ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની શાળાઓમાં બાળકોને ભગવદ ગીતાનાં મૂલ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસ કરાવવામાં આવશે. શુક્રવારે (22 ડિસેમ્બર, 2023)ના રોજ ગીતા જયંતીના ઉપલક્ષે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ ભગવદ ગીતા આધારિત સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં રસપ્રદ ચિત્રો સાથે ગીતાના શ્લોકને ભાષાંતર સાથે સમજાવવામાં આવ્યા છે. આગામી સત્રથી આ પુસ્તકને શાળાના પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, ‘સર્વાંગી શિક્ષણ, શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ-1’ નામના આ પુસ્તકમાં મહાભારતના પ્રસંગોના રંગબેરંગી ચિત્રો સહિત સંસ્કૃતમાં ગીતાના શ્લોક અને ગુજરાતીમાં તેનું ભાષાંતર લખવામાં આવ્યું છે.
આ પુસ્તકના વિમોચનમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું હતું કે, ગીતાના અભ્યાસથી વિદ્યાર્થીઓમાં સ્થિતપ્રજ્ઞતા આવશે. બીજી તરફ કુબેર ડિંડોરે પણ આ મામલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ બાદ લેવાયેલા આ નિર્ણયથી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પ્રણાલી મુજબ વિદ્યાર્થીઓ ગીતાનું જ્ઞાન મેળવશે. આ માત્ર ગીતાના પાઠ નથી, ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનવચ્ચેના સંવાદથી બાળકોનું ઘડતર થશે.”
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો વધુ એક શિક્ષણલક્ષી નિર્ણય
— Dr. Kuber Dindor (@kuberdindor) December 22, 2023
‘શ્રીમદ્દ ભગવદ્દ ગીતા’ ના સમાવિષ્ટ આધ્યાત્મિક સિદ્ધાંતો અને મૂલ્યોનો ધોરણ ૬ થી ધોરણ ૮ના અભ્યાસક્રમના પૂરક અભ્યાસપુસ્તક તરીકે સમાવેશ કરવા બદલ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ… pic.twitter.com/C5jDPUhlCr
પુસ્તક વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સરસ ચિત્રોનું સંકલન કરીને કૃષ્ણ અને અર્જુનના સંવાદને રજૂ કર્યા છે. આ પુસ્તકમાં દરેક શ્લોક અને તેના ભાષાંતરથી જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગનું સંકલન કર્યું છે. આ પ્રથમ ભાગ છે, આગામી સમયમાં તેના અન્ય ભાગો પણ પ્રકાશિત કરવામાં આવશે. આ પુસ્તક અગામી સમયમાં સાચા અર્થમાં વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનિર્માણમાં ઉપયોગી નીવડશે. બાળકો ગીતાનો સંદેશ વાંચીને ખરા અર્થમાં માનવ બનીને આગળ વધશે.”
Bhagavad Gita book launched for Std 6 to 8 students; Kuber Dindor, Education Minister, briefs about decision#Gujarat #GeetaJayanti #GitaJayanti #TV9News pic.twitter.com/LyaukZxVYg
— Tv9 Gujarati (@tv9gujarati) December 22, 2023
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આ પુસ્તકમાં મહાકાવ્ય મહાભારતના પાત્રોના રંગીન ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણ અને મહારથી અર્જુન વચ્ચેના સંવાદ અને ભગવાન દ્વારા આપવામાં આવેલા ભગવદ ગીતાના બોધને શ્લોક અને ભાષાંતર સાથે છાપવામાં આવ્યા છે. બાળકોને વાંચવામાં રસપ્રદ લાગે તે માટે પુસ્તકમાં મહાભારતના વિવિધ પ્રસંગોને રંગીન ચિત્રોના માધ્યમથી આવરવામાં આવ્યા છે.