નોંધ્યા બાદ મોટાપાયે પૈસાની લેવડદેવડ થઈ હોવાનું ખુલતાં EDએ પણ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી. કેજરીવાલની ધરપકડ EDએ કરી છે. હાલ તેઓ 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં છે.

    - Advertisement -

    એપ્રિલ, 2023માં CBIએ કેજરીવાલની પૂછપરછ કરી હતી

    નોંધવું જોઈએ કે, CBIએ ગત વર્ષે એપ્રિલ, 2023માં લિકર પોલિસી કૌભાંડમાં કથિત ભ્રષ્ટાચારની તપાસના સંદર્ભમાં કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ કાર્યવાહી બાદ CBI પ્રવક્તાએ કહ્યું હતું કે, “CrPCની કલમ 160 હેઠળ દિલ્હીના મુખ્યમંત્રીને આ મામલે પૂછપરછ માટે અને કથિત કૌભાંડ સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ માટે નોટિસ જારી કરવામાં આવી હતી. તેઓ આજે તપાસમાં જોડાયા હતા અને CrPCની કલમ 161 હેઠળ તેમનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું છે. નિવેદનની ખરાઈ કરવામાં આવશે અને ઉપલબ્ધ પુરાવાઓ સાથે મેચ કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ 17 ઓગસ્ટ, 2022ના રોજ CBIએ દિલ્હીની લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં અનિયમિતતાના આરોપ સાથે FIR નોંધી હતી. CBI કેસના આધાર પર જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 22 ઓગસ્ટ, 2022ના રોજ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને તે સંદર્ભે જ હમણાં સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. લિકર પોલિસી કૌભાંડ ઉપરાંત CBIએ દિલ્હી જલ બોર્ડમાં કથિત અનિયમિતતાના કેસની પણ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં