Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પથ્થરમારા દરમિયાન સગીર બાળકોને ટોળાનો ભાગ બનાવાયાં’: જૂનાગઢ હિંસા બાદ એક્શનમાં બાળ...

    ‘પથ્થરમારા દરમિયાન સગીર બાળકોને ટોળાનો ભાગ બનાવાયાં’: જૂનાગઢ હિંસા બાદ એક્શનમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગ, પોલીસને કાર્યવાહી કરવા જણાવ્યું 

    કમિશને પોલીસને વિનંતી કરતાં કહ્યું કે, આ કલમોનું ઉલ્લંઘન કરવા બદલ એક FIR દાખલ કરવામાં આવે અને ગુના માટે જવાબદાર વ્યક્તિઓને શોધી કાઢીને તેમની સામે તપાસ કરવામાં આવે.

    - Advertisement -

    જૂનાગઢમાં દરગાહ હટાવવા માટે નોટિસ મળ્યા બાદ પોલીસ પર થયેલા હુમલા મામલે હવે બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) સક્રિય થયું છે. કમિશનરે જૂનાગઢ પોલીસને એક નોટિસ પાઠવીને હુમલો કરનાર ટોળામાં બાળકોને સામેલ કરવા મામલે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. 

    ન્યૂઝ એજન્સી, ANIએ NCPCR દ્વારા જૂનાગઢ પોલીસના વડા રવિ તેજા વાસમશેટ્ટીને લખેલો પત્ર શૅર કર્યો હતો. 18 જૂને લખાયેલા આ પત્રમાં બાળ અધિકાર અને સંરક્ષણ આયોગે જણાવ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર ફરતા એક વિડીયોનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે, જેમાં ગુજરાતના જૂનાગઢમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી દરગાહ હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

    આયોગે જણાવ્યું કે, આ વીડિયોમાં જોવા મળે છે કે સગીર બાળકો પણ આ ટોળાનો ભાગ હતાં અને તેમને પથ્થરમારો કરતાં પણ જોઈ શકાય છે. કમિશને કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ જોતાં આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 83(2) અને કલમ 75 તેમજ IPCની અન્ય યોગ્ય કલમોનું ઉલ્લંઘન છે. 

    - Advertisement -

    બાળ આયોગ દ્વારા જૂનાગઢ પોલીસને વિનંતી કરતાં કહેવામાં આવ્યું કે, આ કલમોનું ઉલ્લંઘન કરવા બદલ એક FIR દાખલ કરવામાં આવે અને ગુના માટે જવાબદાર વ્યક્તિઓને શોધી કાઢીને તેમની સામે તપાસ કરવામાં આવે. કમિશને પત્ર મળ્યાના 7 દિવસમાં તપાસ અને કાર્યવાહીનો રિપોર્ટ આપવા માટે જણાવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે જૂનાગઢના મજેવડી ગેટની બહાર રસ્તા પર વચ્ચે આવેલી એક ગેરકાયદેસર દરગાહને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને 5 દિવસમાં પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈને સાંજથી જ દરગાહ પાસે મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને રાત્રે 10 વાગ્યાના અરસામાં પોલીસ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ ઉત્પાત મચાવતાં ગાડીઓને નુકસાન કર્યું હતું તો અમુક વાહનો સળગાવી પણ દીધાં હતાં. આ સિવાય પથ્થરમારો પણ થયો હતો. આ પથ્થરમારામાં એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. 

    પરિસ્થિતિ વણસતાં પોલીસે ટિયરગેસના સેલ છોડીને સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી તેમજ રાત્રે જ કોમ્બિંગ હાથ ધરીને તોફાની તત્વોને પકડવાના શરૂ કરી દીધા હતા. આ મામલે હમણાં સુધીમાં કુલ 180ની અટકાયત કરવામાં આવી છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે. પોલીસે 31 સામે નામજોગ અને અન્ય લોકોના ટોળા સામે FIR દાખલ કરી હતી. હાલ પરિસ્થિતિ સામાન્ય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં