શહેરોમાં અવારનવાર કરોડપતિ બાપના દીકરાઓ મોંઘીદાટ કાર કે બાઈક લઈને રાત્રે આંટાફેરા અને જાતજાતના સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. અમદાવાદમાં ખાસ કરીને આવી ઘટનાઓ સામે આવતી રહી છે. થોડા સમય પહેલાં આવો એક કિસ્સો અમદાવાદ પોલીસના ધ્યાને આવ્યો હતો, જે મામલે તપાસ ચાલી રહી હતી. જેમાં સામેલ મુખ્ય આરોપી જુનૈદ જાવેદ મિર્ઝાને પોલીસે શોધી કાઢીને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર તસ્વીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક યુવક તેની મર્સીડીઝ કારની આગળ એક બોર્ડ લઈને ઉભેલો જોવા મળે છે, જેમાં લખવામાં આવ્યું હતું- ‘ગાડી મારા બાપની છે, રોડ નહીં.’ આ યુવકનું નામ જુનૈદ જાવેદ મિર્ઝા (જુહાપુરા, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું છે. પોતાના જન્મદિવસે તેણે મિત્રો સાથે શહેરના સિંધુભવન રોડ પર જોખમી સ્ટન્ટ કર્યા હતા, જેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
“गाडी मेरे बाप की है– पर रोड नहीं “
— Nirnay Kapoor (@nirnaykapoor) July 6, 2023
अच्छा प्रयोग है @AhmedabadPolice 👍🏻👍🏻
अहमदाबाद की पॉश सड़क पर सरे आम कान पकड़ कर उठक-बैठक करता ये जुहापुरा का रहने वाला जुनैद मिर्ज़ा .. इसे अपने जनंदिन पर अहमदाबाद के सिंधुभवन रोड पर रैश- ड्राइविंग के आरोप में कल रात पुलिस ने गिरफ्तार किया… pic.twitter.com/5GFvqxGKmb
આ મામલો ફેબ્રુઆરી, 2023નો છે. 17 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના સિંધુભવન રોડ પરનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક નબીરાઓ મોંઘીદાટ કાર લઈને જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ સરખેજ પોલીસે 18 ફેબ્રુઆરી, 2023ના રોજ આસિફ અલી સૈયદ, હાજિમ શેખ અને અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ IPCની કલમ 279 અને મોટર વેહિકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
આ આરોપીઓની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી જુનૈદ જાવેદ મિર્ઝાનું નામ સામે આવ્યું હતું, જેને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે જ્યાં મિત્રો સાથે સ્ટન્ટ કર્યા હતા તે જ જગ્યાએ લઈને સાન ઠેકાણે લાવી હતી. તેના મિત્રો પહેલેથી જ પકડાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, આ વિડીયો બે વર્ષ જૂનો હતો, જે ગત ફેબ્રુઆરીમાં વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં આ રીતે કાર કે બાઈક લઈને યુવકો જોખમી સ્ટન્ટ કરતા જોવા મળતા રહ્યા છે, જેના કારણે તેમની પોતાની અને આસપાસથી પસાર થતા શહેરીજનોની સુરક્ષા પણ જોખમમાં મૂકાય છે. પોલીસે અવારનવાર આ પ્રકારનાં કૃત્યો સામે કડક હાથે કાર્યવાહી કરી છે ત્યારે વધુ એક કિસ્સામાં આરોપીઓને જાહેરમાં ઉઠકબેઠક કરાવીને, પાઠ ભણાવીને અક્કલ ઠેકાણે લાવી હતી. સોશિયલ મીડિયા પર અમદાવાદ પોલીસની આ કાર્યવાહીની લોકો પ્રશંસા કરી રહ્યા છે.