Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'રાત્રે 8થી 10 દરમિયાન જ ફોડી શકાશે ફટાકડા': દિવાળી પહેલાં અમદાવાદ પોલીસે...

    ‘રાત્રે 8થી 10 દરમિયાન જ ફોડી શકાશે ફટાકડા’: દિવાળી પહેલાં અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ

    જાહેરનામામાં એવું પણ કહેવાયું છે કે હોસ્પિટલ, એરપોર્ટ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, કોર્ટ, કચેરી જેવા વિસ્તારોને સાયલન્ટ ઝોન ગણવામાં આવશે અને આ વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં.

    - Advertisement -

    દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ફટાકડા ફોડવા માટે દિવાળીની આતુરતાથી રાહ જોઈ રહેલા યુવાનો-બાળકો અને નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને ફટાકડા ફોડવા પર નિયંત્રણો મૂક્યાં છે. થોડા દિવસો પહેલાં રાજકોટ પોલીસે જાહેરનામું બહાર પાડીને ફટાકડા ફોડવા પર અમુક પ્રતિબંધો લાદ્યા હતા. જે બાદ હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં કેટલીક જગ્યાઓની આસપાસ ફટાકડા ન ફોડવા નિર્દેશ કરાયો છે અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા સૂચના અપાઈ છે. રાત્રે 10 પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

    દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે જાહેરનામું બહાર પાડીને દિવાળીમાં ફટાકડા ફોડવા પર નિયંત્રણ મૂકી દીધું છે. તેમાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે અને સ્પષ્ટપણે કહેવાયું છે કે જે વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામામાં કહેવાયું છે કે રાત્રે 8થી 10 સુધી જ ફટાકડા ફોડી શકાશે.

    રાત્રિના 10 વાગ્યા પછી નહીં ફોડી શકાય ફટાકડા

    જો કોઈપણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરતાં પકડાશે તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામામાં કહેવાયું છે કે રાત્રે 10 પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. દિવાળીના તહેવારને ધ્યાને રાખીને ફટાકડા ફોડવાને કારણે કોઈ જગ્યાએ આગ, અકસ્માતના બનાવો બને નહીં અને અને પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં એ હેતુથી પોલીસ કમિશનર અમદાવાદે આ જાહેરનામું બહાર પાડ્યું હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    અમદાવાદ પોલીસ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં ઉલ્લેખ કરાયો છે કે, લાયસન્સ ધારકો જ ફટાકડાનું વેચાણ કરી શકશે. આ ઉપરાંત ચાઈનીઝ તુક્કલ કે બલૂનનો ઉપયોગ પણ કરી શકાશે નહીં. એ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે હોસ્પિટલ, એરપોર્ટ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, કોર્ટ, કચેરી જેવા વિસ્તારોને સાયલન્ટ ઝોન ગણવામાં આવશે અને આ વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં.

    આ સિવાય પ્રદૂષણ વધવાની શક્યતાઓ જોતાં ફટાકડાની લૂમ ફોડવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત જાહેરનામામાં કહેવાયું છે કે, ઈ-કોમર્સ વેબ સાઈટ પર ફટકડાનું ઓનલાઈન વેચાણ થઈ શકશે નહીં. જોકે, ક્રિસમસ અને નુતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે.

    નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં રાજકોટ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં કહેવાયું હતું કે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સાથે જ સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન કરવાનું પણ જણાવાયું હતું. આ ઉપરાંત પેટ્રોલ પંપ, શાળા-કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય અન્ય જાહેર સ્થળોએ પણ ફટાકડા ન ફોડવાની સૂચના આપવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં