મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી પહોંચ્યા હતા. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન હાથમાં લીધી છે. પીએમ મોદીએ આજે ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બીજી તરફ, આવતીકાલે તેઓ સ્વયં પણ મોરબી જઈને પરિસ્થિતિનો તાગ મેળવશે.
#WATCH | Gujarat: PM Modi chaired a high-level meeting to review the situation in Morbi, at Raj Bhavan in Gandhinagar earlier today.
— ANI (@ANI) October 31, 2022
#MorbiBridgeCollapse pic.twitter.com/Yw4NRt2oMf
પીએમ મોદીએ યોજેલી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક યોજી પીએમ મોદીએ મોરબી દુર્ઘટના બાદની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં પણ મોરબીની મુલાકાત લેવા જઈ રહ્યા છે. તેઓ મોરબીમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લેશે તેમજ મૃતકોના પરિજનોને પણ મળશે.
સવારે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, જીવનમાં ભાગ્યે જ મેં આવી પીડા અનુભવી હશે. એક તરફ દુઃખથી ભરેલો દિવસ છે તો બીજી તરફ કર્તવ્ય પથ પર છે. જેની જવાબદારી લઈને આજે હું તમારી વચ્ચે છું. પરંતુ કરૂણાસભર મન પીડિત પરિવારો વચ્ચે છે. અકસ્માતમાં જે લોકોએ પોતાનું જીવન ગુમાવવું પડ્યું, તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. દુઃખની ઘડીમાં સરકાર પીડિત પરિવારો સાથે છે. ગુજરાત સરકાર પૂરેપૂરી શક્તિથી કાલે સાંજેથી રાહત-બચાવ કાર્યમાં જોડાયેલી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજ્યંતી નિમિત્તે પ્રધાનમંત્રી @narendramodi એ કેવડીયા ખાતે સંબોધન કર્યુ
— DD News Gujarati (@DDNewsGujarati) October 31, 2022
કહ્યું, એક બાજુ દર્દથી ભરેલો દિવસ છે તો બીજી બાજુ કર્મ અને કર્તવ્યનો પથ, આ કર્તવ્ય પથની જવાબદારી લઈને હું આપની વચ્ચે છું પણ કરુણાથી ભરેલું મન મોરબીના પિડીત પરિવારોની વચ્ચે છે pic.twitter.com/hRVGDhCKMj
ત્યારબાદ બનાસકાંઠામાં પણ પીએમ મોદીએ મોરબીની દુર્ઘટનાને યાદ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુજરાત શોકમાં ડૂબ્યું છે, દેશવાસીઓ પણ ખૂબ દુઃખી છે. મોરબીની ભયંકર દુર્ઘટનામાં આપણા અનેક સ્વજનો અને નાનાં ભૂલકાંઓએ જીવ ગુમાવ્યા છે. આ દુઃખની ઘડીમાં આપણા સૌની સંવેદના પીડિત પરિવારોની સાથે છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે (30 ઓક્ટોબર 2022) મોરબીમાં મચ્છુ નદી પર બનાવવામાં આવેલો વર્ષો જૂનો ઝૂલતો પુલ અચાનક તૂટી ગયો હતો અને જેના કારણે પુલ પર એકઠા થયેલા સેંકડો લોકો પાણીમાં પટકાયા હતા. જોકે, તાત્કાલિક રાહત-બચાવ કાર્ય શરૂ કરી અનેકને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ 134 લોકો આ દુર્ઘટનામાં જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં બાળકો પણ સામેલ છે.
આ પુલ અંગ્રેજ શાસન દરમિયાન 1880માં ખુલ્લો મૂકાયો હતો. ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી તેનું સમારકામ ચાલી રહ્યું હતું. બેસતા વર્ષના દિવસે જ તેને ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.