તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ક્રિકેટ મેચ દરમિયાન વોટ્સએપ સ્ટેટ્સમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નું લખાણ મૂકવા બદલ ગોધરા શહેરના વસીમ ભટુક નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
ગોધરા સ્થિત મુસ્લિમ સોસાયટીમાં રહેતા વસીમ ઇબ્રાહિમ ભટુકે બંને દેશોની મેચ દરમિયાન પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નું સૂત્ર લખેલો અને પાકિસ્તાનની તરફેણ કરતો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ સ્ટેટ્સ વાયરલ થઇ જતાં કોઈકે તેનો સ્ક્રીનશોટ લઇ લીધો હતો. જે ત્યારબાદ પોલીસ પાસે પહોંચી ગયો હતો.
સ્ક્રીનશોટ મળતાં ગોધરા પોલીસ મથકના અધિકારીઓએ આ મામલે લોકોની લાગણી દુભાય અને જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ સર્જાય તે હેતુથી કૃત્ય કરવામાં આવ્યું હોવાનું નોંધી યુવક સામે આઇપીસીની કલમ 153 અને આઇટી એક્ટની યોગ્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ તેની તપાસ પણ શરૂ કરી હતી.
SOGએ તપાસ કરી, મોબાઈલ નંબરના આધારે લોકેશન મેળવીને વસીમ ભટુકને તેના ઘરેથી ઝડપી લીધો હતો. જે બાદ તેને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું કે, ગુનો દાખલ થયા બાદ ભટુકની ધરપકડ કરવામાં આવી હતી અને ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ અનુસાર, ભટુકે પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેને ઇન્સ્ટાગ્રામ પર લખાણ મળ્યું હતું અને ‘ભૂલથી’ વોટ્સએપ પર શૅર કરી દીધું હતું. પોલીસને આ સ્ક્રીનશોટ પણ મળ્યા છે તેમજ એ જ સામગ્રી તેના ઇન્સ્ટાગ્રામ પરથી પણ મળી આવી હતી.
નવસારીમાં મહોરમ અગાઉ મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નો ઝંડો
ગત ઓગસ્ટ મહિનામાં પણ આ પ્રકારની એક ઘટના નવસારીમાંથી સામે આવી હતી. જ્યાં એક મુસ્લિમ સગીરે મહોરમ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનનો ઝંડો લગાવી દીધો હતો. જેના સ્ક્રીનશોટ વાયરલ થઇ ગયા હતા અને ત્યારબાદ આ મામલે પોલીસ પણ સક્રિય બની હતી.
સ્ક્રીનશોટમાં જોવા મળ્યું હતું કે સગીરના ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રોફાઈલ પિક્ચરમાં પાકિસ્તાનનો ઝંડો મૂકવામાં આવ્યો હતો. જેની સાથે બાજુમાં મોટા અક્ષરે ‘Pakistan’ લખ્યું હતું. જોકે, આ સ્ક્રીનશોટ વાયરલ થઇ જતાં તેણે પ્રોફાઈલ ફોટો બદલી નાંખ્યો હતો અને અકાઉન્ટ પણ લૉક કરી દીધું હતું.
આ મામલે જાણ થતાં જ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થઇ હતી અને આ સગીરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ સગીર અને તેના પિતા બંનેને પકડી લેવામાં આવ્યા હતા. જે બાદ બંનેને પોલીસ મથકે લાવવામાં આવતાં તેમણે માફીપત્ર લખી આપ્યું હતું અને દાવો કર્યો હતો કે સગીરે ભૂલથી પાકિસ્તાનનો ધ્વજ મૂકી દીધો હતો.
જોકે, આરોપી સગીર હોવાના કારણે અને માફીપત્ર લખી આપ્યું હોવાના કારણે પોલીસે પણ આગળ કાર્યવાહી ન કરી મામલો થાળે પાડ્યો હતો.