દેશભરમાં ગુજરાતની સિદ્ધિઓની નોંધ લેવાઈ રહી છે. શિક્ષણથી લઈને વિજ્ઞાન સુધી ગુજરાત આખા દેશમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકેની ખ્યાતિ ધરાવે છે. ત્યારે હવે ફરી એક વખત ગુજરાતની શાનમાં એક યશકલગી સ્થાપિત થઈ છે. જાણવા મળી રહ્યું છે કે, આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે આખા દેશમાં ગુજરાત સતત બીજીવાર પ્રથમ સ્થાન મેળવવામાં સફળ થયું છે. ભારતના સરકારના નીતિ આયોગ દ્વારા તાજેતરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ઇન્ડેક્સનો ચોથો રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.
આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે સતત બીજીવાર ગુજરાત આખા દેશમાં પ્રથમ સ્થાન પર આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ વિશેની માહિતી આપીને ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “ગુજરાત માટે ઘણા આનંદ અને ગૌરવની વાત છે કે, નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા Substainable Development Goals ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.”
ગુજરાત માટે ઘણાં આનંદ અને ગૌરવની વાત છે કે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 6, 2024
રાજ્યને આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો, સંસ્થાકીય પ્રસુતિ… pic.twitter.com/9KBkk06dRj
તેમણે વધુમાં જણાવ્યું કે, “રાજ્યને આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો, સંસ્થાકીય પ્રસૂતિ તેમજ બાળકોના સંપૂર્ણ રસીકરણમાં મોટો વધારો કરવાના કારણે હાંસલ થઈ છે. આ ઉપરાંત ચેપી રોગો જેવા કે, ટીબી નિયંત્રણમાં ઉત્કૃષ્ઠ કામગીરી તેમજ HIV-AIDSન પ્રસરણમાં મોટા પાયે થયેલા ઘટાડા તથા મેડિકલ અને પેરામેડિકલ માનવબળમાં થયેલા વધારાના કારણે પણ રાજ્યને આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે.” આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત વિકાસમાં થયેલા યોગદાનને પણ યાદ કર્યું હતું.
આ ઉપરાંત ગુજરાત પ્રથમ સ્થાને રહેતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ખુશી વ્યક્ત કરી છે અને રાજ્યના તમામ હેલ્થકેર વર્કર્સની ફરજનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ સિદ્ધિ રાજ્યના તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓના પ્રયાસોને સમર્પિત કરી છે. નોંધવા જેવું છે કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નીતિ આયોગ દ્વારા વિશ્વકક્ષાએ નક્કી કરેલા વિકાસના 17 ગોલમાં તમામ રાજ્યો અને યુનિયન ટેરેટરીની પ્રગતિનું આલેખન વિવિધ માનાંકનોમાં સિદ્ધિઓનું સ્કોરિંગ કરીને સાપેક્ષ રેન્ક મારફતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. વર્ષ 2018માં આવો પ્રથમ રિપોર્ટ જાહેર કરીને રાજ્યોની સ્વાસ્થ્ય સુખાકારીની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી છે. વર્ષ 2023માં ગુજરાત આખા દેશમાં પ્રથમ સ્થાને રહ્યું હતું અને વર્ષ 2024માં પણ ગુજરાતે પોતાનું તે સ્થાન જાળવી રાખ્યું છે.