Saturday, June 22, 2024
More
  હોમપેજદેશકારસેવકોની મદદ કરવા પર ધરપકડના આદેશ, મહિલાઓ પર ટોર્ચર માટે પુરુષ પોલીસકર્મીઓ:...

  કારસેવકોની મદદ કરવા પર ધરપકડના આદેશ, મહિલાઓ પર ટોર્ચર માટે પુરુષ પોલીસકર્મીઓ: મુલાયમના ‘સરકારી આતંક’ના કારણે ગામમાં દીવા પ્રગટાવનારા પણ નહતા બચ્યા

  અમે જ્યારે રામકરન સિંઘને તેમના ગામમાં મળવા માટે ગયા ત્યારે તેઓ ઘરે જ હાજર હતા. તેમની ઉંમર લગભગ 70 વર્ષ છે પરંતુ તેમને 1990ની એ ઘટના એવી રીતે યાદ છે કે જાણે 34 વર્ષ નહીં પણ માત્ર 34 મિનિટ જ વીતી હોય.

  - Advertisement -

  ભગવાન રામની જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય મંદિરમાં મૂર્તિના અભિષેક માટે ધર્મનગરી અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર છે. 22 જાન્યુઆરી, 2024 (સોમવાર)ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આક્રાંતા બાબરથી લઈને હમણાં સુધી 500થી વધુ વર્ષો સુધી ચાલેલા આ સંઘર્ષમાં અસંખ્ય રામભક્તો દ્વારા બલિદાન આપવામાં આવ્યા છે. આ સંઘર્ષના કેટલાક જીવંત સાક્ષીઓ છે જેમણે સ્વતંત્ર ભારતમાં પણ રામના નામે મુઘલ કાળ કરતાં પણ વધુ ત્રાસ સહન કર્યો છે. તે જીવંત સાક્ષીઓમાં ઉત્તર પ્રદેશના બસ્તી નિવાસી રામકરન સિંઘ, હરિલાલ સિંઘ અને સાંડપુરના અન્ય ગ્રામજનોનો સમાવેશ થાય છે. ઑપઇન્ડિયાએ રામકરન સિંઘના સાંડપુર ગામમાં જઈને તેમના પર મુલાયમ સરકાર દરમિયાન વર્ષ 1990માં કરવામાં આવેલા અત્યાચારો વિશેની માહિતી મેળવી હતી. જ્યાં પોલીસે નિશસ્ત્ર લોકો પર ગોળીઓ વરસાવી હતી.

  રામકરન સિંઘ મૂળ બસ્તી જિલ્લાના સાંડપુર ગામના રહેવાસી છે. 22 ઓક્ટોબર, 1990ના રોજ, કારસેવકોની હાજરીની બાતમી પર, સ્થાનિક દુબૌલિયા પોલીસ સ્ટેશને તેમના ગામમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મુલાયમ સરકારના આદેશ પર સાંડપુર ગામમાં પોલીસે આડેધડ ગોળીઓ વરસાવી હતી. જેમાં રામ ચંદર યાદવ, સત્યવાન સિંઘ અને બાદમાં જયરાજ યાદવનું નિધન થયું હતું. ત્યારબાદ પોલીસે FIR નોંધી અને બાકીના ગ્રામજનો પર નિર્દયતાથી અત્યાચાર કર્યો હતો.

  તે FIRમાં રામકરન સિંઘને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. આજે પણ બસ્તી જિલ્લાની અદાલતમાં ગુના નંબર 132/90 સરકાર વિરુદ્ધ રામકરન સિંઘનું નામ ચાલી રહ્યું છે. અમે જ્યારે રામકરન સિંઘને તેમના ગામમાં મળવા માટે ગયા ત્યારે તેઓ ઘરે જ હાજર હતા. તેમની ઉંમર લગભગ 70 વર્ષ છે પરંતુ તેમને 1990ની એ ઘટના એવી રીતે યાદ છે કે જાણે 34 વર્ષ નહીં પણ માત્ર 34 મિનિટ જ વીતી હોય.

  - Advertisement -

  કારસેવકોની સેવા બન્યો ગુનો

  રામકરન સિંઘે જણાવ્યું કે, સાંડપુર ગામના ગ્રામજનોનો એકમાત્ર ગુનો એ હતો કે તેઓ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા કારસેવકોની સેવા કરતાં હતા. વૈદિક સિદ્ધાંત ‘અતિથિ દેવો ભવઃ’નું પાલન કરનારા ગામ સાંડપુરમાં તમામ ગ્રામજનો રામભક્તોને આરામ કરવા, ખાવા-પીવાની સાથે સુરક્ષિત અયોધ્યા પહોંચાડવાના પ્રયાસોમાં લાગી ગયા હતા.

  ઑપઇન્ડિયાને 1990ની સ્થિતિ જણાવતા પીડિત રામકરન સિંઘ

  રામકરન સિંઘનો દાવો છે કે, ત્યારે મુલાયમ સિંઘ દ્વારા કારસેવકોને આશરો આપનારાઓને ગુનેગાર ગણવા અને કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. અહીં શાળા બંધ કરીને દુબૌલિયા ઈન્ટર કોલેજમાં એક અસ્થાયી જેલ પણ બનાવવામાં આવી હતી. સાંડપુર ગામમાં નિશસ્ત્ર ગ્રામજનો પર પોલીસે ગોળીઓ વરસાવી હતી.

  બનિયાન પહેરેલા ગ્રામજનોને ઢસડીને લઈ જવાતા પોલીસ સ્ટેશન

  રામકરન સિંઘે અમને વધુમાં જણાવ્યું કે, 21 ઓકટોબર 1990ના રોજ તત્કાલીન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દુબૌલિયા તેમના ગામમાં આવ્યા અને એક સ્કૂલના મેનેજર રાઘવેન્દ્ર સિંઘને ત્યારે ઢસડીને લઈ જવા લાગ્યા, જ્યારે તેઓ માત્ર લુંગી અને બનિયાન પહેરીને પોતાના ઘરમાં બેઠા હતા. પોલીસે રઘવેન્દ્ર સિંઘ પર કારસેવકોને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો.

  રસ્તામાં પોલીસને રામકરન સિંઘ મળ્યા હતા. તેમણે વચ્ચે પડીને કપડાં પહેરવાની અપીલ કરી તો પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે યુનિફોર્મના મદમાં તેમને પણ અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું અને કહ્યું કે, “હમ નંગે લે જાના ચાહેંગે તો વૈસે હી ચલના પડેંગા.” એવું માનવામાં આવે છે કે કારસેવકોના સ્થાનો અને અયોધ્યા જવાના તેમના ગુપ્ત માર્ગોની માહિતી જાહેર કરવા માટે રાઘવેન્દ્ર સિંઘને ટૉર્ચર કરવાની તૈયારી હતી.

  રામભક્તોને જીવિત કે મૃત પકડવાનો હતો આદેશ

  રામકરનનો દાવો છે કે ગામલોકોના વિરોધને જોઈને સ્ટેશન ઈન્ચાર્જે રાઘવેન્દ્ર સિંઘને મુક્ત કરી દીધા અને સીધા બસ્તી જિલ્લાના પોલીસ અધિક્ષક પાસે ગયા હતા. ત્યાં SPએ તેમને ગામમાં હાજર રામભક્તો અને કારસેવકોને આશ્રય આપતા ગ્રામજનોને મૃત કે જીવિત પકડવાનો નિર્દેશ આપ્યો હતો. આ કામગીરી માટે પોલીસ અધિક્ષકે ઉપરથી મળેલા આદેશો બાદ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને વધારાની ફોર્સ પણ આપી હતી.

  22 ઓક્ટોબર 1990ના રોજ સવારે 4 વાગ્યે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોમાં જે પણ જોવા મળ્યા તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જોકે, પોલીસના દરોડા અંગે ગ્રામજનોને અગાઉથી જાણ થઈ ગઈ હતી, તેથી તેઓએ બહારથી આવેલા કારસેવકોને ગામમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

  અતિ થઈ ત્યારે ગ્રામજનો એકઠા થઈ ગયા

  મહિલાઓને ટોર્ચર કરવા માટે પણ પુરૂષ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ કામમાં PAC, અર્ધલશ્કરી દળો અને 4 પોલીસ સ્ટેશનની ફોર્સ સામેલ હતી. રામકરન સિંઘે જણાવ્યું કે વહેલી સવારે સાંડપુર ગામમાંથી મહિલાઓ અને બાળકોની ચીસોનો અવાજ સંભળાવા લાગ્યો હતો. જેના કારણે આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો ભેગા થવા લાગ્યા હતા.

  ગામમાં ભાગી રહેલા ગ્રામજનો પર આ જગ્યાએ પોલીસે ચલાવી હતી ગોળીઓ

  પોલીસ પ્રશાસનને સાંડપુર ગામના ગ્રામજનોનો વિરોધ પસંદ ન આવ્યો અને તેમના પર પોલીસે મુલાયમ સરકારના આદેશ અનુસાર ગોળીઓ વરસાવવાનું ચાલુ કર્યું. આ ગોળીઓના કારણે રામ ચંદર યાદવ અને સત્યવાન સિંઘ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે જયરાજ યાદવ અને મહેન્દ્ર પ્રતાપ સિંઘને ગોળીઓ વાગી હતી તેઓ ઘાયલ થયા હતા.

  મહિલાઓના દાગીના લૂંટીને લઈ ગઈ પોલીસ

  રામકરનના જણાવ્યા અનુસાર, પ્રથમ હરોળમાં હાજર પોલીસ કર્મચારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં નિઃશસ્ત્ર લોકો માર્યા ગયા અને કેટલાક ઘાયલ થયા હતા. પછી બીજી હરોળના સૈનિકોએ આવીને મૃતદેહ તેમના સ્વજનોને સોંપવાને બદલે તેમનો કબજો લઈ લીધો હતો. તે પોતાની સાથે ઘાયલોને પણ લઈ ગયા હતા, જેમને સારી સારવાર વિના જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ જ હરકત 32 વર્ષ પછી જયરાજ યાદવના મૃત્યુનું કારણ બની હતી.

  આ પછી, પોલીસ કર્મચારીઓની ત્રીજી હરોળ ગામમાં પ્રવેશી હતી અને ઘરોમાં હાજર નિર્દોષ લોકોની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તપાસના નામે છુપાવીને રાખેલા મહિલાઓના ઘરેણા પણ લૂંટી લેવામાં આવ્યા હતા. વિરોધ કરવા પર બીમાર વૃદ્ધોના ખાટલા પણ તોડી નાખવામાં આવ્યા હતા.

  ગ્રામજનોને કોઈ જગ્યાએ મળ્યો નહીં ન્યાય

  થોડીવાર રહીને રામકરન સિંઘે કહ્યું કે, મુલાયમ સિંઘની સરકાર દરમિયાન થયેલા સાંડપુર નરસંહારમાં ગામજનોએ એકતરફી કાર્યવાહીનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે ગ્રામજનોની હત્યા છતાં પોલીસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

  રામકરણ સિંઘ અને અન્ય ગ્રામજનોએ સાથે મળીને લખનૌ સુધીના દરેક સક્ષમ અધિકારી અને નેતાને જિલ્લા પ્રશાસન સામે કાર્યવાહી માટે ફરિયાદ કરી હતી. જોકે, આ તમામ ફરિયાદો ડસ્ટબીનમાં ફેંકી દેવામાં આવી હતી. ઉલટું, 40 ગ્રામવાસીઓ, જેમણે પોતાના લોકો ગુમાવ્યા હતા અને ગોળીઓથી ઘાયલ થયા હતા, તેમને અન્ય ઘણા અજાણ્યા લોકો સાથે આરોપી બનાવી દેવામાં આવ્યા હતા.

  માણસ તો દૂર ગામના પશુઓ પણ થયા હતા પ્રતાડિત

  સાંડપુરના પાડોશી ગામ રામનગરના સ્થાનિક જનપ્રતિનિધિ સુરેશ કુમાર પાંડેએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેઓ 22 ઓક્ટોબર, 1990ની ઘટનાથી સારી રીતે વાકેફ છે. તે સમયે તેઓ ઈન્ટરમીડિયેટના વિદ્યાર્થી હતા. તેમણે કહ્યું કે તે સમયે માત્ર મુખ્ય માર્ગ જ નહીં પરંતુ નાની-નાની પગદંડી પણ સીલ કરવામાં આવી હતી.

  પાડોશી ગામના સુરેશ કુમાર પાંડે

  સુરેશે દાવો કર્યો હતો કે, ત્યારે પોલીસ દ્વારા ગામમાં ઘૂસીને જે બર્બરતા દેખાડવામાં આવી હતી, તે કદાચ ગુલામ ભારતમાં પણ જોવા મળી ન હતી. સુરેશના કહેવા પ્રમાણે, પોલીસની બર્બરતાના કારણે માત્ર માણસો જ નહીં પરંતુ ગામમાં પાળેલા પશુઓ પણ ઘણા દિવસો સુધી ભૂખ્યા રહ્યા હતા. તેમને ઘાસચારો ખવડાવવા માટે પણ કોઈ બચ્યું નહોતું.

  બરબાદ થઈ ગઈ યુવાનોની કારકિર્દી

  સુરેશ કુમાર પાંડેએ એવો પણ દાવો કર્યો છે કે 22 ઓક્ટોબર 1990ની ઘટનામાં પોલીસે ગામડાના ઘણા એવા યુવાનોના નામ પણ કેસમાં જોડી દીધા હતા જેઓ ઘટનાના દિવસે ગામમાં હાજર જ નહોતા. કેસમાં નામ આવવાથી જેલમાં જવાને કારણે એ તમામ યુવાનોની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી.

  સુરેશના કહેવા પ્રમાણે, આ બધી ક્રૂરતા તત્કાલીન મુલાયમ સરકારના આદેશ પર થઈ હતી. ત્યારે કોઈ ફરિયાદી ગ્રામજનોની રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશને જતા તો ત્યાં તેમને માર મારવામાં આવતો હતો અને તેને કારસેવક જાહેર કરવામાં આવતા હતા. લોકોને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવતા હતા.

  SC/ST, OBC, સામાન્ય વર્ગ- બધાને ટૉર્ચર

  પોલીસની આ નિર્દયતાનો ભોગ બનેલા અનેક લોકોને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પોલીસના ડરથી લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ કેટલાકે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. આ કેસમાં પોલીસે રામકરન સિંઘને મુખ્ય આરોપી બનાવ્યા હતા. આરોપી બનાવીને ટૉર્ચરનો ભોગ બનેલા ગ્રામીણોમાં હિંદુ સમાજના SC/ST, OBC અને સામાન્ય વર્ગના લોકો સામેલ હતા.

  રામકરનના કહેવા પ્રમાણે, પોલીસ દ્વારા માર મારવામાં આવેલા સુખુ, રામ સુમેર અને દધીબલ સિંઘ 6 મહિના સુધી પથારીમાંથી ઉઠી પણ શક્યા નહોતા. આ કેસ હજુ પણ બસ્તી જિલ્લા કોર્ટમાં ચાલી રહ્યો છે. તેના તમામ આરોપીઓ તેમની જમીન અને મિલકત વેચીને અથવા તેમની મહેનતના પૈસા ખર્ચીને કેસ લડી રહ્યા છે.

  40 નામાંકિત આરોપીઓમાંથી લગભગ 20 જેટલા ગ્રામજનો અલગ-અલગ સમયે અલગ-અલગ કારણોસર મૃત્યુ પામ્યા છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં, અન્ય એક ગ્રામીણ હરિલાલ સિંઘે કહ્યું કે તેમને પણ આ જ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.

  પીડિત હરિલાલ સિંઘ

  હરિલાલ દાવો કરે છે કે, તેમને આ વિવાદ સાથે દૂર-દૂર સુધી કોઈ લેવાદેવા નહોતા તેમ છતાં પોલીસે તેમને તેમના ઘરની સામેથી ઝડપી લીધા હતા અને જેલમાં મોકલી દીધા હતા. ત્યારબાદ 16 દિવસ જેલમાં વિતાવ્યા બાદ હરિલાલ સિંઘ જામીન પર બહાર આવી શક્યા હતા. હરિલાલના કહેવા પ્રમાણે, પુરુષો જેલમાં ગયા પછી, તેમના સંબંધીઓ મહિલાઓને તેમના ઘરે લઈ ગયા હતા અને પરિસ્થિતિ એવી બની હતી કે લાંબા સમય સુધી ગામમાં દીવો કરવા માટે પણ કોઈ બચ્યું ન હતું.

  સારું થયું પોલીસને કારસેવકો ના મળ્યા

  રામકરણ સિંઘે જણાવ્યું કે, 1990માં તેઓ એક સ્કૂલના પ્રિન્સિપાલ હતા. પોલીસની આ કાર્યવાહીથી તે અને તેમનો પરિવાર બરબાદ થઈ ગયા હતા. છેલ્લા 34 વર્ષથી ઘણી મહેનત અને મુશ્કેલી બાદ રામકરનનો પરિવાર પાટા પર પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, રામકરણ સિંઘને એ વાતનો સંતોષ છે કે, તે સારું થયું કે પોલીસ બહારના કારસેવકોને પકડી શકી નહીં. નહીંતર તેમની સાથે કેવી ઘટના ઘટિત થાત તેનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે.

  આજે પણ રામના નામે બલિદાન આપવા તૈયાર

  તેમના ગામમાં થયેલા પોલીસના ઉપદ્રવ વિશે રામકરને કહ્યું કે,

  “જે મૃત્યુ પામ્યા, તેઓ સ્વગ્રમાં સિધાવી ગયા. અમારી જેવા જે પણ લોકો જીવિત છે, તેઓ જરૂર પડ્યે રામના નામે બલિદાન આપવા આજે પણ તૈયાર છે.”

  કારસેવકોનો ગુસ્સો પોતાના પર ઉપાડવાને કારણે તેમને અને તેમના પરિવારને જે સહન કરવું પડ્યું તે અંગે રામકરન સિંઘને જરા પણ અફસોસ નથી. રામજન્મભૂમિ પર ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણથી રામકરન અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ છે. તેઓ તે વાતને લઈને ગૌરવાન્તિત છે કે આ કાર્યમાં તેમના પરિવારનો ત્યાગ અને બલિદાન પણ સામેલ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં