Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતકોણ છે કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ, જેઓ રાજ્યસભામાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

    કોણ છે કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ, જેઓ રાજ્યસભામાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

    કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેરના વર્તમાન રાજવી છે. 41 વર્ષીય નેતા રાજવી પરિવારમાંથી આવે છે જેમના પરિવારના અનેક સભ્યો ભૂતકાળમાં સાંસદો, ધારાસભ્યોથી માંડીને મંત્રી રહી ચૂક્યા છે.

    - Advertisement -

    ગુજરાતની કુલ 11માંથી 3 રાજ્યસભા બેઠકો ખાલી થઇ રહી છે. જેથી ચૂંટણી પંચે ત્રણેય પર ચૂંટણી જાહેર કરી છે. કાર્યક્રમ અનુસાર 24 જુલાઈએ ચૂંટણી થશે. જોકે ગુજરાતમાં મતદાન થાય તેવી કોઈ શક્યતા નથી કારણ કે ત્રણેય ભાજપ ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. ત્રણમાંથી એક બેઠક વિદેશ મંત્રી એસ જયશંકરની હતી, જેની ઉપર તેમને જ ફરી રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની બે બેઠક પર નવાં નામો જાહેર થયાં છે- કેસરીદેવસિંહ ઝાલા અને બીજા બાબુભાઈ દેસાઈ. બંને નેતાઓએ બુધવારે (12 જુલાઈ, 2032) ફોર્મ પણ ભરી દીધું હતું. 

    કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેરના વર્તમાન રાજવી છે. 41 વર્ષીય નેતા રાજવી પરિવારમાંથી આવે છે જેમના પરિવારના અનેક સભ્યો ભૂતકાળમાં સાંસદો, ધારાસભ્યોથી માંડીને મંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2021માં પિતા અને વાંકાનેર સ્ટેટના રાજવી દિગ્વિજયસિંહ ઝાલાનું અવસાન થયા બાદ માર્ચ, 2022માં કેસરીદેવસિંહ ઝાલાનો વાંકાનેરના રાજવી તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તેઓ રજવાડાના 16મા મહારાજા છે. ઉલ્લેખનીય છે કે 1947માં દેશ સ્વતંત્ર થયા બાદ રજવાડાંનું વિલીનીકરણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ રજવાડાંએ હજુ પણ રાજ્યાભિષેક સહિતની પરંપરા જાળવી રાખી છે. 

    5 નવેમ્બર, 1982ના રોજ જન્મેલા દિગ્વિજયસિંહ ઝાલા વાંકાનેર શિક્ષણ મંડળી સંચાલિત શ્રી અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ છે. ઉપરાંત, આઠ વર્ષથી તેઓ સમસ્ત હિંદુ સમાજ જન્માષ્ટમી ઉત્સવ સમિતિ, વાંકાનેરના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓ વાંકાનેર સ્થિત મહારાણી સાહેબા રમાકુંવરબા રાજપૂત કન્યા હોસ્ટેલના ટ્રસ્ટી છે તેમજ અન્ય પણ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ વાંકાનેર ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન સાથે પણ જોડાયેલા છે. તેઓ વાંકાનેરની સ્પોર્ટ્સ એકેડમીના પણ ચેરમેન છે, જ્યાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્પોર્ટ્સની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ ડ્રાઈવ, સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ વગેરેનું આયોજન કરતા રહે છે. 

    - Advertisement -
    કેસરીદેવસિંહનું ભાજપમાં સ્વાગત કરતા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી (તસ્વીર સાભાર- Kesridevsinh Wankaner/Facebook)

    કેસરીદેવસિંહ ઝાલા વર્ષ 2011માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાંકાનેરમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું અને આ દરમિયાન અનેક રાજવી પરિવારોના સભ્યો હાજર રહ્યા હતા. કેસરીદેવસિંહ ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લાના સંગઠનના પ્રમુખ રહી ચૂક્યા છે. 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે તેમને વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી અને ઉમેદવારોની પસંદગીમાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં પણ તેમણે પાર્ટી માટે કામ કર્યું હતું અને સંગઠન મજબૂત કરવામાં ભૂમિકા ભજવી હતી. 

    કેસરીદેવસિંહ ઝાલાના દાદા પ્રતાપસિંહ ઝાલા 1952થી 1957 દરમિયાન વાંકાનેરના ધારાસભ્ય રહ્યા હતા. તેમના પિતા દિગ્વિજયસિંહ 1962થી 1967 સુધી અપક્ષ ધારાસભ્ય રહ્યા હતા. 1971માં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 1979માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 1979થી 1989 સુધી બે ટર્મ સાંસદ રહ્યા. ઇન્દિરા ગાંધીની સરકારમાં ત્યારે અલગથી પર્યાવરણ મંત્રાલય બનાવવામાં આવ્યું હતું અને 1982માં દિગ્વિજયસિંહ દેશના પહેલા પર્યાવરણ મંત્રી બન્યા હતા.  જોકે, ઇન્દિરા ગાંધીના નિધન બાદ તેમણે રાજકારણમાં સક્રિયતા ઘટાડી દીધી હતી. કેસરીદેવસિંહના કાકા જનકદેવસિંહ ઝાલા પણ 1975થી 1980 સુધી વાંકાનેરના ધારાસભ્ય રહ્યા હતા. 

    બાબુભાઈ દેસાઈ 

    કેસરીદેવસિંહ ઉપરાંત રાજ્યસભામાં ભાજપના બીજા ઉમેદવાર બાબુભાઈ દેસાઈ મૂળ બનાસકાંઠાના કાંકરેજના વતની છે અને હાલ અમદાવાદ રહે છે. તેઓ 2007થી 2012 સુધી કાંકરેજથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ખેતી અને પશુપાલન કરે છે તેમજ બાંધકામના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. તેઓ અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. 

    તેઓ દ્વારકેશ ફાઉન્ડેશન, જનતા હોસ્પિટલ (પાટણ), હરિહર મહારાજ કામધેનુ ગૌસેવા આશ્રમ ધાર્મિક ટ્રસ્ટ (અમદાવાદ), ગોપાલક કન્યા કેળવણી મંડળ, દેવદરબાર આશ્રમ (ઇડર), નીલકંઠ વિદ્યાલય, બાળ પુસ્તકાલય સહિતની સંસ્થાઓ-ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અનેક મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને દાન આપવા તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે જાણીતા છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરમાં દાન આપવાને લઈને તેઓ વધુ જાણીતા છે. 

    ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં પણ તેમણે લાંબો સમય કામ કર્યું છે અને અનેક ચૂંટણીઓમાં અગત્યની ભૂમિકા ભજવી છે. જેને જોતાં પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. 

    એસ જયશંકર, કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ- આ ત્રણેય ઉમેદવારોએ ફોર્મ ભરી દીધાં છે, જે પરત ખેંચવાની અંતિમ તારીખ 17 જુલાઈ છે. ત્યાં સુધીમાં સામે કોઈ ફોર્મ ભરાય તેની શક્યતા નહિવત છે કારણ કે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી જ ઉમેદવારી ન કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ્યસભાની ચૂંટણી માટે ધારાસભ્યો મતદાન કરે છે અને ગુજરાતમાં એક રાજ્યસભા બેઠક જીતવા 46 ધારાસભ્યોના મતની જરૂર પડે છે અને કોંગ્રેસ પાસે છે ઘણીને 17 ધારાસભ્યો. જ્યારે ભાજપ પાસે 156નું સંખ્યાબળ છે, જેથી ચૂંટણી થાય તો ત્રણેય ઉમેદવાર સરળતાથી જીતી જાય તેમ છે. 17મી સુધીમાં કોઈ ઉમેદવારી ન થાય ત્યારબાદ ત્રણેયને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. જેથી 24મીએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન નહીં થાય. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં