Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુઓના વિરોધને લીધે અરવિંદ કેજરીવાલે રદ કરવો પડ્યો ઉમિયાધામ મંદિરના દર્શનનો કાર્યક્રમ,...

    હિંદુઓના વિરોધને લીધે અરવિંદ કેજરીવાલે રદ કરવો પડ્યો ઉમિયાધામ મંદિરના દર્શનનો કાર્યક્રમ, પત્ર લખીને સ્વાગત ન કરવાની માંગ કરાઈ હતી

    ઊંઝા સ્થિત હિંદુ હિતરક્ષક સમિતિએ ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરના ટ્રસ્ટીઓને પત્ર લખીને કેજરીવાલનું સ્વાગત ન કરવાની અપીલ કરી હતી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલે તેમણે ભાવનગરમાં એક સભા કરી હતી તો આજે ઊંઝામાં તેમની સભા યોજાઈ હતી. જોકે, બંને સ્થળોએ તેમના આગમન પહેલાં જ વિરોધ શરૂ થઇ ગયો હતો. ભાવનગરમાં તેમના પોસ્ટરો પર શાહી ફેંકાઈ હતી તો ઊંઝામાં મંદિરમાં સ્વાગત ન કરવા દેવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ કેજરીવાલે ઊંઝા ખાતેના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો અને મંદિરે દર્શન કરવા ગયા ન હતા. 

    ઊંઝા સ્થિત હિંદુ હિતરક્ષક સમિતિએ ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરના ટ્રસ્ટીઓને પત્ર લખીને કેજરીવાલનું સ્વાગત ન કરવાની અપીલ કરી હતી. કેજરીવાલે સભા સંબોધતા પહેલાં ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો, પરંતુ વિરોધ થયા બાદ આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. 

    હિંદુ હિતરક્ષક સમિતિએ લખેલો પત્ર (તસ્વીર: Social Media)

    હિંદુ હિતરક્ષક સમિતિએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, શ્રી ઉમિયા માતાજીનું મંદિર લાખો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. માતાજી કડવા પાટીદાર સમાજના કુળદેવી છે અને દર વર્ષે લાખો લોકો તેમના દર્શને આવે છે. કેજરીવાલ પર આરોપ લગાવતાં કહેવામાં આવ્યું કે, તેઓ હિંદુ દેવી-દેવતાઓમાં આસ્થા રાખતા નથી અને માત્ર મતોના રાજકારણ માટે મંદિરે દર્શન કરવાનું નાટક કરવા માટે આવે છે. 

    - Advertisement -

    મંદિરને રાજકારણનો અખાડો ન બનવા દેવાય તેમ કહીને સમિતિએ ઉમેર્યું હતું કે, કેજરીવાલ દર્શન માટે આવે તેનો તેમને કોઈ વિરોધ નથી પરંતુ મંદિરનું ટ્રસ્ટી મંડળ કોઈ સ્વાગત કે સરભરા ન કરે તેવી તેમની માંગણી છે. 

    આ પત્ર સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ આજે કેજરીવાલ ઊંઝા તો પહોંચ્યા પરંતુ માતાજીના દર્શન માટે ગયા ન હતા અને કર્યક્રમ રદ કરી દીધો હતો. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ તાજેતરમાં જ ખોડલધામ મંદિરે દર્શન માટે ગયા હતા, પરંતુ ત્યાં પણ મંદિરના ટ્રસ્ટી મંડળમાંથી કોઈ હાજર રહ્યું ન હતું. 

    ગુજરાત ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં તેમણે મંદિરો વિશે, હિંદુ પરંપરાઓ વિશે અને પીએમ મોદી અને તેમના માતા વિશે અભદ્ર ભાષા વાપરી છે. એક તરફ આ વિડીયો આમ આદમી પાર્ટી માટે માથાનો દુઃખાવો બન્યા છે ત્યારે તેનાથી બચવા માટે પાર્ટીએ પાટીદાર કાર્ડ રમવાના પ્રયાસો શરૂ કર્યા છે, જોકે તેમાં પણ સફળતા મળતી જણાઈ રહી નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં