Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતસુરતથી અયોધ્યા જતી 'આસ્થા સ્પેશિયલ' ટ્રેન પર નંદુરબારમાં પથ્થરમારો, રેલવે પોલીસે શરૂ...

    સુરતથી અયોધ્યા જતી ‘આસ્થા સ્પેશિયલ’ ટ્રેન પર નંદુરબારમાં પથ્થરમારો, રેલવે પોલીસે શરૂ કરી તપાસ: મુસાફર રામભક્તોએ ઑપઇન્ડિયાને જણાવ્યું- શું બન્યું હતું

    હિંદુ સંગઠનના કાર્યકર્તાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, "નંદુરબાર પહોંચતાંની સાથે જ જેવી ટ્રેન ઉભી રહી કે તરત અમે રેલ્વે સુરક્ષા દળને ઘટના વિશે જાણ કરી. પોલીસે તાત્કાલિક કામગીરી શરૂ કરી અને જ્યાં પથ્થર અંદર આવ્યો ત્યાં આવીને તપાસ કરી હતી. ટ્રેનને થોડો સમય ત્યાં રોકાવું પડ્યું અને બાદમાં રવાના કરવામાં આવી."

    - Advertisement -

    અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ ગુજરાતના રામભક્તો માટે સરકાર ‘આસ્થા સ્પેશિયલ’ ટ્રેન દોડાવી રહી છે. રવિવારે (11 ફેબ્રુઆરી, 2024) સુરતથી હિંદુ સંગઠનોના 1344 સ્વયંસેવકોને લઈને એક ટ્રેન અયોધ્યા જવા માટે ઉપડી હતી. આ ટ્રેન નંદુરબાર સ્ટેશને પહોંચે તે પહેલાં જ રાત્રે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો થયા બાદ આ મામલે GRP અને RPFએ તપાસ શરૂ કરી છે. બીજી તરફ, તેમાં સવાર હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ ઑપઇન્ડિયાને ઘટના વિશે જાણકારી આપી છે.

    મળતી માહિતી અનુસાર, રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે રવિવારે રાત્રે 8 વાગ્યે સુરતથી અયોધ્યા જતી આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. ટ્રેન સાડા નવ-પોણા દસના અરસામાં મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર પહોંચી ત્યારે સ્ટેશન નજીક તેની ઉપર પથ્થર વરસાવવામાં આવ્યા હતા. ટ્રેન પર પથ્થર મારવામાં આવતાં અંદર સવાર મુસાફરો ચેતી ગયા અને તાત્કાલિક પોતાનો બચાવ કરવા હરકતમાં આવી ગયા હતા. ટ્રેનના તમામ બારી-દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છતાં અમુક પથ્થરો અંદર આવી ગયા હતા. ત્યારબાદ ટ્રેન નંદુરબાર સ્ટેશને પહોંચી, જ્યાં તેને પોણો કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી.

    વિશ્વ હિંદુ પરિષદના ઈન્ચાર્જે જણાવ્યું શું બન્યું હતું

    આ ઘટના વિશે માહિતી લેવા ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના સુરત વિભાગ મંત્રી અને આ ટ્રેન યાત્રાના ઇન્ચાર્જ નિલેશ અકબરી સાથે વાત કરી. તેમણે અમને જણાવ્યું કે, “સુરતથી નીકળીને ટ્રેન અયોધ્યા તરફ રવાના થઈ અને લગભગ સાડા નવ-પોણા દસ વાગ્યે નંદુરબાર સ્ટેશન પહોંચી. નંદુરબારના અડધો-પોણો કિલોમીટર પહેલાં S7, S11 અને S12 એમ ત્રણ કોચ પર પથ્થર મારવામાં આવ્યા. જેમાંથી S7 પર મારવામાં આવેલો પથ્થર કોચમાં આવી ગયો હતો.”

    - Advertisement -

    વધુમાં તેમણે જણાવ્યું કે, “નંદુરબાર પહોંચતાંની સાથે જ જેવી ટ્રેન ઉભી રહી કે તરત અમે રેલ્વે સુરક્ષા દળને ઘટના વિશે જાણ કરી. પોલીસે તાત્કાલિક કામગીરી શરૂ કરી અને જ્યાં પથ્થર અંદર આવ્યો ત્યાં આવીને તપાસ કરી હતી. ટ્રેનને થોડો સમય ત્યાં રોકાવું પડ્યું અને બાદમાં રવાના કરવામાં આવી. આ ઘટનામાં કોઈને વાગ્યું નથી અને કોઈ ટોળાં થયા હોય તેવું પણ ધ્યાને નથી આવ્યું. અંધારાનો લાભ લઈને કોઈએ કાંકરીચાળો કર્યો હોય તેવું લાગી રહ્યું છે.”

    અયોધ્યા જતી જે ટ્રેન પર પથ્થરમારો થયો તેમાં કેટલા યાત્રીઓ છે અને કોણ યાત્રા કરી રહ્યું છે તેના જવાબમાં અકબરીએ જણાવ્યું કે, “હાલ આ ટ્રેનમાં કુલ 1344 રામભક્તો યાત્રા કરી રહ્યા છે. આ તમામ લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિત અનેક હિંદુ સંગઠન સાથે જોડાયેલાં છે. હાલ યાત્રા શાંતિપૂર્વક ચાલી રહી છે. અમે આજે રાત્રે લગભગ 9 વાગતાં અયોધ્યા પહોંચી જઈશું.” બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલે GRPએ જણાવ્યું હતું કે પથ્થર મારનાર અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

    હિંદુ કાર્યકર્તાઓએ કહ્યું- કોઇ બાબતનો ડર નહીં, એ જ ઉત્સાહ સાથે ભગવાનના દર્શને જઈશું

    આ સિવાય પણ ઑપઇન્ડિયાએ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય કેટલાક હિંદુ સંગઠનના કાર્યકર્તાઓનો પણ સંપર્ક કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર પણ કોઈ ઈજાગ્રસ્ત નથી થયું. ઘટનાને લઈને ટ્રેનને નંદુરબાર ખાતે થોડો સમય રોકાવું પડ્યું હતું, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ તરત ટ્રેનને રવાના કરવામાં આવી હતી. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર આ ઘટનાથી તેમના ઉત્સાહમાં કોઈ જ ઘટાડો નથી થયો અને તેમને કોઈ ડર પણ નથી. તેઓ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ભગવાન શ્રીરામલલાના દર્શન કરવા જઈ રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં