Friday, May 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રવચનમાં ભગવાન શિવજીનું અપમાન કરનાર સ્વામિનારાયણ સંત વિરુદ્ધ FIR, સનાતનીઓની ધાર્મિક ભાવનાઓને...

  પ્રવચનમાં ભગવાન શિવજીનું અપમાન કરનાર સ્વામિનારાયણ સંત વિરુદ્ધ FIR, સનાતનીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

  પ્રવચનમાં શિવજી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિરોધનો સામનો કરી રહેલા આનંદ સાગર સ્વામીની વધતી મુશ્કેલીઓ.

  - Advertisement -

  પોતાના પ્રવચનમાં ભગવાન શિવજીનું અપમાન કરીને વિવાદમાં ફસાયેલા સ્વામિનારાયણ સંત આનંદ સાગરની મુશ્કેલીઓ વધી રહી છે. હવે રાજકોટમાં તેમની સામે એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે રાજકોટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

  રાજકોટના એક વ્યક્તિએ આનંદ સાગરસ્વામીએ પોતાના પ્રવચનમાં હિંદુ ધર્મના ભગવાન શિવજીને ઉતારી પાડવાની ગણતરીએ સનાતન ધર્મની લાગણીઓને આઘાત પહોંચાડવાના હેતુથી અને દ્વેષપૂર્ણ ઈરાદાથી હિંદુ ધર્મની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું જણાવી ફરિયાદ નોંધાવી હતી. 

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ફેસબુક સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર સ્વામિનારાયણ સંત આનંદ સાગર સ્વામીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ શિવજીનું અપમાન થાય તેવી વાતો કહેતા જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો અને લોકોએ વિરોધ પણ ખૂબ નોંધાવ્યો હતો. જોકે, વિરોધ થયા બાદ આનંદ સાગર સ્વામીએ માફી પણ માંગી લીધી હતી

  - Advertisement -

  તેમણે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, વલ્લભ વિદ્યાનગરના આત્મીય વિદ્યાધામના આનંદ સાગર સ્વામી દ્વારા કોઈ જગ્યાએ કરવામાં આવેલ પ્રવચનમાં ભગવાન શિવજીને ઉતારી પાડવાની ગણતરીએ દ્વેષપૂર્ણ ઈરાદાથી ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાનો અને સનાતન ધર્મની લાગણીઓને આઘાત પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું હતું. 

  આ મામલે રાજકોટ પોલીસે આઇપીસીની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) હેઠળ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

  શું કહ્યું હતું આનંદ સાગર સ્વામીએ? 

  વાયરલ વીડિયોમાં આનંદ સાગર સ્વામી કહેતા સંભળાય છે કે, “આત્મીય વિદ્યાધામમાં નિશિત નામનો એક દીકરો રહે છે. જેને ગુરુહરિ પ્રબોધ સ્વામીએ અઢળક દર્શન આપ્યા છે. ગયા મહિને એને પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા. તેઓ તેમના રૂમ પર હતા. તેમણે નિશિતભાઈને બોલાવ્યા અને ઇવીડીના મેઈન ગેટ પર જવા માટે કહ્યું.”

  તેઓ આગળ કહે છે, “નિશિતભાઈ મેઈન ગેટ પાસે ગયા. ત્યાં ગેટ બંધ હતો પણ બહાર શિવજી ઉભા હતા. નિશિતભાઈએ વર્ણન કર્યું કે પિક્ચરમાં જોઈએ એ રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો અને વ્યવસ્થિત ઉભા હતા. પછી નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો, પ્રબોધ સ્વામીના પણ આપને દર્શન થઇ જાય. પરંતુ શિવજીએ કહ્યું કે, પ્રબોધ સ્વામીના દર્શન થાય એવા મારા પૂણ્ય જાગૃત નથી થયા, પરંતુ મને તમારા દર્શન થયા એ મારા અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી નિશ્ચિતભાઈને ચરણસ્પર્શ કરી ત્યાંથી જતા રહ્યા.”

  આ વિડીયો ચોક્કસ ક્યાંનો અને કયા સમયનો છે તે જાણી શકાયું નથી. પરંતુ તે વાયરલ થયા બાદ આનંદ સાગર સ્વામીએ ગુજરાતભરમાંથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો અને વિરોધ પણ ખૂબ થયો હતો.  

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં