કોલકાતામાં (Kolkata) મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના ઘટ્યા બાદ સમગ્ર દેશમાં આ બાબતે રોષ ફેલાયેલો હતો. દેશભરમાં લોકો પીડિતાને ન્યાય અપાવવા રસ્તાઓ પર ઉતર્યા હતા. મહિલા સુરક્ષાની માંગ સાથે બહોળા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. ત્યારે આ માટે અમદાવાદ અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં તથા મહિલા હોસ્ટેલની બહાર SHE ટીમ (SHE Team) તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલકાતાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યારે અમદાવાદમાં મહિલા સુરક્ષા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) પરિસરમાં 24 કલાક SHE ટીમ (મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી બનાવાયેલ સ્પેશિયલ પોલીસ ટીમ) તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આ અંગેની માંગ કરવામાં આવી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલ પરિસરમાં, મહિલા હોસ્ટેલ, મેડિકલ કોલેજ અને ટ્રોમા સેન્ટર ખાતે 24 કલાક નજર રાખવા માટે SHE ટીમ તૈનાત કરવામાં આવી છે.
તાત્કાલિક ઉભી કરાઈ SHE ટીમ ચોકી
એક મહિલા પોલીસકર્મીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, “મહિલા હોસ્ટેલની બાજુમાં તાત્કાલિક ધોરણે SHE ટીમની ચોકી ઊભી કરવામાં આવી છે. જેથી હોસ્ટેલમાં રહેતી મહિલાઓની 24 કલાક સુરક્ષા કરી શકાય. ઝોન DCP અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની મિટિંગ થઈ હતી. સુપ્રિટેન્ડેન્ટના સહકાર અને તેમની સાથે સંકલનમાં રહી આ ચોકી ઊભી કરવામાં આવી છે.” ઉલ્લેખનીય છે કે હવે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને 24*7 આ ટીમ ત્યાં તૈનાત રહેશે.
કોલકાતા ડોક્ટર હત્યા કેસ બાદ લેવાયા પગલા
9 ઓગસ્ટે કોલકાતામાં RG કર મેડિકલ કોલેજ (RG Kar Hospital) અને હોસ્પિટલમાં અનુસ્નાતક કરી રહેલ ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી હતી. શરૂઆતમાં આ હત્યાને આત્મહત્યા બતાવી કેસ રફાદફા કરવાનો પ્રયત્ન થયો હતો. પરંતુ બાદમાં સમગ્ર ઘટના સામે આવી હતી. 31 વર્ષીય ડોક્ટર સાથે બળાત્કાર ગુજારી તેમની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. પીડિતાના માતા-પિતાએ કોર્ટની નજર હેઠળ સમગ્ર કેસની તપાસ થાય એવી માંગણી પણ કરી હતી.
સમગ્ર દેશભરમાં પીડિતાને ન્યાય આપવાની અને આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા. દરમિયાન કેટલાક ગુંડાઓએ RG કર હોસ્પિટલમાં હુમલો કરી તોડફોડ કરી હતી. પીડિતાને ન્યાય આપવાની માંગ સાથે 17 ઓગસ્ટે દેશના ડોક્ટર્સે હડતાળ કરી હતી. આ મામલાની સુનાવણી 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવશે.