દરવર્ષે ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યા મહામહિમ રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ સંબોધન બાદ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી વિવિધક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓની પસદગી કરવામાં આવે છે. આ વર્ષે પણ દેશભરમાંથી કુલ 132 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આનંદની વાત છે કે તેમાંથી કુલ 8 લોકો ગુજરાતી છે, જેઓને કાળા, તબીબી, સાહિત્ય અને પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં પદ્મ પુરસ્કાર મળવા જઈ રહ્યા છે.
આ 8માંથી 2 ગુજરાતીઓને પદ્મભૂષણ અને બાકીના 6 વ્યક્તિને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી સ્વર્ગસ્થ સાહિત્યકાર હરીશ નાયક એક છે જેમને પદ્મશ્રી પુરસ્કાર મળવા જઈ રહ્યો છે. જ્યારે તબીબી ક્ષેત્રે 87 વર્ષની ઉંમરે પણ સક્રિય રહીને પોતાનું મહામુલુ યોગદાન આપનાર દયાળ પરમારની પણ પસંદગી થવા પામી છે.
8 પુરસ્કૃત ગુજરાતીઓની યાદી
- પદ્મભૂષણ
- ડૉ. તેજસ પટેલ – તબીબી
- કુંદન વ્યાસ – પત્રકારત્વ
- પદ્મશ્રી
- દયાળ પરમાર – તબીબી
- રઘુવીર ચૌધરી – સાહિત્ય અને શિક્ષણ
- યઝદી માણેકશા ઇટાલિયા – તબીબી
- સ્વ. હરીશ નાયક – સાહિત્ય અને શિક્ષણ
- જગદીશ ત્રિવેદી – કાળા
- કિરણ વ્યાસ (રહે. ફ્રાંસ) – યોગ
કેમ અપાય છે પદ્મ સન્માન
ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન બાદ દેશના સૌથી મોટા સન્માન છે. આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ત્રણ શ્રેણીમાં અપાય છે- પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. દેશમાં 1954થી આ પુરસ્કારો આપવાની પ્રથા શરૂ કરાઈ હતી.
આ પુરસ્કારો ભારતના અને વિદેશના એવા ખાસ વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે પોતાના ક્ષેત્રમાં કોઇ વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હોય અને તેમાં લોકસેવાનો મોટો ભાવ હોય.
દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ આ પુરસ્કારો જાહેર કરવામાં આવે છે અને બાદમાં 60થી 90 દિવસોમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક ખાસ સન્માન સમારોહ યોજીને વિજેતાઓને તે એનાયત કરવામાં આવે છે.