આગામી રવિવારથી (15 ઓક્ટોબર, 2023) નવરાત્રિ શરૂ થઈ રહી છે તે પહેલાં આણંદના ઉમરેઠમાં એક હિંદુ મંદિર પર પથ્થરમારો થવાની ઘટના ઘટી છે. મંદિર પર લગાવવામાં આવેલો ભગવો ધ્વજ કાઢીને ફેંકી દેવામાં આવ્યો હતો તેમજ શિવલિંગ અને નંદીની મૂર્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ કૃત્યને અંજામ કોણે આપ્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ હાલ તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના આણંદના ઉમરેઠમાં સ્થિત ઓડ બજાર પાસેના તળાવના કાંઠે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરની છે. બુધવારે (11 ઓક્ટોબર) રાત્રે અહીં અમુક અજાણ્યા ઈસમોએ મંદિર પર પથ્થરમારો કર્યો હતો. સોશિયલ મીડિયા પર અમુક વીડિયો ફરતા થયા છે, જેમાં મંદિરની આસપાસ પથ્થર અને ઇંટ જોવા મળે છે.
આણંદના ઉમરેઠમાં એક શિવમંદિર પર હુમલાની ઘટના સામે આવી
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 12, 2023
– પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પર મોટા મોટા પથ્થરો ફેંકાયા, નંદી મહારાજની મૂર્તિ ખંડિત
– સ્થાનિકોનો દાવો, ભગવાનની મૂર્તિ ખંડિત કરવાનો પણ થયો પ્રયાસ
– ભગવા ધ્વજને નાળામાં ફેંકી દેવાયો
– પુજારીની ફરિયાદ બાદ પોલીસ અજ્ઞાત… pic.twitter.com/ExXqtc73JR
ગુરૂવારે સવારે જ્યારે પૂજારી અને અન્ય ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે તેમણે આ પથ્થર જોયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. જાણવા મળ્યા અનુસાર, આ હુમલામાં શિવલિંગને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઉપરાંત, ત્યાં લગાવવામાં આવેલા ભગવા ધ્વજનું પણ અપમાન કરવામાં આવ્યું. બીજા દિવસે સવારે ધ્વજ ન દેખાતાં ભક્તોએ શોધખોળ કરી તો એક ગટરમાંથી મળી આવ્યો હતો.
સ્થાનિકોએ ઑપઈન્ડિયાને જણાવ્યું- શું બન્યું હતું
ઑપઇન્ડિયાએ સ્થાનિક સૂત્રોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે, મંદિર જ્યાં આવેલું છે ત્યાં હિંદુ-મુસ્લિમ બંને સમુદાય વસવાટ કરે છે અને થોડાં વર્ષો અગાઉ પણ આવું છમકલું થયું હતું, જેના કારણે મંદિરની ફરતે ફેન્સિંગ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત, મંદિર પાસે દરરોજ રાત્રે હિંદુ યુવાનો પણ બેસે છે.
જાણવા મળ્યા અનુસાર, ઘટનાની રાત્રે 11 વાગ્યા સુધી હિંદુ યુવાનો મંદિરે બેઠા હતા. તેઓ રવાના થયા બાદ 12 વાગ્યા પછી મંદિર પર પથ્થરો મરવામાં આવ્યા અને ત્યાં લગાવવામાં આવેલો ભગવો ધ્વજ તોડીને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો. ઉપરાંત, ભગવાનના શિવલિંગને પણ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ જાળી લાગેલી હોવાના કારણે મોટા પથ્થર જઈ શક્યા ન હતા. વીડિયોમાં ગર્ભગૃહમાં પણ નાના પથ્થરો જોવા મળે છે. જ્યારે મંદિરની બહાર સ્થાપવામાં આવેલી નંદીની મૂર્તિને પણ નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ પથ્થરની મૂર્તિ સરળતાથી તૂટી ન હતી.
સ્થાનિક હિંદુઓએ આરોપ ત્યાંના મુસ્લિમ યુવકો પર લગાવ્યો છે અને કહ્યું કે, ચાર યુવાનોમાં આમાં સામેલ હતા. જોકે, તેમની ઓળખ થઈ શકી નથી.
ત્રણ-ચાર દિવસ પહેલાં લગાવ્યા હતા ભગવા ધ્વજ, 200 મીટર દૂર આવેલી છે એક દરગાહ
ઑપઈન્ડિયાએ મંદિરના પૂજારીનો પણ સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, રાત્રિના સમયે મંદિર પર પથ્થરમારો થયો હતો. ત્યાંથી 200 મીટરના અંતરે જોરાવર બાવાની દરગાહ છે. ત્રણ ચાર દિવસ પહેલાં મંદિરમાં ભગવા ધ્વજ લગાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે મંદિરમાં પથ્થર મરવામાં આવ્યા. મંદિરના ગુંબજ પર પણ ઈંટો ફેંકવામાં આવી. એક ભગવો ધ્વજ પાછળના ગેટ પર લગાવવામાં આવ્યો હતો, તેને તોડીને નાળામાં ફેંકી દેવામાં આવ્યો.
તેમણે ઉમેર્યું કે, આ મામલે તેમણે પોલીસને ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પૂજારીએ કહ્યું કે, નવરાત્રિ નજીક છે ત્યારે જ આ પ્રકારની ઘટના બની છે, જે મામલે કડક તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
પોલીસે કહ્યું- ફરિયાદ મળી છે, હાલ તપાસ ચાલુ
ઘટનાને લઈને પોલીસનું કહેવું છે કે હજુ આ મામલે તપાસ ચાલી રહી છે. ઑપઇન્ડિયાએ સંપર્ક કરતાં ઉમરેઠ પોલીસ મથકના PSI ઘનશ્યામસિંહ પાવરાએ જણાવ્યું કે, ‘મંદિરની બહાર ઈંટોના ટુકડા પડેલા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, આ પીધેલા તત્વોનું કામ હોય તેવું પણ અમને લાગે છે કારણ કે મંદિરના ગર્ભગૃહમાં પથ્થરો ફેંકવામાં આવ્યા હોય તેમ નથી કે મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ લાગતો નથી. હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી. હાલ તપાસ ચાલી રહી છે.’ જોકે, વાયરલ વીડિયોમાં મંદિરના ગર્ભગૃહમાં પણ પથ્થરના નાના ટુકડા જોવા મળે છે, જે સંભવતઃ જાળીના કારણે બહાર અટકી ગયેલા પથ્થરના જ ટુકડાઓ હોય શકે. જોકે, સાચી હકીકત તપાસ બાદ જ સામે આવી શકશે.