Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતગિફ્ટ સિટીમાં લિકર પરમીશન આપ્યા બાદ રાજ્યમાં અન્ય પ્રવાસન સ્થળો પરથી પણ...

    ગિફ્ટ સિટીમાં લિકર પરમીશન આપ્યા બાદ રાજ્યમાં અન્ય પ્રવાસન સ્થળો પરથી પણ દારૂબંધી હટાવાશે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

    રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગિફ્ટ સિટીમાં લિકર પરમીશનનો નિર્ણય અને દારૂબંધીને લઈને વિશેષ નિવેદન જણાવ્યું હતું કે, "દારૂબંધીવાળા ગુજરાતમાં, દારૂબંધીની છૂટ કરવાનો પરસેપ્શન બિલકુલ ખોટો છે."

    - Advertisement -

    શુક્રવારે (22 ડિસેમ્બર) ગાંધીનગરના ગિફ્ટ સિટી માટે લિકર પરમીશન મળ્યા બાદથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડીયાથી લઈને મીડિયા સુધી બસ દારૂબંધીને લઈને જ ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન તેવી અટકળો પણ વહેતી થઇ હતી કે સરકાર રાજ્યમાંથી દારૂબંધીના કાયદાને વિદાય આપવા જઈ રહી છે. તેવામાં રાજ્ય સરકારે આ વિશે સ્પષ્ટતા કરી છે. સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે, બહારથી આવતા કર્મચારીઓ અને બિઝનેસમેન માટે ગિફ્ટ સિટીમાં અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. બાકી ગુજરાતના કોઈપણ અન્ય સ્થળે આવું કઈ કરવાનો વિચાર નથી.

    શનિવારે (23 સપ્ટેમ્બર) રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગિફ્ટ સિટીમાં લિકર પરમીશનનો નિર્ણય અને દારૂબંધીને લઈને વિશેષ નિવેદન આપ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, રાજ્ય સરકાર આ બોલ્ડ નિર્ણય (ગિફ્ટ સિટી વિષયક) દ્વારા શું સંદેશો આપવા માંગે છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “દારૂબંધીવાળા ગુજરાતમાં, દારૂબંધીની છૂટ કરવાનો પરસેપ્શન બિલકુલ ખોટો છે. પરસેપ્શન ઊભો કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તે ખોટો છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “હકીકતમાં વડાપ્રધાન મોદીએ જે સપનું જોયું હતું કે, ગિફ્ટ સિટીમાં ટેકનોલોજી અને નાણાકીય સંસ્થાઓ દુનિયાભરમાંથી આવે. તેના માટે આપણે વાતાવરણ ઊભું ના કરી શક્યા. તેમાં ક્યાંય ને ક્યાંક આપણે પાછા પડ્યા છીએ, તેથી તેની પ્રગતિ જે થવી જોઈતી હતી તે ધીમી થઈ. હવે આ નિર્ણયથી બહારથી (વિદેશથી) કામ કરવા અથવા બિઝનેસ માટે આવતા લોકો, તેમના ટેલેન્ટથી અહિયાં કામ કરતાં લોકો અને તેની સાથે કામ કરતાં કર્મચારીઓને અનુકૂળ વાતાવરણ આપણે આપી રહ્યા છીએ.”

    - Advertisement -

    ‘આવનારા સમયનું ભારતનું દુબઈ કે સિંગાપોર છે ગિફ્ટ સિટી’

    તેમણે વધુમાં કહ્યું કે, ગિફ્ટ સિટીમાં 40થી 50 જેટલી વિદેશી કંપનીઓ છે, 10 જેટલી વિદેશી બેન્કો છે. ટેકનોલોજી, બિઝનેસ, ફાયનાન્સ જેવા કેટકેટલા ક્ષેત્રોમાં ગિફ્ટ સિટી એ આવનારા સમયનું ભારતનું દુબઈ કે સિંગાપોર છે. આ ઉપરાંત ઋષિકેશ પટેલને જ્યારે અન્ય પ્રવાસન સ્થળો પર દારૂબંધી હટાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, “કોઈ જ એવો વિચાર નથી અને મે પહેલાં પણ કહ્યું છે કે, ગુજરાત દારૂબંધીને વરેલું છે.”

    નોંધનીય છે કે, ગુજરાત સરકારે શુક્રવારે (22 ડિસેમ્બર) ગુજરાતના ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી (GIFT City) ખાતે દારૂના સેવનની મંજૂરી આપતો નિર્ણય જાહેર કર્યો હતો. નિર્ણય મુજબ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ ગિફ્ટ સીટીની મુલાકાતે આવનારા લોકોને દારૂના સેવનની મંજૂરી આપવામાં આવશે. નિર્ણય મુજબ ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે ‘એફએલ 3’ પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને મુલાકાત લેતા મુલાકાતીઓને હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લિકરનું સેવન કરી શખશે, પરંતુ તેઓ દારૂનું વેચાણ નહીં કરી શકે. આ આખી પ્રક્રિયામાં એફએલ 3 મેળવનાર એકમોએ ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગને લિકર આયાત, સંગ્રહ તેમજ પીરસેલા લિકર અંગેની તમામ માહિતી આપવાની રહેશે. આ તમામ પ્રક્રિયાઓ સરકારના આબકારી વિભાગની દેખરેખ હેઠળ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં