Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાત353 કરોડના ખર્ચે બનેલા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે PM...

    353 કરોડના ખર્ચે બનેલા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે PM મોદી, એર કનેક્ટિવિટી સાથે મુસાફરોની સુવિધા પણ વધશે

    સુરત અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા આ નવા ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના (લાકડાના) પ્રાચીન ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવ્યો છે

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સુરતમાં 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં PM મોદી સાથે અન્ય ઘણા નેતાઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, એરપોર્ટ ઓથોરીટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓ સહિતના લોકો હાજર રહેશે. નોંધનીય છે કે સુરત એરપોર્ટને 15 ડિસેમ્બરે જ કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો છે.

    રવિવારે (17 ડિસેમ્બર) PM નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સુરત એરપોર્ટ હાલમાં દિલ્હી, ચેન્નાઈ, બેંગલોર, કોલકાતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પૂણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો સાથે જોડાયેલું છે. એ ઉપરાંત ઈન્ટરનેશનલ રીતે એરપોર્ટ શારજાહ સાથે જોડાયેલું છે. સુરત એરપોર્ટ પર એક અઠવાડિયામાં 252થી વધુ પેસેન્જર ફ્લાઇટની અવરજવર થાય છે. હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. તેથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત ક્ષેત્રીય વિકાસના અવસરો પણ ઊભા થશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડિંગથી મુસાફરોની સુવિધામાં પણ વધારો થશે.

    સુરત અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ થશે ઉજાગર

    સુરત અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા આ નવા ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના (લાકડાના) પ્રાચીન ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવ્યો છે. ટર્મિનલના અંદરના ભાગમાં રોગનની સ્થાનિક કલાકૃતિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    આ ઉપરાંત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સી ટ્રેકનું બાંધકામ જેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

    એરપોર્ટની સુવિધામાં કરાશે વધારો

    એરપોર્ટમાં મુસાફરો માટે 20 ચેક-ઇન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર, 500 કાર પાર્ક થઈ શકે તેવું ભવ્ય પાર્કિંગ જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એરપોર્ટના વિસ્તરણ બાદ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપી શકાશે. નોંધનીય છે કે સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ 8474 ચોરસ મીટર છે. એરપોર્ટની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જે કુલ 17,046 મીટર છે. 17 ડિસેમ્બરે PM મોદીના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ કરવામાં આવશે. જે બાદ ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25,520 ચોરસ મીટર થઈ જશે.

    ઉલ્લેખનીય છે કે સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં સુરતનું નામ મોખરે છે. જ્યારે હવે સુરતને ઈન્ટરનેશલ એરપોર્ટ મળવાથી આર્થિક વૃદ્ધિમાં પણ વધારો જોવા મળશે. એ ઉપરાંત વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં પણ એરપોર્ટ મહત્વનો ભાગ ભજવશે. દેશવિદેશના વ્યાપરીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ પૂરી પાડશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફલાઈટ શરૂ થઈ શકશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં