Friday, October 11, 2024
More
    હોમપેજક્રાઈમવિજાપુરની હિંદુ સગીરાને ફોસલાવીને ભગાવી લઇ ગયો હતો આઝમખાન, પુણે લઇ જઈને...

    વિજાપુરની હિંદુ સગીરાને ફોસલાવીને ભગાવી લઇ ગયો હતો આઝમખાન, પુણે લઇ જઈને આચર્યું દુષ્કર્મ: પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

    કોર્ટે આઝમખાનને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા અને 5 હજારનો દંડ, IPC 363 હેઠળ 2 વર્ષની સજા અને 2 હજારનો દંડ તેમજ IPC 366 હેઠળ 5 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકાર્યો હતો. આ તમામ સજા તેણે એકસાથે ભોગવવાની રહેશે. 

    - Advertisement -

    વિજાપુરના લાડોલની 17 વર્ષીય હિંદુ સગીરાને ભગાડી લઈ જઈને પુણેમાં દુષ્કર્મ આચરનાર આઝમખાન સિદ્દીકી નામના એક ઇસમને મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે ભોગ બનનાર પીડિતાને વળતર પેટે ₹15,000 આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલો સપ્ટેમ્બર, 2023માં સામે આવ્યો હતો. ત્યારથી આઝમખાન જેલમાં બંધ છે.

    લાડોલ પોલીસે આ મામલે 1 સપ્ટેમ્બર, 2023ના રોજ IPCની કલમ 363, 366, 376, 376(2)(N) અને પોકસો (POCSO) એક્ટ હેઠળ FIR દાખલ કરી હતી. ત્યારબાદ 26 નવેમ્બર, 2023ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. પછીથી પોક્સો કોર્ટમાં થયેલી સુનાવણીમાં ફરિયાદી પક્ષ તરફથી કુલ 13 મૌખિક પુરાવા સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સગીરાનું મેડિકલ ચેકઅપ કરનાર મેડિકલ ઑફિસર લઈને FIR નોંધનાર PSI સામેલ છે. આ સિવાય ફરિયાદી પક્ષ તરફથી 49 દસ્તાવેજી પુરાવા પણ આપવામાં આવ્યા હતા તેમજ પીડિતા અને તેના માતા-પિતાની જુબાની પણ લેવામાં આવી. કોર્ટના આદેશની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    પીડિતાએ જુબાનીમાં શું જણાવ્યું?

    પીડિતાએ પોતાની જુબાનીમાં કોર્ટને જણાવ્યું હતું કે, આગલા દિવસે આઝમે તેને રાત્રે મેસેજ કર્યો હતો અને સવારે ઘરેથી નીકળી આવવા માટે જણાવ્યું હતું. તેણે જણાવ્યું છે કે મેસેજ કરવાની ના પાડ્યા છતાં આઝમે મેસેજ ચાલુ રાખ્યા હતા અને પોતે જવાની ના પાડી હોવા છતાં આરોપી વાતોમાં ફોસલાવીને લઇ ગયો હતો. ત્યારબાદ તે સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળી ગઈ હતી અને આરોપી તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે મળ્યો હતો. જ્યાંથી રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ તેઓ ટ્રેન મારફતે પુણે પહોંચ્યાં હતાં અને ત્યાં આઝમ તેને એક ભાડાના મકાનમાં લઇ ગયો હતો. 

    - Advertisement -

    પીડિતાએ જણાવ્યું કે, રાત્રે આરોપીએ ત્રણ વખત તેની સાથે બળાત્કાર કર્યો હતો. બીજા દિવસે સવારે 6 વાગ્યે પોલીસ આવીને તેમને પકડી લઇ ગઇ હતી અને લાડોલ પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. 

    સમાજમાં આવા ગુનાઓ વધી રહ્યા છે: કોર્ટ

    ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે, આ કેસમાં પીડિતા સગીર વયની હોવાના કારણે તેણે સહમતિ પણ આપી હોય તો પોક્સો એક્ટની કલમો હેઠળની જોગવાઈઓ મુજબ તે ધ્યાને લેવાની રહેતી નથી. વધુમાં, પીડિતાએ પોતાની જુબાનીમાં જણાવ્યું કે આરોપી તેને પુણે લઇ ગયો હતો અને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.  

    કોર્ટે આગળ કહ્યું કે, રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રી પરથી સ્પષ્ટ થાય છે કે પીડિતા સગીર વયની છે અને તેના વાલીના કબજામાંથી ખસેડીને આરોપીએ પોતાની પાસે રાખી અપહરણ કર્યું હતું અને તેણે જાતીય હુમલો કર્યાનું સ્પષ્ટપણે જણાય આવ્યું છે. જેથી તેને ગુનેગાર ઠેરવવામાં આવે તે જ ન્યાયોચિત રહેશે. 

    કોર્ટે આઝમખાન સિદ્દીકીને IPCની કલમ 363, 366, 376, 376(2)(n) તથા પોક્સો એક્ટની કલમ 6 હેઠળ ગુનેગાર ઠેરવીને સજા ફટકારી હતી. સજા આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે, આરોપીએ પીડિતા સગીર વયની હોવાનું જાણવા છતાં ગુનો આચર્યો હતો. વળી, સમાજમાં દિનપ્રતિદિન આવા ગુનાઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે, ત્યારે સમાજ પર પડતી અવળી અસરને પણ ધ્યાને લેવી જરૂરી છે.

    કોર્ટે આઝમખાનને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા અને 5 હજારનો દંડ, IPC 363 હેઠળ 2 વર્ષની સજા અને 2 હજારનો દંડ તેમજ IPC 366 હેઠળ 5 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકાર્યો હતો. આ તમામ સજા તેણે એકસાથે ભોગવવાની રહેશે. 

    આરોપીએ સગીરાનું અપહરણ કરીને આચર્યું હતું દુષ્કર્મ

    નોંધનીય છે કે, આ ઘટના સપ્ટેમ્બર, 2023માં મહેસાણામાં બનવા પામી હતી. અહીં વિજાપુરની 17 વર્ષની હિંદુ સગીરાને આઝમખાન સિદ્દીકી નામનો યુવક ઉઠાવી ગયો હતો અને પુણે લઈ જઈને તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગત 1 સપ્ટેમ્બરના રોજ સગીરાના પરિવારે પોતાની દીકરીને અજાણ્યો વ્યક્તિ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક પગલાં લીધાં અને ગણતરીના કલાકોમાં જ આઝમખાનને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો હતો.

    મૂળ ઉત્તરખંડના આરોપી આઝમખાન સિદ્દિકી ઘટના બન્યાના 5 મહિના પહેલાં સગીરાના સંપર્કમાં આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા એપ્લિકેશનની મદદથી સગીરા સાથે સંબંધ સ્થાપિત કર્યો હતો. જે બાદ તેણે સગીરાનું બ્રેનવોશ કરીને તેને લાલચાવી-ફોસલાવી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મળવા બોલાવી હતી. જે બાદ તે ત્યાંથી પીડિતાને પુણે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ ત્રણવાર દુષ્કર્મ આચર્યું હતું. હવે કોર્ટે તેને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં