Saturday, June 22, 2024
More
  હોમપેજગુજરાતવડોદરાના બોટ અકસ્માત મામલે બાર એસોસિએશનનો નિર્ણય- આરોપી પક્ષે કોઈ વકીલ કેસ...

  વડોદરાના બોટ અકસ્માત મામલે બાર એસોસિએશનનો નિર્ણય- આરોપી પક્ષે કોઈ વકીલ કેસ નહીં લડે: 12 બાળકો અને 2 શિક્ષકોનાં થયાં હતાં મોત

  એસોસિએશને જણાવ્યું હતું કે, "ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે અને તેમાં જે નિર્દોષ ભૂલકાંએ જીવ ગુમાવ્યો છે, તેમાં જે કસુરવાર આરોપીઓ સામે FIR થઇ છે, તે આરોપીઓ તરફે કોઈ પણ પ્રકારનું વકીલાતનામું મૂકે નહીં."

  - Advertisement -

  વડોદરાના હરણી તળાવ અકસ્માત મામલે આરોપી પક્ષે કોઈ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય વડોદરા બાર એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. વકીલ મંડળે માત્ર વડોદરા જ નહીં પરંતુ ગુજરાતના કોઈ પણ વકીલને આરોપીઓના કેસ ન લડવા માટે અપીલ કરી છે. એસોસિએશનના અગ્રણીઓએ આ મામલે રીતસર ચીમકી ઉચ્ચારીને કહ્યું હતું કે જો કોઈ વકીલ કેસ લડશે તો તેને સાંખી નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરી, 2024ના રોજ વડોદરાના હરણી ખાતે આવેલા તળાવમાં પ્રવાસે ગયા હતા જ્યાં બોટ પલટતાં 12 બાળકો અને 2 શિક્ષકોનાં મોત થયાં હતાં.

  અહેવાલોમાં જણાવ્યા અનુસાર, વડોદરાના હરણી તળાવ અકસ્માત મામલે બાર એસોસિએશને આરોપીઓ પક્ષે કેસ ન લડવાનું કહીને અન્ય શહેરના વકીલોને પણ વકીલાત ન કરવા જણાવ્યું હતું. એસોસિએશને જણાવ્યું હતું કે, “ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે અને તેમાં જે નિર્દોષ ભૂલકાંએ જીવ ગુમાવ્યો છે, તેમાં જે કસુરવાર આરોપીઓ સામે FIR થઇ છે, તે આરોપીઓ તરફે કોઈ પણ પ્રકારનું વકીલાતનામું મૂકે નહીં. તેમના રિમાન્ડ હોય કે જામીનમુક્તિની પ્રક્રિયા હોય, વડોદરા બાર એસોસિએશનનો એક પણ વકીલ તેમાં ભાગ નહીં ભજવે તેવી વડોદરાના તમામ વકીલો સર્વાનુમતે સહમત થયા છે.”

  શું હતી આખી ઘટના

  ઉલ્લેખનીય છે કે વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત ન્યૂ સનરાઈઝ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે કુલ 82 લોકો હરણી ખાતે આવેલા મોટનાથ તળાવના પ્રવાસે ગયા હતા. જ્યાં બોટની ક્ષમતા 14 સીટની હોવા છતાં બોટ સંચાલકોએ નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 31 લોકોને બોટમાં બેસાડ્યા હતા. જેમાં 23 બાળકો, 4 શિક્ષકો અને બીજો 4 જણાનો સ્ટાફ હતો. ક્ષમતા કરતાં વધારે વ્યક્તિઓ હોવાથી બોટનું સંતુલન ખોરવાયું હતું અને તે પાણીમાં પલટી ગઈ હતી. જે પછી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તત્કાલ રેસ્ક્યુ કરાતાં 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવવામાં આવ્યાં હતાં, જ્યારે 2 શિક્ષકો સહિત 12 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

  - Advertisement -

  આ મામલે દોષિતો પર પગલાં લેતા પ્રશાસને 18 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. મોડી રાત્રે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઘટનાસ્થળે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારે તત્કાલ જિલ્લા મેજિસ્ટ્રેટને દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 હજારની સહાય કરવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ઘટના અને દોષિતો પર કાર્યવાહીની માહિતી આપી હતી.

  આ મામલે પોલીસે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે કલમ 304, 308, 337,338, 114 હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનામાં કુલ 18 લોકો સામે ગુનો નોધવામાં આવ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં