ભારતીય જનતા પાર્ટીની (BJP) સરકાર વર્ષોથી જેના વાયદા કરતી હતી તે CAA કાયદો આખરે તેણે લાગુ કરી દીધો છે. જે બાદ દેશ અને દુનિયાભરમાં તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દેશમાં વિરોધપક્ષો છાજિયાં લઇ રહ્યા છે અને આ કાયદાને લઈને જુદા જુદા ભ્રમ ફેલાવી રહ્યા છે. તેવામાં ગૃહમંત્રી અમિત શાહનું એક તાજું નિવેદન બહાર આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, “કોઇ કિંમતે CAA પરત નહીં ખેંચાય.”
તાજેતરમાં ANI પોડકાસ્ટમાં પહોચેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે ખુલીને પોતાના મનની વાત કરી હતી. વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું, “INDI ગઠબંધન જાણે છે કે તે સત્તામાં નહીં આવે. CAA બીજેપી લાવી છે અને નરેન્દ્ર મોદીની સરકાર લાવી છે. તેને રદ કરવું અશક્ય છે. અમે સમગ્ર દેશમાં તેના વિશે જાગૃતિ ફેલાવીશું, જેથી જે લોકો તેને રદ કરવા માગે છે તેમને સ્થાન ન મળે.” સાથે જ કેન્દ્રીય મંત્રીએ CAA ગેરબંધારણીય હોવાના આરોપોને ફગાવી દીધા. અમિત શાહનું કહેવું છે કે આનાથી બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી.
જ્યારે વિપક્ષી દળોએ CAA નોટિફિકેશનના સમય પર સવાલ ઉઠાવ્યા ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “તમામ વિપક્ષી પક્ષો, પછી તે અસદુદ્દીન ઓવૈસી હોય, રાહુલ ગાંધી હોય, મમતા બેનર્જી હોય કે કેજરીવાલ હોય, તેઓ જૂઠાણાની રાજનીતિ કરી રહ્યા છે. તેથી સમય મહત્વપૂર્ણ નથી. ભાજપે 2019માં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે અમે CAA લાવશું અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપીશું. 2019 માં જ, આ બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે થોડો વિલંબ થયો હતો. વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને વોટબેંક મજબૂત કરવા માંગે છે. તેમનો પર્દાફાશ થયો છે અને દેશના લોકો જાણે છે કે CAA આ દેશનો કાયદો છે. મેં 4 વર્ષમાં ઓછામાં ઓછા 41 વાર કહ્યું છે કે CAA લાગુ કરવામાં આવશે અને તે પણ ચૂંટણી પહેલા.”
મમતાને આપી ચેતવણી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે CAA નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. શાહે કહ્યું, તે દિવસ દૂર નથી જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરશે.
શાહે વધુમાં કહ્યું હતું કે જો મમતા આ મુદ્દા પર રાજનીતિ કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષાના આટલા મહત્વના મુદ્દા સામે ઉભી રહે છે તો તે ખૂબ જ ખોટું છે. તેમણે કહ્યું કે મમતા તુષ્ટિકરણની રાજનીતિ કરીને ઘૂસણખોરીને મંજૂરી આપે છે અને CAAનો વિરોધ કરે છે. શાહે કહ્યું કે જો શરણાર્થીઓને નાગરિકતા નહીં મળે તો તેઓ તેમની સાથે નહીં રહે. મમતા બેનર્જી શરણાર્થી અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત નથી જાણતા.