Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતમાઈભક્તોની આતુરતાનો અંત; પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કલેકટરે પરંપરાગત...

    માઈભક્તોની આતુરતાનો અંત; પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કલેકટરે પરંપરાગત રીતે માતાજીનો રથ ખેંચીને કરી શરૂઆત

    અંબાજીના ભાદરવી પૂનમના મેળાનું મહત્વ અનેરું છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશભરના અલગ-અલગ ભાગોમાંથી લાખો માઈભક્તો પદયાત્રા કરીને મા અંબાના આશીર્વાદ માટે અંબાજી ખાતે આવશે. તેમની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાને લઈને ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિસ્વાર્થ સેવા કરવામાં આવશે.

    - Advertisement -

    ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પવિત્ર યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાં જેનું સ્થાન અગત્યનું છે તે અંબાજી શક્તિપીઠ ખાતે શનિવાર (23, સપ્ટેમ્બર)ના રોજ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. લાખો માઈભક્તોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરે વિધિવત રથ ખેંચીને મેળાની શરૂઆત કરી છે. મંદિરના પૂજારીઓએ પણ આરતી અને મંત્રોચ્ચાર સાથે મહામેળાની શુભ શરૂઆત કરી છે. આ મેળો 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યાં સાત દિવસમાં લાખો માઈભક્તો માતાજીને આમંત્રણ પાઠવવા માટે પહોંચી જશે.

    મા શક્તિની પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે શનિવારથી (23 સપ્ટેમ્બરથી) ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટ વરુણકુમાર બરનવાલે તેમના પરિવાર સાથે પહોંચીને વિધિવત રીતે પૂજા-અર્ચના કરી માતાજીનો રથ ખેંચ્યો હતો. ભાદરવી પૂર્ણિમાના મેળાના સાત દિવસમાં અંદાજિત 30થી 35 લાખ લોકો પગપાળા સંઘો લઈને આવશે. જિલ્લા વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટે મેળાને લઈને તમામ તૈયારીઓ કરી છે. અંબાજી ખાતે આવનારા લાખો ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે નવી અને ઘણી મહત્વની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

    અંબાજી મેળાનો શુભારંભ સાથે અનેક સંસ્થાઓની નિસ્વાર્થ સેવાનો પણ શુભારંભ

    અંબાજીના ભાદરવી પૂનમના મેળાનું મહત્વ અનેરું છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશભરના અલગ-અલગ ભાગોમાંથી લાખો માઈભક્તો પદયાત્રા કરીને મા અંબાના આશીર્વાદ માટે અંબાજી ખાતે આવશે. તેમની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાને લઈને ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિસ્વાર્થ સેવા કરવામાં આવશે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. લાઇટ, દૂધ, પાણી, ભોજન, આવાસ, આરોગ્ય જેવી તમામ સેવાઓની તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મહત્વની ઘણી સેવા પૂરી પાડવામાં આવશે.

    - Advertisement -

    એ ઉપરાંત ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અલગ-અલગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. સાત જેટલા મોટા વિશાળ ડોમ પાલનપુરથી અંબાજી હાઇવે પર તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં યાત્રિકોને આરામ કરવાથી માંડીને આરોગ્ય વિષયક સેવાઓ પણ મળી રહેશે. લાખો માઈભક્તો ‘જય અંબે’ અને ‘બોલ માડી અંબે જય જય અંબે’ના જયઘોષ સાથે અંબાજી પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓના અનેક સંઘો અંબાજીમાં પહોંચે ત્યારે તેમને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે એ હેતુથી સેવાભાવી સંસ્થાઓ અને સરકારે ઉત્સાહભેર સુવિધાઓ પૂરી પાડી છે.

    અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે QR કોડ લૉન્ચ કર્યો

    ભાદરવી પૂનમના મેળાના પ્રારંભની સાથે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ભક્તો માટે રહેવા-જમવાની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, મોબાઈલ ચાર્જિંગ માટે વ્યવસ્થા, હાઉસકીપીંગથી લઈને અગ્નિશામક સાધનો સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાથે જ મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારી મંદિરની શોભામાં વધારો કર્યો છે.

    યાત્રિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે એ માટે ડિજિટલ પહેલ પણ કરવામાં આવી છે, જેના ભાગરૂપે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે એક QR કોડ લૉન્ચ કર્યો છે. જેને સ્કેન કરવાથી તેમને રહેવા અને જમવાનું ચોક્કસ લોકેશન મળી શકશે. આ ઉપરાંત ગબ્બર પર્વતના પગથિયાંને પણ સફેદ રંગે રંગવામાં આવ્યા છે. જેથી યાત્રિકોને પગરખાં વિના પણ ચાલવાની અગવડતા નહીં પડે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં