Saturday, July 20, 2024
More
  હોમપેજદેશ'કાયદા પર રોક લગાવો': મુસ્લિમ લીગ બાદ હવે અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટના...

  ‘કાયદા પર રોક લગાવો’: મુસ્લિમ લીગ બાદ હવે અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, CAA વિરુદ્ધ કરી અરજી

  નાગરિક સંશોધન અધિનિયમ (CAA)નો વિરોધ કરતા ઓવૈસીએ અરજીમાં કહ્યું છે કે CAA સંવિધાનની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. તેનો હેતુ નાગરિકતા ન આપીને એક અલ્પસંખ્યક (મુસ્લિમો) સમુદાયને નોખો પાડવાનો છે.

  - Advertisement -

  ગત 11 માર્ચે કેન્દ્રની મોદી સરકારે દેશમાં CAA કાયદો લાગુ કરી દીધો. કાયદો લાગુ થતાંની સાથે જ તેને લઈને ભ્રામક દાવાઓ શરૂ થઈ ગયા છે. વિપક્ષ અને વિરોધીઓએ સોશિયલ મીડિયામાં કકળાટ કરી મૂક્યો છે કે આ કાયદો ધર્મના આધારે લાવવામાં આવ્યો છે. જ્યારે હકીકત વિપરીત છે. કાયદો લાગુ થયાના બીજા જ દિવસે કેરળની રાજકીય પાર્ટી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને CAA પર રોક લગાવવાની માંગ કરી હતી. તેવામાં હવે AIMIM અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ સુપ્રીમ કોર્ટમાં CAA વિરુદ્ધ અરજી કરી છે.

  નાગરિક સંશોધન અધિનિયમ (CAA)નો વિરોધ કરતા ઓવૈસીએ અરજીમાં કહ્યું છે કે, CAA બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. તેનો હેતુ નાગરિકતા ન આપીને એક લઘુમતી (મુસ્લિમો) સમુદાયને નોખો પાડવાનો છે. તેમણે કોર્ટમાં અપીલ કરીને કહ્યું કે, કોર્ટ સુનાવણી પૂર્ણ ન કરી દે ત્યાં સુધી આ કાયદાના અમલીકરણ પર રોક લગાવવામાં આવે. કોર્ટ આ મામલે સુનાવણી માટે સહમત થઈ છે અને 19 માર્ચની તારીખ મુકરર કરી છે.

  આ સાથે ઔવેસીએ અરજીમાં કહ્યું છે કે, “સુધારેલો કાયદો બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. આ કલમ 14, 25 અને 21નું ઉલ્લંઘન કરે છે. આવી સ્થતિમાં જ્યાં સુધી આ કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી આ કાયદાના અમલ પર રોક લગાવવી જોઈએ.” તેમણે CAAની સાથે NRCનો મુદ્દો પણ કોર્ટ સમક્ષ ઉઠાવ્યો હતો. તેમણે અરજીમાં કહ્યું છે કે, “CAAનો અમલ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે. CAA પછી દેશમાં NRCનો કાયદો આવી રહ્યો છે. આ બંને કાયદા એકબીજા સાથે જોડાયેલા છે.” સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે, આ આખી યોજના મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવી છે. તેમણે CAAને મુસ્લિમ સમુદાય વિરુદ્ધનું એક ષડયંત્ર ગણાવ્યું છે.

  - Advertisement -

  ઔવેસીની માંગ છે કે, સરકારે નાગરિકતા સંશોધન બિલની કલમ 6B હેઠળ કોઈને પણ નાગરિકતા આપવી જોઈએ નહીં. સાથે તેમણે કહ્યું કે, તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ અને શીખોને નાગરિકા આપવાના વિરોધમાં નથી. પરંતુ તેમણે આ કાયદા દ્વારા મુસ્લિમો ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, “આ કાયદો તમે (સરકાર) એટલા માટે લાવ્યા છો, કારણ કે ભવિષ્યમાં તમે NRP અને NRC લાગુ કરી શકો. ભારતમાં કરોડો મુસ્લિમો રાજ્યવિહીન છે.” સાથે તેમણે કહ્યું કે હૈદરાબાદના લોકો CAA વિરુદ્ધ વોટ કરશે અને ચૂંટણીમાં ભાજપને હરાવશે.

  આ પહેલા મુસ્લિમ લીગે દાખલ કરી હતી અરજી

  ઉલ્લેખનીય છે કે ઓવૈસી પહેલા કેરળની રાજકીય પાર્ટી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નવા નાગરિક સંશોધન અધિનિયમ (CAA) 2024 પર રોક લગાવવાની માંગણી કરી હતી. દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અમુક ધર્મના લોકોને જ માત્ર નાગરિકતા આપવી એ બંધારણની વિરુદ્ધ છે. સાથે જ લીગે આ કાયદાને મુસ્લિમોની વિરુદ્ધનો કાયદો ગણાવ્યો છે.

  મંગળવારે મુસ્લિમ લીગે CAA કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કાયદાની માન્યતા અને તેની કલમ 6Bને પડકારવામાં આવી છે. તે કલમનો ઉદ્દેશ્ય ધાર્મિક અત્યાચારને કારણે 31, ડિસેમ્બર, 2014 પહેલાં ભારતમાં આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈઓને ભારતીય નાગરિકતા આપવાનો છે. મુસ્લિમ લીગે દલીલ કરી છે કે, “કાયદાએ નાગરિકતાને ધર્મ સાથે જોડી છે. ધર્મના આધારે વર્ગીકરણ રજૂ કરવામાં આવ્યું છે. તેથી તે પ્રથમ દ્રષ્ટિએ ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે તે કાયદા પર રોક લગાવી દેવી જોઈએ.”

  અરજીમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, “દેશમાં આ કાયદા થકી શરણાર્થીઓને નાગરિકા આપવામાં આવશે. પરંતુ અમે એ વાતની વિરુદ્ધ છીએ કે, આ કાયદાના અમલ પછી માત્ર મુસ્લિમોને જ નાગરિકતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.” સાથે મુસ્લિમ લીગે આ કાયદાને મુસ્લિમો સાથે ભેદભાવપૂર્ણ પણ ગણાવ્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં