Sunday, May 19, 2024
More
    હોમપેજગુજરાતસેમિકોન ઇન્ડિયા- 2023: 28 જુલાઈએ ગાંધીનગરમાં પીએમ મોદી કરશે ઉદ્ઘાટન, શું છે...

    સેમિકોન ઇન્ડિયા- 2023: 28 જુલાઈએ ગાંધીનગરમાં પીએમ મોદી કરશે ઉદ્ઘાટન, શું છે આ કાર્યક્રમ, ગુજરાતમાં કેમ યોજાય રહ્યો છે?- તમે જાણવા માંગો છો એ બધું જ 

    ત્રણ દિવસના આ કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, એસેમ્બલિંગ, ચિપ ડિઝાઇન વગેરે ક્ષેત્રોમાં બહોળો અનુભવ ધરાવતા વિશ્વભરના નિષ્ણાતો ભાગ લઈને પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કરશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. શુક્રવારે (28 જુલાઈ, 2023) તેઓ પાટનગર ગાંધીનગરમાં આયોજિત ‘સેમિકોન ઇન્ડિયા- 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 

    સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશ્યથી ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પરિસરમાં ઉદ્ઘાટન બાદ 30 જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં દુનિયાભરમાંથી સેમીકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતો ભાગ લેશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગે પ્રેઝન્ટેશન યોજવામાં આવશે તેમજ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો પેનલ ચર્ચા પણ કરશે. રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ હોવાના કારણે તેનાથી સેમીકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ, ટેક્નોલોજી પ્રદર્શન અને વેપાર માટેની તકોનો સવિશેષ લાભ મળશે. 

    આ ક્ષેત્રના અનેક નિષ્ણાતો અને કંપનીઓ ભાગ લેશે

    ત્રણ દિવસના આ કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, એસેમ્બલિંગ, ચિપ ડિઝાઇન વગેરે ક્ષેત્રોમાં બહોળો અનુભવ ધરાવતા વિશ્વભરના નિષ્ણાતો ભાગ લઈને પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કરશે. જાણવા મળ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઈબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમીકન્ડક્ટર્સ, એસી માઈક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.

    - Advertisement -

    આ કાર્યક્રમ હેઠળ એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન થઇ ચૂક્યું છે. મંગળવારે (25 જુલાઈ, 2023) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રદર્શનમાં સેમીકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ડેવલ્પર્ટમેન્ટમાં ભારતની ગ્લોબલ પાવરહાઉસ બનવા તરફની સફરને પ્રદર્શિત કરવામાં આવશે. અહીં 150 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં વિશ્વની 80 ટોચની કંપનીઓ તેમનાં ઉત્પાદનો રજૂ કરશે. પ્રદર્શનમાં 25 સ્ટાર્ટઅપ્સ પણ ભાગ લઇ રહ્યાં છે. અહીં વિશ્વના 23 દેશો સિવાય યુપી જેવાં રાજ્યોના પણ સ્ટોલ હશે. આ ઉપરાંત SCL, સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ISRO જેવી સંસ્થાઓ પણ ભાગ લઇ રહી છે તો ગુજરાતની મોટી યુનિવર્સીટીઓ પણ જોડાશે. 

    ગાંધીનગરમાં કેમ યોજાય રહ્યો છે કાર્યક્રમ?

    આ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા યોજાય રહ્યો છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે અન્ય કોઈ રાજ્ય નહીં અને ગુજરાતની જ પસંદગી કેમ કરવામાં આવી? આ પાછળ પહેલું અને મોટું કારણ એ છે કે ગુજરાત સેમીકન્ડકટર પોલિસી જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકારે વર્ષે 2022માં સેમીકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સેમીકન્ડક્ટર પોલિસી 2022-27 જાહેર કરી હતી, જેની સાથે આમ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હતું. આ સિવાય સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ડિઝાઇન ક્ષેત્ર માટે IT પોલિસી પણ જાહેર કરી છે. 

    બીજું એક કારણ એ છે કે રાજ્ય સરકારે સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી સાથે ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે MoU સાઈન કર્યા છે. આ ફેસિલિટી શરૂ કરવા માટે અમદાવાદ નજીકના સાણંદની પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા ત્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જૉ બાયડને માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં સેમીકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ માર્કિંગ અને પેકેજીંગ ફેસિલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં આ કંપની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે અને મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. 

    એ પણ નોંધનીય છે કે કમર્શિયલ, ફાયનાન્સિયલ અને આઇટી હબ ગિફ્ટ સિટી પણ ગાંધીનગરમાં જ નિર્માણાધીન છે. પીએમ મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે. જેને ગ્લોબલ ફાયનાન્સિયલ હબ તરીકે વિકસાવવામાં આવી રહી છે. જેના કારણે ભારતના આર્થિક, ઔદ્યોગિક, બેકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં વિકાસની નવી તકો ખુલશે. આ કારણે સેમિકોન ઇન્ડિયા- 2023 માટે ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં