Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટINDIA નહીં હવે 'ભારત' ભણશે વિદ્યાર્થીઓ, પુસ્તકમાં મોહમ્મદ ઘોરી જેવા આક્રાંતાઓને હરાવનારાની...

  INDIA નહીં હવે ‘ભારત’ ભણશે વિદ્યાર્થીઓ, પુસ્તકમાં મોહમ્મદ ઘોરી જેવા આક્રાંતાઓને હરાવનારાની પણ થશે વાત: NCERTની પેનલે કરી ફેરફારોની ભલામણ

  ઈસ્સાકે કહ્યું કે ઈતિહાસને હવે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અંગ્રેજોએ આ કર્યું હતું અને ભારતને વૈજ્ઞાનિક પ્રગતિ અને જ્ઞાનથી અજાણ, અંધકારમાં બતાવ્યું હતું. સમિતિએ તમામ વિષયોના અભ્યાસક્રમમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS)નો સમાવેશ કરવાની પણ ભલામણ કરી છે.

  - Advertisement -

  નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) તેના આગામી પુસ્તકોના સેટમાં INDIAને બદલે ‘ભારત’ છાપશે. પેનલના આ પ્રસ્તાવને તેના સભ્યો દ્વારા સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો છે. આ સાથે સમિતિએ ઈતિહાસના પુસ્તકોમાં ‘હિંદુ વિજય’ને પ્રાથમિકતા આપવાની ભલામણ કરી છે. પેનલના સભ્યોમાંના એક સીઆઈ ઈસ્સાકના જણાવ્યા અનુસાર, NCERTના નવા પુસ્તકોના નામમાં ફેરફાર થશે. ઈસ્સાકે કહ્યું કે, આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા મૂકવામાં આવ્યો હતો અને હવે તેને સ્વીકારી લેવામાં આવ્યો છે.

  ઈસ્સાકે કહ્યું કે, ઇન્ડિયા શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે બ્રિટેનની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 1757ના પ્લાસીના યુદ્ધ પછી શરૂ થયો થયો હતો. જ્યારે ભારત શબ્દનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથોમાં છે, જે સાત હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે.

  દેશનું નામ બદલવાની અટકળો થઈ હતી વહેતી

  NCERT પેનલની આ ભલામણ એવી અટકળોની વચ્ચે આવી છે કે દેશનું નામ બદલીને ‘ભારત’ રાખવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં આ ચર્ચા ત્યારે ત્યારે શરૂ થઈ હતી જ્યારે કેન્દ્રએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત G20 ડિનરના આમંત્રણ પત્રમાં President of Indiaની જગ્યાએ President of Bharat લખ્યું હતું. આ પછી દેશભરમાં આને લઈને ચર્ચા શરૂ થઈ હતી. આ બધા વચ્ચે રાજકીય નિવેદનો પણ વહેતા થયા હતા. હકીકતમાં, ભારતના બંધારણના અનુચ્છેદ 1(1)માં આપણાં દેશને ‘ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, શેલ બી અ યુનિયન ઑફ સ્ટેટ્સ’ (ઇન્ડિયા અર્થાત, ભારત, રાજ્યોનો એક સંઘ હશે) તરીકે પરિભાષિત કરવામાં આવ્યો છે.

  - Advertisement -

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જેમ આ વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદીની ડેસ્ક પરની નેમપ્લેટમાં ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ લખેલું જોવા મળ્યું હતું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપમ ખાતે G20 નેતાઓનું શિખર સંમેલન હતું. વડાપ્રધાન મોદીના વિશ્વનેતાઓને સંબોધન દરમિયાન કેમેરામાં ‘Bharat’ નામની નેમપ્લેટે ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આને લગતી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. કેટલાક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો તો કેટલાક લોકોએ આ બાબતે ખુશી વ્યકત કરી હતી.

  ‘હિંદુ યોદ્ધાઓની જીત’ ને કરવી જોઈએ પ્રકાશિત: પેનલ

  આ દરમિયાન, NCERT સમિતિએ ખાસ કરીને તેના પાઠ્યપુસ્તકોમાં ‘હિંદુ યોદ્ધાઓની જીત’ને પ્રકાશિત કરતા પાઠયક્રમનો સમાવેશ કરવાની ભલામણ કરી છે. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં ‘પ્રાચીન ઇતિહાસ’ની જગ્યાએ ‘શાસ્ત્રીય ઇતિહાસ’નો સમાવેશ કરવાની પણ ભલામણ કરી છે. ઈસ્સાકે કહ્યું કે, હાલમાં પુસ્તકો માત્ર આપણી નિષ્ફળતાઓ વિશે વાત કરે છે. સુલતાનો અને મુઘલો પર આપણી જીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે પુસ્તકોમાં એવું શીખવવામાં આવે છે કે મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું હતું, પરંતુ એવું શીખવવામાં આવતું નથી કે ઘોરીની હત્યા 1206માં ખોકર (પૂર્વ-મધ્ય એશિયાની એક આદિજાતિ)એ એવા સમયે કરી હતી જ્યારે તે ભારત આવવાના રસ્તે હતો.

  ઈસ્સાકે ઉમેર્યું કે ઈતિહાસને હવે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અંગ્રેજોએ આ કર્યું હતું અને ભારતને વૈજ્ઞાનિક પ્રગતિ અને જ્ઞાનથી અજાણ, અંધકારમાં બતાવ્યું હતું. સમિતિએ તમામ વિષયોના અભ્યાસક્રમમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS)નો સમાવેશ કરવાની પણ ભલામણ કરી છે.

  નોંધનીય છે કે આ સમિતિ તે 25 સમિતિઓમાંની એક છે, જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP) 2020 અનુસાર પાઠ્યક્રમ બદલવા માટે કેન્દ્રીય સ્તર પર NCERT સાથે કામ કરે છે. ભલામણ બાદ હવે નવીનતમ પુસ્તકો બજારમાં આવશે. તમામ ઘટનાક્રમને જોતાં એ જાણી શકાય છે કે NCERTનાં આગામી પુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત જેવા શબ્દો હશે અને ઇતિહાસમાં પણ ઘણો ફેરફાર જોવા મળશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં