Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાતકતલખાને લઇ જવાઈ રહ્યા હતા અબોલ જીવ, અમદાવાદના દાણીલીમડા પહોંચાડવાના હતા: ચોટીલામાં...

    કતલખાને લઇ જવાઈ રહ્યા હતા અબોલ જીવ, અમદાવાદના દાણીલીમડા પહોંચાડવાના હતા: ચોટીલામાં પથ્થરમારા વચ્ચે ગૌરક્ષકોએ 9 પશુઓને બચાવ્યા

    બચાવવામાં આવેલા પશુઓને ચોટીલાના જ ટ્રસ્ટ સંચાલિત એક પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યાં તેમની સારસંભાળ રાખવામાં આવશે. બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી ટ્રકચાલક તેમજ ક્લિનરની ધરપકડ કરી છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પશુ તસ્કરીની ઘટનાઓ વધી છે. તેવામાં હવે ચોટીલામાં હિંદુ યુવાવાહિની અને ગૌરક્ષકોએ મળીને 9 પશુઓને કતલખાને જતાં બચાવ્યાં છે. સંગઠનોને બાતમી મળી હતી કે કેટલાક તસ્કરો ગેરકાયદેસર રીતે આઈસર ટ્રકમાં પશુઓ ભરીને અમદાવાદ તરફ લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન પોલીસ અને સંગઠનોએ વોચ ગોઠવતાં 2 પૈકીની એક ટ્રક ઝડપાઈ હતી, જ્યારે બીજી ટ્રક સ્વયંસેવકો પર પથ્થરમારો કરીને ભાગી છૂટી હતી. પોલીસે આ મામલે પશુ સહિતની ટ્રક જમા કરીને ડ્રાઈવર અને ક્લિનર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર, આ આખી ઘટનામાં મોરબી અને ચોટીલા, બે શહેરોના સંગઠન અને કાર્યકર્તાઓએ કામગીરી કરી હતી. મોરબી જિલ્લાના હિંદુ સંગઠને માહિતી મળી હતી કે વાંકાનેર તરફથી કેટલાક પશુ તસ્કરો ગેરકાયદેસર કતલ કરવાના ઈરાદે પશુઓ લઈને નીકળવાના છે. બાતમીના આધારે સ્વયંસેવકોએ તપાસ કરતાં આઈસર ટ્રક હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન મોરબી ખાતે આ ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા તેમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા.

    ચોટીલામાં ગૌરક્ષકોએ પશુઓ બચાવ્યા તે મામલે આખા ઘટનાક્રમ વિશે માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ મોરબી હિંદુ યુવા વાહીની જિલ્લા અધ્યક્ષ તેમજ કમલેશ બોરીચાનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું હતું કે, “આ આખી ઘટનામાં કુલ 2 ગાડીમાં પશુઓને લઈ જવામાં આવી રહ્યાં હતાં. એક ગાડીમાંથી અમારા સ્વયંસેવકો પર પથ્થરમારો કરવામાં આવતાં તેઓ ભાગવામાં સફળ થયા હતા. જ્યારે બીજી ગાડીનો મેં અને હિંદુ યુવા વાહિનીના શહેર પ્રમુખ ચેતન પાટડીયાએ ચોટીલા સુધી પીછો કર્યો હતો.”

    - Advertisement -

    કમલેશે આગળ જણાવ્યું કે, “અમે વાંકાનેર રોડ પર જ્યારે આ આઈસરનો પીછો કરી રહ્યા હતા ત્યારે અગાઉથી જ ચોટીલાના ગૌરક્ષકોને તેની જાણ કરી દીધી હતી. જેથી ચોટીલા પોલીસની મદદ લઈને તસ્કરોને ઝડપી શકાય. ચોટીલા પહોંચતાં જ સંગઠનના હરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ, જયન ભાઈ, અજયભાઈ પરમાર, પ્રશાંતભાઈ, યશભાઈ વાઘેલા, જયદીપ ભલગામડીયા, મીત ગોહિલ તેમજ જેકી આહીર સહિતના સ્વયંસેવકોએ ચોટીલા પોલીસ સાથે મળીને આ ટ્રકને અટકાવી હતી. પોલીસે તેમાં તપાસ કરતાં તેમાંથી 9 જીવતા પશુઓ મળી આવ્યાં હતાં. જેમને છોડાવીને કાયદેસરની કાર્યવાહી કરી સ્થાનિક પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.”

    આ મામલે કમલેશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જે ટ્રક અને તેના ડ્રાઈવરને પકડવામાં આવ્યા છે તેઓ આ પહેલાં પણ અનેક વાર પશુ તસ્કરીમાં ઝડપાઈ ચૂક્યા છે. આ ગુનામાં તેઓ રીઢા ગુનેગાર છે. આ પશુઓ ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તે સવાલ પર કમલેશે જણાવ્યું હતું કે, “આમાંથી મોટાભાગના પશુઓને અમદાવાદના કોઈ કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. અમને જે બાતમી મળી છે તે મુજબ આ પશુને કપાઈ ગયા બાદ અમદાવાદના દાણીલીમડા અને અન્ય કેટલાક વિસ્તારમાં સપ્લાય કરવામાં આવવાના હતા.”

    બચાવવામાં આવેલા પશુઓને ચોટીલાના જ ટ્રસ્ટ સંચાલિત એક પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યાં તેમની સારસંભાળ રાખવામાં આવશે. બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી બંને પશુ તસ્કરોની ધરપકડ કરી છે. તેઓ કોના માટે કામ કરી રહ્યા હતા અને પશુ ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા તે તમામ દિશામાં પોલીસ તપાસ આદરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં