Monday, July 15, 2024
More
  હોમપેજએક્સપ્લેઇનરશું છે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ, જેમાં થઈ કેજરીવાલની ધરપકડ: કઈ રીતે...

  શું છે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ, જેમાં થઈ કેજરીવાલની ધરપકડ: કઈ રીતે સામે આવ્યું કૌભાંડ, અત્યાર સુધીમાં શું-શું કાર્યવાહી થઈ- વિગતે જાણો

  દાવો એવો કરવામાં આવ્યો હતો કે સરકારની આવકમાં 27 ટકાનો વધારો થઈને હજારો કરોડનો ફાયદો થશે. પરંતુ થયું અવળું અને આખું કૌભાંડ ધીમે-ધીમે બહાર આવવા માંડ્યું. 

  - Advertisement -

  આખરે પોતાને ‘કટ્ટર ઈમાનદાર’ ગણાવતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી. બહુચર્ચિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે તપાસ કરતી એજન્સી ED તેમને વારંવાર સમન્સ પાઠવતી રહી પરંતુ તેઓ કોઈને કોઇ બહાને ટાળતા રહ્યા. ધરપકડ નજીક દેખાતાં હાઇકોર્ટ સુધી જઈ આવ્યા, પરંતુ કોર્ટે પણ રાહત ન આપી. આખરે ગુરુવારે (21 માર્ચ) એજન્સી તેમના ઘરે પહોંચી ગઈ અને ઉઠાવી લાવી. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

  એજન્સી હવે કેજરીવાલની કસ્ટડી મેળવીને આ કેસને લગતી તમામ પૂછપરછ કરશે. તે પહેલાં રિમાન્ડ માંગતી વખતે EDએ અમુક મોટા ખુલાસા કર્યા. એજન્સીએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલ આ કૌભાંડના કિંગપિન હતા અને તેમની દેખરેખ હેઠળ જ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું. કેજરીવાલે દક્ષિણના ગ્રુપ પાસેથી 100 કરોડ માગ્યા હોવાના અને આમાંથી 45 કરોડ રૂપિયા ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે વાપરવામાં આવ્યા હોવાના પણ ઘટસ્ફોટ થયા. 

  સમગ્ર કેસ દિલ્હી એક્સાઈઝ પોલિસીને લગતો છે, જે હાલ અમલમાં નથી. વર્ષ 2021માં કેજરીવાલ સરકારે આ નીતિ લાગુ કરી હતી, પરંતુ પછીથી પોલ ખુલી જતાં પીછેહઠ કરી લીધી અને પોલિસી રદ કરી દીધી હતી. પરંતુ પછી પણ ED અને CBIની તપાસ ચાલતી રહી અને એક પછી એક નામો ખૂલતાં ગયાં. આ જ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંઘ જેલભેગા થયા અને હવે કેજરીવાલ પણ તિહાડ જવાની તૈયારીમાં છે. આ જ કેસમાં તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરનાં પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જેઓ હાલ EDની કસ્ટડીમાં છે. 

  - Advertisement -

  શું હતી દિલ્હી એક્સાઈઝ પોલિસી?

  દિલ્હી એક્સાઈઝ પોલિસી, ગુજરાતીમાં દિલ્હી આબકારી નીતિ વર્ષ 2021માં કેજરીવાલ સરકારે લાગુ કરી હતી. તે પહેલાં સપ્ટેમ્બર, 2020માં એક્સાઈઝ કમિશનરની અધ્યક્ષતામાં એક એક્સપર્ટ કમિટી રચવામાં આવી હતી, જેણે નવી પોલિસી રચવા માટે ભલામણ કરી. ફેબ્રુઆરી, 2021માં આ કમિટીનો રિપોર્ટ દિલ્હી સરકારની કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. 

  એપ્રિલ 2021માં કેબિનેટે આ નવી પોલિસીને મંજૂરી આપી હતી અને સ્વીકૃતિ માટે તત્કાલીન ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલવામાં આવી, પરંતુ તેમણે અમુક સુધારા સૂચવ્યા હતા. મે, 2021માં ફરીથી કેબિનેટ મીટિંગ મળી અને આ સુધારાનો અમલ કરવામાં આવ્યો. આખરે નવેમ્બર, 2021માં દિલ્હી એક્સાઈઝ પોલિસી, 2021-22 અમલમાં મૂકવામાં આવી હતી. 

  આ જ પોલિસીને ક્યાંક ‘લિકર પોલિસી’ તરીકે પણ ઓળખાવવામાં આવે છે, કારણ કે તે દારૂના વેચાણ સંબંધિત હતી. નવી પોલિસીમાં એવી જોગવાઈઓ કરવામાં આવી હતી, જેનાથી દિલ્હીમાં દારૂના વેચાણની સમગ્ર પદ્ધતિ અને પ્રક્રિયા બદલાઈ ગઈ. પોલિસી આવી ત્યાં સુધી લિકર બિઝનેસમાં કોઇ પ્રાઇવેટ પ્લેયર ન હતા અને તેનું સંપૂર્ણ નિયંત્રણ સરકાર પાસે રહેતું હતું. માત્ર સરકારની માલિકીના લિકર વેન્ડરોને દારૂના વેચાણની પરવાનગી આપવામાં આવતી હતી. 

  આ નવી પોલિસીથી પ્રાઇવેટ પ્લેયરો પણ માર્કેટમાં આવ્યા. આખા દિલ્હીને કુલ 32 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું અને કુલ 27 પ્રાઇવેટ વેન્ડરોને દરેક ઝોનમાં લિકર શોપ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી. એટલે કે દરેક મ્યુનિસિપલ વૉર્ડમાં 2થી 3 લિકર વેન્ડરો દારૂનું વેચાણ કરતા હતા. વધુમાં, તેમને MRP પર ડિસ્કાઉન્ટ આપવું, દારૂની હૉમ ડિલીવરી કરવી કે પછી દુકાનો મલાસ્કે 3 વાગ્યા સુધી પણ ખુલ્લી રાખી શકાય- વગેરે જેવી અમુક છૂટ આપવામાં આવતી હતી. 

  કેજરીવાલ સરકારે આ પોલિસીને લઈને દાવો કર્યો હતો કે તેનાથી લિકર માફિયાઓ પર નિયંત્રણ લાગશે અને સરકારની આવક વધશે અને ગ્રાહકોને પણ સરળતા રહેશે. દાવો એવો કરવામાં આવ્યો હતો કે સરકારની આવકમાં 27 ટકાનો વધારો થઈને હજારો કરોડનો ફાયદો થશે. પરંતુ થયું અવળું અને આખું કૌભાંડ ધીમે-ધીમે બહાર આવવા માંડ્યું. 

  ચીફ સેક્રેટરીના રિપોર્ટ બાદ ઉપરાજ્યપાલે CBI તપાસ સોંપી, બીજી તરફ સિસોદિયાએ પોલિસી પરત લઇ લીધી 

  નવેમ્બર, 2021માં આ પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ એપ્રિલ, 2022 સુધી કશું જ બહાર આવ્યું ન હતું. પરંતુ એપ્રિલ, 2022માં નરેશ કુમારને દિલ્હીના મુખ્ય સચિવ નીમવામાં આવ્યા. તેમણે આ પોલિસીને લગતી ફાઈલોનો અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે તેના અમલીકરણમાં અનેક અનિયમિતતાઓ છે અને એવી રીતે લાગુ કરવામાં આવી છે, જેનાથી ખાનગી પાર્ટીઓને ગેરકાયદેસર લાભો પહોંચાડીને સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવામાં આવે. 

  8 જુલાઈ, 2022ના દિવસે મુખ્ય સચિવ નરેશ કુમારે આ નવી પોલિસીમાં જોવા મળેલી અનિયમિતતાઓ વિશે ઉપરાજ્યપાલ વી.કે સક્સેનાને એક રિપોર્ટ મોકલ્યો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોલિસી હેઠળ અમુક ખાનગી કંપનીઓને વિશેષ લાભ આપવામાં આવ્યા હતા અને તેનાં બદલામાં આમ આદમી પાર્ટીને રૂપિયા મળ્યા, જેનો ઉપયોગ ચૂંટણીઓમાં કરવાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું કે આ પોલિસી થકી GNCT એક્ટ, 1991 અને દિલ્હી એક્સાઈઝ એક્ટ, 2009 સહિતના કાયદાઓ અને નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને લિકર માફિયાઓને તેનાથી ₹144 કરોડનો ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. 

  આ રિપોર્ટમાં મનીષ સિસોદિયા પર પણ આરોપ લગાવવામાં આવ્યા. સિસોદિયાનું નામ સૌથી પહેલું સામે આવવા પાછળ કારણ એ છે કે તેઓ ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી હતા અને એક્સાઈઝ વિભાગ તેમના હસ્તક આવતો હતો. જેથી પોલિસી ઘડવાથી લઈને તેના અમલીકરણમાં તેમની ભૂમિકા મહત્વની હતી. મુખ્ય સચિવે મોકલેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સિસોદિયાએ કોરોના મહામારીનું બહાનું ધરીને પ્રાઇવેટ લિકર વેન્ડરોએ લાયસન્સ ફી પેટે આપવાના થતા ₹144.36 કરોડ રૂપિયા માફ કરી દીધા હતા. 

  આ રિપોર્ટ ઉપરાજ્યપાલ પાસે પહોંચ્યા બાદ 22 જુલાઈ, 2022ના રોજ તેમણે સમગ્ર પોલિસીના અમલીકરણની તપાસ કરવા માટે CBI તપાસની ભલામણ કરી દીધી. તેના માત્ર 7 જ દિવસ બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે આ પોલિસી પરત ખેંચી લીધી અને ફરીથી જૂની જ નીતિ લાગુ કરી દીધી, જેમાં દારૂ વેચાણનું નિયંત્રણ સરકાર પાસે રહે છે. એટલે હાલ ફરી જૂની શરાબ નીતિ જ લાગુ છે. 

  CBIએ હાથ પર લીધી તપાસ 

  દિલ્હી સરકારે પોલિસી પરત લઇ લીધી હતી, પરંતુ પછી CBIનું કામ શરૂ થયું. એજન્સીએ મનીષ સિસોદિયા, એક્સાઈઝ વિભાગના અમુક અધિકારીઓ અને જેમને લાભ પહોંચ્યા હતા તેવા અમુક વેપારીઓને ત્યાં દરોડા પાડીને તપાસ શરૂ કરી અને 19 ઓગસ્ટ, 2022ના રોજ 15 વ્યક્તિઓ સામે નામજોગ FIR દાખલ કરી, જેમાં મનીષ સિસોદિયાનું પણ નામ છે. 

  હવે જાણીએ કે CBIએ પોતાની FIRમાં શું-શું જણાવ્યું હતું. 

  CBIની FIR અનુસાર, અમુક કંપનીઓને લાંચના બદલે ગેરકાયદેસર રીતે શરાબ વેચવા માટે L-1 લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને એક વેપારીએ એક કંપનીને ₹1 કરોડ ચૂકવ્યા હતા, જેનું સંચાલન મનીષ સિસોદિયાનો નજીકનો એક માણસ કરે છે. એજન્સીએ જણાવ્યું હતું કે, મનીષ સિસોદિયાના માણસો અમિત અરોડા, દિનેશ અરોડા અને અર્જુન પાંડે વગેરે સક્રિયપણે લાંચના પૈસા ડાયવર્ટ કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઇન્ડોસ્પિરિટના MD સમીર મહેંદ્રુએ રાધા ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપનીમાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે દિનેશ અરોડા દ્વારા સંચાલિત છે અને અરોડા મનીષ સિસોદિયાનો નજીકનો માણસ કહેવાય છે. 

  CBIએ અન્ય એક ફાર્મ મહાદેવ લિકર્સનો પણ ઉલ્લેખ કર્યો, જેને L-1 લાયસન્સ આપવામાં આવ્યું હતું. તેના માલિકના અનેક સરકારી અધિકારીઓ સાથે સંબંધો બહાર આવ્યા અને એ પણ જાણવા મળ્યું કે તે નિયમિત રીતે લાંચ આપતો હતો. 

  ‘સાઉથ ગ્રૂપ’ શું છે, જેનો ઉલ્લેખ વારંવાર થતો રહે છે? 

  આ કેસમાં ‘સાઉથ ગ્રૂપ’નો ઉલ્લેખ પણ ઘણી વખત જોવા મળ્યો છે. તાજેતરમાં KCR પુત્રી કે. કવિતાની ધરપકડ થઈ ત્યારે પણ આવું સાંભળવા મળ્યું. કેજરીવાલને EDએ કોર્ટમાં રજૂ કર્યા ત્યારે પણ એજન્સીએ જણાવ્યું કે તેમણે સાઉથ ગ્રૂપ પાસેથી લાંચ માંગી હતી. આ સાઉથ ગ્રૂપ એટલે દક્ષિણ ભારતનું એક જૂથ છે, જેમાં કે. કવિતા પણ સભ્ય હતાં. આ જૂથે દિલ્હી એક્સાઈઝ પોલિસી થકી અમુક વિશેષ લાભ મેળવવા માટે આમ આદમી પાર્ટીને ₹100 કરોડ ચૂકવ્યા હોવાનું કહેવાય છે. 

  EDનું કહેવું છે કે આ જૂથ પોલિસીમાં જેટલી મંજૂરી આપવામાં આવી હતી તેનાથી વધુ કેટલાક લાભો મેળવવા માગતું હતું, જેમાં બેરોકટોક પહોંચ, સ્થાપિક હૉલસેલ વ્યવસાયો અને મલ્ટીપલ રીટેલ ઝોનમાં ભાગીદારી અને અન્ય કેટલાક અનુચિત લાભોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ કેસની તપાસ કરતી એજન્સીઓ ED અને CBIએ કે કવિતાની આ કેસમાં એક સાક્ષી તરીકે પૂછપરછ કરી હતી, પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેઓ સીધી રીતે આ કૌભાંડ સાથે સંકળાયેલાં છે. આ કેસના અનેક વ્યક્તિઓ સાથે તેમનાં કનેક્શન સામે આવ્યાં હતાં. પૂછપરછ દરમિયાન એક આરોપી અરુણ રામચંદ્રન પિલ્લાઇએ જણાવ્યું હતું કે તેઓ કવિતા વતી કામ કરતા હતા. જ્યારે કવિતાએ સાઉથ ગ્રુપ વતી દિલ્હી સરકારના અધિકારીઓ અને મંત્રીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે જ AAPને ₹100 કરોડ ચૂકવવા માટે ગ્રુપને તૈયાર કર્યું હોવાનું કહેવાય છે.

  એજન્સી અનુસાર, અકાઉન્ટન્ટે નિવેદનમાં જણાવ્યું હતું કે, કવિતા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વચ્ચે આ બાબતે રાજકીય સમજૂતી થઈ હતી. આ જ ક્રમમાં કે કવિતાએ 19-20 માર્ચ, 2021ના રોજ વિજય નાયર સાથે પણ મુલાકાત કરી હતી. 

  કેજરીવાલ પર શું આરોપો છે? 

  અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અને આમ આદમી પાર્ટીના કન્વીનર તરીકે તેમની દેખરેખ હેઠળ જ આ પોલિસી ઘડવામાં આવી અને ભ્રષ્ટાચાર પણ થયો. EDએ કોર્ટમાં રજૂ કરતી વખતે તેમને કૌભાંડના ‘કિંગપિન’ ગણાવ્યા અને કહ્યું કે તેમણે ‘સાઉથ ગ્રૂપ’ પાસેથી લાંચ માંગી હતી અને તેમાંથી અમુક રૂપિયાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન કર્યો હતો. 

  આ કેસમાં કેજરીવાલનું નામ ગત ઑક્ટોબર, 2023માં સામે આવ્યું અને 30 ઑક્ટોબરે EDએ સૌપ્રથમ વખત સમન્સ પાઠવ્યું હતું. પરંતુ કેજરીવાલ કોઈને કોઈ બહાને સમન્સ અવગણીને હાજરી આપવાનું ટાળતા રહ્યા. દરમ્યાન તેઓ કોર્ટમાં પણ ગયા, પરંતુ ત્યાંથી પણ રાહત ન મળી. આખરે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. 2021માં દિલ્હી એક્સાઈઝ પોલિસી આવી હતી, 2024 આવતાં સુધીમાં સમગ્ર કૌભાંડ ખુલ્લું પડી ગયું અને મોટાભાગના AAPના ટોચના નેતાઓ જેલમાં છે. 

  કેસમાં કોણ-કોણ પકડાયું? 

  આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાથી માંડીને અનેક હાઈપ્રોફાઈલ વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્ય આરોપી તરીકે CBIએ સિસોદિયાની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી, 2022માં તેમને પકડવામાં આવ્યા. ત્યારથી તેઓ તિહાડ જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટ પણ તેમની જામીન અરજી ફગાવી ચૂકી છે. 

  AAP સાંસદ સંજય સિંઘ પણ આ જ કેસમાં પકડાયા છે. તેઓ પ્રાઇવેટ વેન્ડરો અને AAP વચ્ચે થયેલ ડીલિંગમાં સામેલ હોવાનો આરોપ છે. ઑક્ટોબર, 2023માં સંજય સિંઘની ધરપકડ થઈ હતી, જેઓ પણ જેલમાં બંધ છે. 

  થોડા દિવસ પહેલાં 15 માર્ચે KCR પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરી લેવામાં આવી. EDની ટીમ હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં કલાકોની રેડ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યાં. હવે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય પણ અન્ય ડીલરો, વચેટિયાઓ આ નેતાઓના નજીકના માણસો આ કેસમાં પકડાઇ ચૂક્યા છે અને અમુક સરકારી ગવાહ બની ગયા છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં