17 સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. PM મોદીના પ્રશંસકો દેશભરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમના વતન ગુજરાતમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. PM મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં લગભગ 1,000 રિક્ષાચાલકો તેમના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર આપી રહ્યા છે.
આ વિશેની માહિતી સુરત પશ્ચિમ બેઠકના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે PM મોદીના જન્મદિવસ પર 1,000 રિક્ષાચાલકોએ ગ્રાહકોને 30% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે અને 73 રિક્ષાચાલકોએ 100% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ધારાસભ્યે આ નિર્ણય બદલ તમામ રિક્ષાચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે તેમણે ઉમેર્યું કે ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત સુરતમાં અન્ય ઘણા વ્યાપરીઓ અને ઉદ્યોગપતિઓએ પણ PM મોદીના જન્મદિવસ પર ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.
#WATCH | Surat, Gujarat: "1000 auto-rickshaw drivers have announced a 30% discount on PM Modi's birthday. I would like to thank 73 auto-rickshaw drivers who are offering 100% discount on the 73rd birthday of PM Modi," says Gujarat MLA Purnesh Modi on PM Modi's birthday pic.twitter.com/I6TKx37Uob
— ANI (@ANI) September 16, 2023
રવિવારે ભાજપ MLA પૂર્ણેશ મોદીએ સુરતના વીર સાવરકર સર્કલ ખાતેથી આ પ્રકારની રિક્ષાઓનું પ્રસ્થાન કરાવ્યું હતું. દરમ્યાન, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. તેમણે સહકાર બદલ રિક્ષાચાલકોનો આભાર માન્યો તો સાથે આ ઓફરનો લાભ લેવા માટે લોકોને અપીલ કરી હતી.
અનેક જગ્યાએ મળશે ડિસ્કાઉન્ટ
PM મોદીના જન્મદિવસ નિમિત્તે રિક્ષાચાલકો દ્વારા અપાયેલા ડિસ્કાઉન્ટ ઉપરાંત રાજ્યભરમાં વિવિધ દુકાનો, ઉદ્યોગોમાં પણ ખાસ ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે. સુરતમાં હરિઓમ ખમણ સેન્ટરે પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર રાખી છે. એ સિવાય સુરતની ઝઘડિયા ચોકડી પાસે રબારી સમાજ દ્વારા વિનામૂલ્યે ખીરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં રાંદેર વિસ્તારની 200 દુકાનોએ ડિસ્કાઉન્ટ બજાર ઊભું કર્યું છે. તે ઉપરાંત જાણીતા ઇલેક્ટ્રિક શો-રૂમ દ્વારા પણ ટીવી, ફ્રીઝ,એસી, વોશિંગ મશીન સહિતની પ્રોડકટ પર 75% ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જેટલી હોટેલો સહિત ડેરી, મીઠાઈની દુકાનો, મેડિકલ સ્ટોર વગેરેમાં પણ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
સુરતના ગૌરવપથ રોડની એક ખાનગી હોસ્પિટલે PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સગર્ભાની ફ્રી ડિલિવરીની જાહેરાત કરી છે. એ ઉપરાંત શહેરની ઘણી હોસ્પિટલોમાં ઓપીડી વિનામૂલ્યે ચલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી (BJP) ‘સેવા પખવારા’ નામનું બે અઠવાડિયાનું અભિયાન શરૂ કરશે. આ અભિયાન દરમિયાન ભાજપના સભ્યો, કાર્યકર્તાઓ રકતદાન શિબિર, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય શિબિર જેવા સેવાકીય કાર્યક્રમોમાં ભાગ લેશે.