Sunday, July 14, 2024
More
  હોમપેજગુજરાતઆદિલે ઇન્સ્ટાગ્રામ પર 'આર્ય પટેલ'ની આઇડી બનાવીને હિંદુ યુવતીને ફસાવી હતી, હવે...

  આદિલે ઇન્સ્ટાગ્રામ પર ‘આર્ય પટેલ’ની આઇડી બનાવીને હિંદુ યુવતીને ફસાવી હતી, હવે ભરૂચની કોર્ટે ફગાવ્યા જામીન: કહ્યું- આ આજની પેઢી માટે આંખ ઉઘાડનારો કેસ

  સરકાર પક્ષે કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, આવા આરોપીઓની મોડસ ઓપરેન્ડી ધ્યાને લેવાય તે જરૂરી છે. જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરી આવું કૃત્ય કરી શકે છે અને અન્ય નિર્દોષ યુવતીઓ પણ ભોગ બની શકે છે.

  - Advertisement -

  ત્રણ મહિના પહેલાં સામે આવેલા એક લવ જેહાદના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટે આરોપી આદિલ અબ્દુલ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય છે કે આરોપીએ ખોટી ઓળખ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવી હતી અને તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો ખોટો સંદેશ જશે. 

  આ કેસ ગત જાન્યુઆરી મહિનામાં સામે આવ્યો હતો. ભરૂચની એક હિંદુ યુવતીએ ચાવજ ગામે રહેતા આદિલ નામના એક ઇસમ પર ઈન્સ્ટાગ્રામ પર હિંદુ નામ ધારણ કરીને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ભરૂચ રૂરલ પોલીસ મથકે FIR નોંધાયા બાદ આદિલની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી કેસ ચાલી રહ્યો છે અને પોલીસ ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે. 

  ચાર્જશીટ રજૂ થયા બાદ આદિલે માર્ચ, 2024માં જામીન અરજી કરી હતી, જેની ઉપર સેશન્સ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. ગત 26 માર્ચે કોર્ટે ચુકાદો આપીને અરજી નામંજૂર કરી દીધી. અરજીમાં આદિલે પોતાને ફસાવવા માટે ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાના દાવા કર્યા હતા અને કહ્યું હતું કે હવે ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે તો તેને જામીન પર મુક્ત કરવામાં આવે. 

  - Advertisement -

  સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો

  બીજી તરફ, પબ્લિક પ્રોસિક્યુટરે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. કેસની વિગતો જણાવતાં કહ્યું હતું કે, આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઇડી બનાવીને યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે મુસ્લિમ હોવા છતાં હિંદુ યુવક ‘આર્ય પટેલ’ તરીકે ઓળખ આપી હતી. એટલું જ નહીં, સહાનુભૂતિ મેળવવા માટે તેના માતા-પિતા સાથે રહેતાં હોવા છતાં તેઓ વર્ષો પહેલાં એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં હોવાનું જુઠ્ઠાણું પણ ચલાવ્યું હતું. 

  સરકાર પક્ષે જણાવવામાં આવ્યું હતું કે, આવા આરોપીઓની મોડસ ઓપરેન્ડી ધ્યાને લેવાય તે જરૂરી છે. જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરી આવું કૃત્ય કરી શકે છે અને અન્ય નિર્દોષ યુવતીઓ પણ ભોગ બની શકે છે. ઉપરાંત, આરોપી અને પીડિતા બંને એક જ ગામનાં હોવાથી મુક્ત થાય તો આરોપી પુરાવા સાથે છેડછાડ પણ કરી શકે તેવી પણ દલીલ કરવામાં આવી. 

  સરકારે દલીલ કરતાં કહ્યું કે, આરોપીએ ગંભીર ગુનો આચર્યો છે અને આવાં કૃત્ય ફરી ન થાય તે માટે સમાજમાં એક કડક સંદેશ જવો જરૂરી છે, જેથી જામીન અરજી નામંજૂર કરવામાં આવે. 

  આદિલે ખોટી આઇડી બનાવી તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે: કોર્ટ 

  બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, તેઓ હાલ કેસનાં મેરિટ્સમાં જઈ રહ્યા નથી કે પુરાવા પર પણ ચર્ચાનીન જરૂર નથી, કારણ કે તેની ચર્ચા ટ્રાયલ દરમિયાન થશે. પરંતુ રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રીના આધારે એટલું સ્પષ્ટ છે કે આરોપીએ ખોટી આઇડી બનાવી હતી અને પીડિતા સાથે સંપર્ક સાધ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, રૂબરૂમાં મળ્યા બાદ પણ આરોપીએ પોતાનું સાચું નામ જાહેર કરવાને બદલે પોતાની ઓળખ ‘આર્ય પટેલ’ તરીકે આપી હતી. 

  કોર્ટે નોંધ્યું કે, “પહેલેથી જ આરોપી પીડીતાને ગેરમાર્ગે દોરી રહ્યો હતો અને પોતે પરણિત હોવા છતાં અને પત્ની સાથે રહેતો હોવા છતાં તેને પ્રપોઝ કરી હતી. બંને પહેલાં એકબીજાથી પરિચિત ન હતાં અને પીડિતાનો સંપર્ક કરવા માટે આરોપીએ ખોટું નામ ધારણ કર્યું હતું અને અમુક અંશે તે સફળ પણ રહ્યો હતો. આ પ્રકારનાં કૃત્યની નિંદા થવી જોઈએ.” 

  મુક્ત કરીશું તો આવા તત્વોને પ્રોત્સાહન મળશે: કોર્ટ 

  કોર્ટે કહ્યું કે, “આરોપીની મોડસ ઓપરેન્ડીને જોતાં જો આ અરજી મંજૂર કરવામાં આવે તો તેનાથી આવા તત્વોને યુવતીઓને ખોટા વાયદા કરીને ફસાવીને તેમનું શોષણ કરવા માટે પ્રોત્સાહન મળશે. આ આરોપીને જો મુક્ત કરવામાં આવે તો નિર્દોષ યુવતીઓનું શોષણ કરવા માટેની તકો શોધનારા તત્વોને લાયસન્સ મળી જશે.”

  અદાલતે એમ પણ કહ્યું કે, “આ કેસમાં આરોપીએ ન માત્ર અન્ય ધર્મની પીડિતાની ભાવનાઓ સાથે ખિલવાડ કરી છે, પરંતુ તેની પત્ની સાથે પણ અન્યાય કર્યો છે.” કોર્ટે અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું કે, “આ કેસ આજની પેઢી, જેઓ સામેના વ્યક્તિ વિશે કશું પણ જાણ્યા વગર બેજીજક સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે છે, તેમના માટે આંખ ઉઘાડનારો બની શકે છે.” 

  બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પુરાવાઓ, આરોપીની મોડસ ઓપરેન્ડી અને તથ્યોને ધ્યાને લઈને જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. આદિલ હજુ જેલમાં જ રહેશે. આદેશ 26 માર્ચે આપવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયા પાસે કોર્ટના આદેશની નકલ ઉપલબ્ધ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં