સિદ્ધપુરના કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અને આ ચૂંટણીમાં ઉમેદવાર ચંદનજી ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે દેશ અને કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ જ બચાવી શકે. આ વિડીયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.
Only Congress protects you, countrywide. We will protect you, we will guard you. BJP disturbed you in some places, raked up teen talak issue and abolished it, snatched away hajj subsidy, ended minority institutions subsidy: Congress MLA candidate Chandanjipic.twitter.com/PzpIyDRXqy
— DeshGujarat (@DeshGujarat) November 19, 2022
કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર કહેતા સંભળાય છે કે, “આપણે નવું કરવા માટે તેમને (ભાજપને) મત આપ્યા, પરંતુ તેઓ છેતરી ગયા. આખો દેશ ખાડામાં ધકેલાઈ ગયો. દેશને માત્રને માત્ર બચાવી શકે તો મુસ્લિમ સમાજ બચાવી શકે, કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ જ બચાવી શકે.” તેઓ આગળ કહે છે કે, “એનું એક જ ઉદાહરણ છે. NRCના મુદ્દા પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રોડ પર આવ્યા. 18 પક્ષો હતા, એક પણ પક્ષે મુસ્લિમ સમાજની તરફદારી ન કરી. આ એક જ પાર્ટી એવી છે, જે તમને અનુસરે છે. તમારી રખેવાળી કરે છે અને આખા દેશમાં તમને રક્ષણ પૂરું પાડે છે.” તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
તેઓ આગળ કહે છે કે, “આ ભારતીય જનતા પાર્ટીએ તમને (મુસ્લિમોને) કેટલીક જગ્યાએ ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું. ભાજપે ત્રણ તલાકનો મુદ્દો ચલાવી સુપ્રીમ કોર્ટમાં મહોર કરાવી કાયદા નાબૂદ કરવાનું કામ કર્યું. કોંગ્રેસ સરકારમાં હજ જવા માટે પૈસા મળતા હતા, તમને સબસીડી મળતી હતી. ભાજપની નીતિના કારણે આ સબસીડી પણ રદ થઇ ગઈ. લઘુમતી સંસ્થાઓમાં છોકરાં ભણાવવા માટે સબસીડી મળતી હતી, પણ આ લોકોની મંશાને કારણે તમારી સબસીડી બંધ કરી નાંખી.”
તેઓ સામે બેઠેલા મુસ્લિમ સમુદાયના લોકોને સંબોધિત કરતા કહે છે કે, તેમણે ચેતી જવું જોઈએ જેથી કોઈ ‘દબંગગિરી’ ન કરી જાય. તેમણે ફરી એક વખત કહ્યું હતું કે, તેઓ તેમનું રક્ષણ અને રખેવાળી કરશે તેવું તેઓ વચન આપે છે.
આ વિડીયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. સીએમે વિડીયો ટ્વિટ કરીને આ શબ્દોને શરમજનક ગણાવ્યા હતા અને કહ્યું કે, હાર ભાળી જતાં કોંગ્રેસ ફરી એક વખત લઘુમતી તુષ્ટિકરણનો સહારો લઇ રહી છે. પણ કોંગ્રેસે એ યાદ રાખવું જોઈએ કે તેમને હારથી કોઈ બચાવી શકશે નહીં.
Shameful words!
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 19, 2022
Fearing defeat, Congress yet again resorts to minority appeasement.
But Congress should know that no one will be able to save Congress Party from defeat! pic.twitter.com/cr6cL4QFYA
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પણ મુસ્લિમોના સંમેલનમાં આ જ પ્રકારનું એક નિવેદન આપીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશની તિજોરી ઉપર જો સૌથી પહેલો કોઈનો અધિકાર હોય તો તે લઘુમતીઓનો છે. આ કોંગ્રેસનો વડાપ્રધાન ડંકાની ચોટ પર કહેતો હતો. નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે કહ્યું હતું કે, દેશના સંસાધનો પર પહેલો અધિકાર લઘુમતીઓનો છે.