Sunday, April 28, 2024
More
    હોમપેજદેશમાથામાં ગોળી મારી, જેલમાં ધકેલ્યા, ટૉર્ચર કર્યા...32 વર્ષ મોત સામે ઝઝૂમ્યા બાદ...

    માથામાં ગોળી મારી, જેલમાં ધકેલ્યા, ટૉર્ચર કર્યા…32 વર્ષ મોત સામે ઝઝૂમ્યા બાદ મૃત્યુ પામ્યા કારસેવક જયરાજ યાદવ: પુત્રીઓએ કહ્યું- રામ મંદિર પિતાને સાચી શ્રદ્ધાંજલિ

    સ્વર્ગસ્થ જયરાજ યાદવનો પરિવાર આજે પણ ભગવાન રામનો ઉપાસક છે. અયોધ્યામાં રામ મંદિર બનવાથી આ પરિવાર ઘણો ખુશ છે. ખુશ્બુ અને ચંચલ યાદવે કહ્યું કે તેમના પિતાએ રામજન્મભૂમિ માટે બલિદાન આપ્યું હતું. આજે જયરાજ યાદવની પુત્રીઓ મંદિરના નિર્માણને તેમના પિતાને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલિ માને છે.

    - Advertisement -

    સોમવારે (22 જાન્યુઆરી, 2024) અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. રામ જન્મભૂમિ માટે 5 સદીના સંઘર્ષ પછી આવેલા આ અવસર પર દેશ અને દુનિયાભરના હિંદુઓ દિવાળી જેવો તહેવાર ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હિંદુ સમાજ એ તમામ બલિદાની રામભક્તોને યાદ કરી રહ્યો છે જેમણે મુગલકાળથી મુલાયમકાળ દરમિયાન રામના નામે પોતાનું બલિદાન આપ્યું હતું. તે રામ ભક્તોમાંના એક હતા કારસેવક જયરાજ યાદવ.

    જયરાજ યાદવને 22 ઓક્ટોબર, 1990ના રોજ બસ્તી જિલ્લાના સાંડપુર ગામમાં ગોળી મારી દેવામાં આવી હતી. કારસેવક જયરાજ યાદવ કારસેવકોની શોધમાં ગામમાં ઘૂસીને અત્યાચાર આચરતી પોલીસ ટીમનો વિરોધ કરી રહ્યા હતા. ગોળી વાગ્યા બાદથી તેઓ સતત બીમાર હતા. આખરે તેમણે મે, 2023માં અંતિમ શ્વાસ લીધા. ઑપઇન્ડિયાએ જયરાજ યાદવના ઘરે જઈને તેમના પરિવારની વર્તમાન સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

    ગરીબીમાં જીવી રહ્યો છે પરિવાર

    બલિદાની કારસેવક જયરાજ યાદવ મૂળ બસ્તી જિલ્લાના હેંગાપુર ગામના રહેવાસી છે. હાલમાં તેમના પરિવારમાં 50 વર્ષના વિધવા રાધા યાદવ સિવાય 1 પુત્ર દુર્ગેશ અને 2 પુત્રીઓ ખુશ્બુ અને ચંચલ છે. જયરાજના તમામ બાળકોની ઉંમર 18થી 24 વર્ષની વચ્ચે છે. જ્યારે ઑપઇન્ડિયાની ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે રાધા અને દુર્ગેશ ક્યાંક બહાર ગયા હતા. જ્યારે બંને પુત્રીઓ ઘરે હાજર મળી આવી હતી. જયરાજનો પરિવાર અત્યંત ગરીબીમાં જીવી રહ્યો છે. ઘરના ઘણા ભાગોમાં પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું નથી. ફ્લોરિંગને બદલે ઈંટના કાંકરા મળી આવ્યા હતા. રસોડાના વાસણો પણ અસ્તવ્યસ્ત હતા. સંજોગો એવા હતા કે બહારગામથી આવતા મુલાકાતીઓ માટે માત્ર તૂટેલા ગ્લાસમાં પાણી આપવામાં આવતું હતું.

    - Advertisement -

    માથામાં મારી હતી ગોળી

    સ્વર્ગસ્થ જયરાજની નાની પુત્રી ખુશ્બુ યાદવે અમને જણાવ્યું કે તેમની માતાએ તેમને બાળપણમાં રામજન્મભૂમિ અંગે તેમના પિતાએ કરેલા કાર્યની વાસ્તવિક ઘટના સંભળાવી હતી. તે સમયે દેશના જુદા જુદા ભાગોમાંથી કારસેવકો સાંડપુર ગામમાં આવતા અને રહેતા હતા. અહીં તેમને ખાવા-પીવાનું આપ્યા બાદ ગ્રામજનો તેમને હોડી દ્વારા નદી પાર કરાવીને અયોધ્યા પહોંચાડતા હતા. આ દરમિયાન કોઈએ પોલીસને કારસેવકો વિશેની જાણ કરી દીધી હતી. 22 ઓક્ટોબર, 1990ના રોજ પોલીસે વહેલી સવારે તેમના ગામમાં દરોડો પાડ્યો હતો.

