છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. બાંગ્લાદેશની તાજેતરની પરિસ્થિતિને જોતાં આ પ્રકારની ઘટનાઓ વધુ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. દરમ્યાન, અમદાવાદના નરોડામાં શંકાસ્પદ રીતે ફરી રહેલા એક બાંગ્લાદેશી મુસ્લિમ વ્યક્તિને બજરંગદળના કાર્યકર્તાઓએ પકડીને પોલીસ હવાલે કર્યો છે. કાર્યકર્તાઓએ કરેલી પ્રાથમિક પૂછપરછમાં આ બાંગ્લાદેશી કોઈ દલાલને રૂપિયા આપીને ભારતમાં ઘૂસ્યો હોવાનું અને હાલ તે દાણીલીમડાના ચંડોળા તળાવ પાસે આવેલ શાહઆલમના મિલ્લત નગરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ઝડપાયેલા બાંગ્લાદેશીનું નામ મિન્ટુ અલીભાર મુલ્લા હોવાનું સામે આવ્યું છે. આ બાંગ્લાદેશીને ઝડપી લેનાર બજરંગીઓએ ઑપઇન્ડિયાને આ વિશે વિગતે માહિતી આપી હતી. ફરિયાદી પૈકીના નવા નરોડા વિસ્તારના બજરંગદળ સંયોજક વિશાલ રાજપૂતે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેઓ અને સહસંયોજક આતીશ રાજપૂત નરોડા પાટિયા વિસ્તારથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે આ બાંગ્લાદેશી મુસ્લિમ વ્યક્તિને શંકાસ્પદ રીતે ફરતા જોયો હતો.
અમદાવાદના નરોડા વિસ્તારમાં બજરંગદળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશીને પકડ્યો….
— ઑપઇન્ડિયા (@OpIndia_G) August 9, 2024
પૂછપરછમાં સામે આવ્યું કે તેનું નામ અલીભાર મુલ્લા છે. તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દલાલી આપીને ભારતમાં ઘૂસ્યો હતો. હાલ તે દાણીલીમડાના ચંડોળા તળાવ પાસે આવેલ શાહઆલમના મિલ્લત નગરમાં રહેતો હતો….#Ahmedabad… pic.twitter.com/BOP9POapHa
તેમણે ઑપઇન્ડિયાને વધુમાં જણાવ્યું હતું કે, “અમે જ્યારે નરોડા પાટિયા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કાળા રંગનાં કપડાં અને ટોપી પહેરેલા વ્યક્તિને હાથમાં ધૂપેલિયું લઈને હિંદુ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરતાં જોયો. વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે અને આપણા ત્યાં પણ અનેક બાંગ્લાદેશી ઘૂસણખોર અવારનવાર પકડતા હોવાથી અમને તેના પર શંકા ગઈ હતી. આથી અમે લોકોએ તેને અટકાવીને તેની પૂછપરછ કરી હતી.”
તેમણે કહ્યું કે, “અમે પહેલાં તેની સાથે ગુજરાતીમાં વાત કરી, પરંતુ તેને ગુજરાતીમાં ખબર જ ન પડી. આથી અમારી શંકા વધુ દૃઢ બની, અમે તેની હિન્દીમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેને હિન્દી પણ ખાસ નહોતું આવડતું. તેની બોલવાની લઢણ પરથી જ ખ્યાલ આવી રહ્યો હતો કે તે અહીંનો નથી. અમે વધુ પૂછતાં તેણે સ્વીકાર્યું હતું કે તેને હિન્દી નથી આવડતું. અમે તેનું સરનામું પૂછ્યું તો તેણે ચંડોળા તળાવના મિલ્લતનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. અમે થોડું કડક થઈને પૂછતાં તેણે પોતે બાંગ્લાદેશી હોવાનું સ્વીકાર્યું હતું. જેવી અમને ખબર પડી કે તે બાંગ્લાદેશી છે, અમે તેને તાત્કાલિક નરોડા પોલીસને હવાલે કરી દીધો.”
દલાલને પૈસા આપ્યા અને સુરંગ દ્વારા આવ્યો હોવાનો ખુલાસો
વિશાલ રાજપૂતે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે બાંગ્લાદેશીને તેમણે પકડ્યો છે, તે તેની પત્ની સાથે ભારતમાં ઘૂસ્યો છે. તે કોની મદદથી અહીં આવ્યો તેમ પૂછતાં તેણે દલાલ મારફતે 3000 રૂપિયા આપીને આવ્યો હોવાનું અમને વિશાલે જણાવ્યું હતું. વિશાલે ઑપઇન્ડિયાને તેમ પણ જણાવ્યું કે, બાંગ્લાદેશીની પૂછરપછમાં તેણે તેમને એમ પણ કહ્યું હતું કે તે કોઈ સુરંગ/ટનલ મારફતે ભારતમાં ઘૂસ્યો હતો. વિશાલના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ તેને લઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા, તે સમયે કોઈ સ્થાનિક મુસ્લિમ વ્યક્તિ તેને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે દલીલ આપી રહ્યો હતો કે તેની પાસે બધા પુરાવા છે. જોકે વિશાલે ઑપઇન્ડિયાને આપેલા વિડીયોમાં તે વ્યક્તિ પોતે બાંગ્લાદેશી હોવાનું સ્વીકારી રહ્યો છે.
ચંડોળા તળાવ અને મિલ્લત નગરમાં બાંગ્લાદેશીઓ રહેતા હોવાની અનેક ફરિયાદો
ઉલ્લેખનીય છે કે અમદાવાદના હિંદુ સંગઠનો દ્વારા ચંડોળા તળાવ, મિલ્લત નગર અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદેસર રહેતા હોવાની ફરિયાદો અનેક વાર કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ આ વોસ્તારની આસપાસથી બાંગ્લાદેશીઓ ઝડપાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. માત્ર અમદાવાદ જ નહીં, સુરત સહિતના મોટાભાગના શહેરોમાં પોલીસે અઢળક બાંગ્લાદેશી મુસ્લિમોને ઝડપ્ય હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા છે.
હાલ બજરંગદળના કાર્યકર્તાઓએ જે બાંગ્લાદેશી મુસ્લિમને પકડ્યો છે, તેને અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. હાલ પોલીસ વિશાલ રાજપૂત અને આતિશ રાજપૂતની ફરિયાદ પર મિન્ટુ અલીભાર મુલ્લાની પૂછપરછ કરી રહી છે.