આખરે મંગળવારે (20 ફેબ્રુઆરી) ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભા રહેલા ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિપક્ષી પાર્ટીઓ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી તેઓએ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા. જેથી BJPના ઉભા રહેલા તમામ ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ જાહેર થયા હતા. આ દરમિયાન એક ઉમેદવારે અપક્ષનુ ફોર્મ ભર્યું હતું, પરંતુ સમર્થન ન મળતા ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર#Gujarat #BJP #BreakingNews pic.twitter.com/CziJfOJHx8
— Zee 24 Kalak (@Zee24Kalak) February 20, 2024
ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ગુજરાતમાંથી BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, BJP બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક અને ડો.જસવંતસિંહ પરમારને રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. ત્યારે હવે બિન હરીફ જાહેર થતા ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડો.જસવંતસિંહ પરમાર વિધાનસભા પહોંચ્યા હતા. જયારે BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાલ દિલ્હીમાં છે. BJPના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા હવે રાજ્યસભામાં ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ વધશે.
આ ચારેય ઉમેદવારોએ 15 ફેબ્રુઆરી, 2024ના રોજ BJP તરફથી નામાંકન પત્ર ભર્યું હતું. 20 ફેબ્રુઆરીએ ઉમેદવારી પછી ખેચવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ નોંધનીય છે કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી તેને ઉમેદવારો ઉતાર્યા ન હતા. જેથી BJPના ઉમેદવારો બિનહરીફ જીતવાના છે એ નક્કી થઇ ગયુ હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની એક બેઠક જીતવા 46 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. જયારે 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર હોય છે. ભારતીય જનતા પાર્ટી પાસે વર્તમાનમાં 156 બેઠકો છે, જયારે કોંગ્રેસ પાસે માત્રે 15 બેઠકો છે, અને બીજી વિપક્ષી પાર્ટીઓ જેવી કે આમ આદમી પાર્ટીની 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષની 2 બેઠકો છે. ભાજપના 4 સાસંદો બિનહરીફ થતાં રાજ્યસભામાં ગુજરાતના 11 સાંસદોમાંથી 10 સાંસદ માત્ર ભાજપના હશે જયારે કોંગ્રેસમાંથી ફક્ત એક જ સાંસદ બચશે.