    કારસેવકો ન મળવાને કારણે જ્યારે મહિલાઓ અને બાળકોને પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવ્યાં ત્યારે ગ્રામજનોએ પોલીસ કાર્યવાહી સામે વિરોધ શરૂ કર્યો હતો. આ વિરોધમાં કારસેવક જયરાજ યાદવ પણ સામેલ હતા. આ વિરોધથી પોલીસ દળમાં નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ અર્ધલશ્કરી દળોની સાથે પોલીસ ફોર્સે પણ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી હતી.

    ખુશ્બુ યાદવ તેમના પિતાને યાદ કરીને રડી પડ્યા હતા. પોતાની જાતને કાબૂમાં રાખીને તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ગોળી તેમના પિતા જયરાજ યાદવના માથામાં ઘૂસી ગઈ હતી. ગોળી વાગતાંની સાથે જ જયરાજ યાદવ ઘાયલ થઈને નીચે પડી ગયા હતા. પોલીસની ટીમ તેમને ઉપાડીને પોતાની સાથે લઈ જવા માટે આગળ વધી રહી હતી. આ દરમિયાન કેટલાક ગ્રામજનો ઘાયલ જયરાજ યાદવને ખભા પર લઈ ગયા અને ગોળીબારથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસે દોડી જઈ જયરાજ યાદવને ગ્રામજનો પાસેથી ઝડપી લીધા હતા.

    જયરાજ યાદવને ઈજાગ્રસ્ત હાલતમાં યોગ્ય સારવાર વિના જ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, અહીંથી જ તેમના માથામાં ઘૂસી ગયેલી ગોળીનો ટુકડો જયરાજ યાદવના મગજમાં પરુ થવા લાગ્યો હતો. ગ્રામજનોનો એવો પણ દાવો છે કે, ઘાયલ હોવા છતાં જયરાજને પોલીસ સ્ટેશનમાં નિર્દયતાથી ટૉર્ચર કરવામાં આવ્યા હતા.

    ગોળી પણ મારી અને આરોપી પણ બનાવ્યા

    મુલાયમ સિંહ યાદવની સરકારે જયરાજ યાદવને બેવડો ફટકો ત્યારે આપ્યો જ્યારે ગામમાં પોલીસ દ્વારા સર્જાયેલા ઉપદ્રવમાં તેમને આરોપી બનાવવામાં આવ્યા. આ કેસ 23 ઓક્ટોબર, 1990ના રોજ તત્કાલિન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દુબૌલિયાની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. લગભગ દરેક જાતિ અને વર્ગના અન્ય ઘણા ગ્રામજનો સાથે જયરાજ યાદવ પર પણ IPC કલમ 147, 149, 307, 332, 333, 353 અને 336 હેઠળ 7 ગુનાહિત કૃત્યોનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

    1990માં જયરાજ યાદવ વિરુદ્ધ દાખલ FIRમાં તેમને ગણાવ્યા આરોપી

    પહેલેથી જ બીમાર હાલતમાં રહેલા જયરાજ યાદવને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમની તબિયત વધુ લથડી ગઈ હતી. જોકે, તેમની સાથે પકડાયેલા અન્ય ગ્રામજનોએ આપેલી હિંમત બાદ તેઓ અમુક અંશે સામાન્ય સ્થિતિમાં ફર્યા હતા. જયરાજ યાદવને ઇજાગ્રસ્ત હાલતમાં લગભગ એક મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. પરિવારજનોએ ગ્રામજનોની મદદથી કોઈક રીતે તેમના જામીન મેળવ્યા હતા. પુત્ર પરના અત્યાચારથી દુઃખી થયેલા મુન્નીલાલ યાદવ પણ થોડા દિવસો પછી અનેક બીમારીઓથી ઘેરાઈ ગયા હતા. આખરે લગભગ 20 વર્ષ પહેલાં જયરાજ યાદવના પિતા મુન્નીલાલનું અવસાન થયું હતું.

    32 વર્ષ સુધી દરરોજ મોત સાથે લડ્યા

    જયરાજની મોટી પુત્રી ચંચલ યાદવે અમને જણાવ્યું કે 1990માં તેમના પિતાને ગોળી મારવામાં આવી ત્યારથી તેમની સતત સારવાર ચાલી રહી હતી. તેમણે જણાવ્યું કે, ગોળીના કેટલાક ટુકડા માથામાં ફસાઈ ગયા હતા. જેના કારણે ખોપરીના એક ભાગમાં પરુ પેદા થયું હતું. ઘણી સારવાર પછી પણ જયરાજ ક્યારેય સંપૂર્ણ સ્વસ્થ થયા ન હતા. તેઓ લગભગ 32 વર્ષ જીવ્યા પરંતુ તેઓ ક્યારેય સામાન્ય થઈ શક્યા નહીં. તેમની બસ્તીથી લઈને લખનૌ સુધી સારવાર કરવામાં આવી હતી પરંતુ તેમના માથામાં ગોળી વાગી હતી તે ક્યારેય તેમને સામાન્ય થવા દેતી નહોતી.

    દિવંગત પિતાને યાદ કરીને આજે પણ રડી પડે છે ચંચલ અને ખુશ્બુ યાદવ

    જયરાજની નાની દીકરી ખુશ્બુ યાદવે અમને જણાવ્યું કે, “પાપાને લગભગ દરરોજ માથાનો દુખાવો થવા લાગતો હતો. તેઓ પીડાથી ચીસો પાડવા લાગતાં હતા. ઘણીવાર તો તેઓ બેભાન પણ થઈ જતાં હતા. તેથી જ તેમને ક્યારેય ક્યાંય પણ એકલા મોકલવામાં આવતા નહોતા. ભાનમાં આવ્યા પછી તેઓ થોડો સમય નોર્મલ રહેતા હતા પરંતુ પછી અચાનક ફરીથી દુખાવો શરૂ થતો હતો.” ખુશ્બુના જણાવ્યા અનુસાર, તેમના પિતાની સારવારમાં તમામ દવાઓ બિનઅસરકારક હતી. આખરે, લાંબા સમય સુધી મૃત્યુ સામે લડ્યા પછી, જયરાજ યાદવનું 29 મે, 2023 ના રોજ અવસાન થયું હતું.

    સારવાર અને કેસમાં વેચાઈ ગયા દાગીના અને જમીન

    સ્વર્ગસ્થ જયરાજ યાદવની નાની પુત્રી ખુશ્બુએ અમને જણાવ્યું કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ આ સમયે ખૂબ જ ખરાબ છે. ઘરમાં ખોરાકની પણ અછત છે. લગભગ 30 વર્ષ સુધી ચાલેલી જયરાજની સારવાર અને કેસના કારણે પરિવારના ઘરેણા અને ખેતરો પણ વેચાઈ ગયાં.

    જયરાજ યાદવના ઘરના અંદરનો ફોટો

    આ સિવાય તેમના માથે લાખો રૂપિયાનું અલગ દેવું પણ થઈ ગયું છે. ઉધાર લેનારા દરરોજ ઘરે આવીને પૈસા માંગે છે. જયરાજ યાદવના આશ્રિતો પાસે થોડાં ખેતરો અને એક ઘર વધ્યું છે. પરિવારનું કહેવું છે કે, જો તે પણ વેચાઈ જશે તો પરિવારે રસ્તા પર સૂવાનો વારો આવશે.

    બનવા માંગતી હતી ડોક્ટર પણ છોડી દીધું ભણતર

    જયરાજ યાદવના ત્રણેય બાળકોએ અભ્યાસ છોડી દીધો છે. પુત્ર દુર્ગેશ યાદવ નાનો-મોટો કામધંધો કરીને પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. સાથે જ બંને પુત્રીઓ ચંચલ અને ખુશ્બુએ પણ પૈસાના અભાવે શાળાએ જવાનું બંધ કરી દીધું છે. ખુશ્બુ યાદવે અમને જણાવ્યું કે, તેણે બાળપણથી જ ડોકટર બનવાનું સપનું જોયું હતું પરંતુ સંજોગોએ તેને શાળાથી દૂર કરી દીધી હતી. ખુશ્બૂએ કહ્યું કે હવે તેની પ્રથમ પ્રાથમિકતા માતાની મદદ કરવાની છે. જોકે, થોડી મદદ મળ્યા પછી, સ્વર્ગસ્થ જયરાજ યાદવની પુત્રીઓ હજુ પણ અભ્યાસ પૂર્ણ કરવા અને તેમના સપના પૂરા કરવા માટે માનસિક રીતે તૈયાર છે.

    સ્વર્ગસ્થ જયરાજ યાદવનો પરિવાર આજે પણ ભગવાન રામનો ઉપાસક છે. અયોધ્યામાં રામ મંદિર બનવાથી આ પરિવાર ઘણો ખુશ છે. ખુશ્બુ અને ચંચલ યાદવે કહ્યું કે તેમના પિતાએ રામજન્મભૂમિ માટે બલિદાન આપ્યું હતું. આજે જયરાજ યાદવની પુત્રીઓ મંદિરના નિર્માણને તેમના પિતાને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલિ માને છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં