Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખોદ્યો પહાડ, નીકળ્યો ઉંદર: મોટા ઉપાડે જાહેરાત કર્યા પછી પણ મનિષ સિસોદિયાની...

    ખોદ્યો પહાડ, નીકળ્યો ઉંદર: મોટા ઉપાડે જાહેરાત કર્યા પછી પણ મનિષ સિસોદિયાની રેલીમાં માંડ 50-60 લોકો આવ્યા, બહારથી માણસો બોલાવાયા

    મનિષ સિસોદિયા તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, પરંતુ મહેસાણા હોય કે પાટણ, ક્યાંય ધારેલો તો નહીં પરંતુ સામાન્ય પ્રતિસાદ પણ મળ્યો ન હતો.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હી અને પંજાબ નેતાઓ પણ પોતપોતાનાં રાજ્યો મૂકીને ગુજરાતમાં ફરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે મુલાકાત કરે છે તો ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પણ આંટાફેરા ચાલુ જ રાખ્યા છે. તેઓ તાજેતરમાં પણ બે-ત્રણ દિવસ માટે ગુજરાત આવ્યા હતા. જોકે, ગુજરાતમાં ઘણા શહેરોમાં સિસોદિયાની રેલીમાં લોકોનો ધારેલો પ્રતિસાદ મળ્યો ન હતો.

    મનિષ સિસોદિયાએ ગુજરાતમાં અનેક સ્થળોએ કાર્યક્રમો કર્યા હતા અને કેટલેક ઠેકાણે રોડ શૉ પણ કર્યા હતા. જોકે, આ રોડ શૉને ધારેલો તો નહીં પરંતુ સામાન્ય પ્રતિસાદ પણ મળ્યો ન હતો. મનિષ સિસોદિયાના રોડ શૉમાં માંડ પચાસ માણસો ભેગા થઇ શક્યા હતા, જેના કારણે પાર્ટીની ભારે ફજેતી થઇ હતી. 

    ગત શનિવારે મનિષ સિસોદિયા પાટણના સિદ્ધપુર પહોંચ્યા હતા, જ્યાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક તો પહેલેથી જ દોઢ કલાકથી રાહ જોઈને બેઠેલા કાર્યકરો નારાજ હતા ત્યાં મનિષ સીસોદીયા આવ્યા પછી પણ રેલીમાં માંડ પચાસ-સાંઠ માણસો આવતાં કાર્યકરો વધુ ગિન્નાયા હતા. 

    - Advertisement -

    સિદ્ધપુરમાં આયોજિત કાર્યક્રમમાં મનિષ સિસોદિયા લગભગ દોઢેક કલાક મોડા પહોંચ્યા હતા, જેના કારણે એક તો પહેલેથી જ ઓછા કાર્યકરો ભેગા થયા હતા તેમનામાં પણ નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ નેતાજી આવ્યા બાદ પણ સો માણસો પણ ભેગા ન થતાં કાર્યકરોનો મૂડ માર્યો ગયો હતો. 

    એક અહેવાલ અનુસાર, સિદ્ધપુરમાં આમ આદમી પાર્ટીની રેલીની એવી હાલત થઇ હતી કે કોઈ સ્થાનિક માણસો ન જોડાતાં બહારથી માણસો બોલાવીને થોડીઘણી સંખ્યા દેખાડવી પડી હતી. 

    પાટણ અગાઉ મનિષ સિસોદિયાની મહેસાણામાં પણ એક રેલી યોજાઈ હતી. જોકે, આ રેલીમાં પણ સિદ્ધપુર જેવો જ ઘાટ થયો હતો અને ખાસ માણસો એકઠા થયા ન હતા. મનિષ સિસોદિયાએ પોતે શૅર કરેલી તસ્વીરોમાં માણસોની સંખ્યા જોઈ શકાય તેમ છે. 

    જોકે, આમ આદમી પાર્ટીની રેલીઓ-સભાઓમાં માણસો ભેગું ન થવું એ ધીમેધીમે સામાન્ય બાબત બનતી જણાઈ રહી છે. થોડા મહિના પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો સુધી પહોંચવા અને મતદારોનો સંપર્ક સાધવા માટે ‘પરિવર્તન યાત્રા’ કાઢી હતી. આ યાત્રાનું ઉદઘાટન તો મોટા ઉપાડે કરવામાં આવ્યું પણ પછી ઈસુદાન ગઢવી જેવા નેતાઓની સભાઓમાં રીતસરના કાગડા જ ઉડ્યા હતા અને આંગળીના વેઢે ગણાય એટલા માણસો આવ્યા હતા. 

    એક પરિવર્તન યાત્રામાં તો માણસો દેખાડવા માટે પંજાબથી વાહનો લાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. 

    ચૂંટણી આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીને મળી રહેલા જમીની પ્રતિસાદમાં કોઈ મોટો ફેર પડતો જણાઈ રહ્યો નથી. જેના કારણે પાર્ટીના કાર્યકરોના મનોબળ પર મોટી અસર થઇ શકે તેમ માનવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં